સુરતઃ કડોદરા નજીક હાઈ વે પર એક કાર અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ કબજે કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર સ્કૂલ બસ સાથે અથડાતા બસ પલટી ગઇ હતી 
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ વે પર કડોદરા નજીક જીનીયસ એકેડમી સ્કૂલ બસનો ડ્રાઈવર વિદ્યાર્થીને લેવા જઈ રહ્યો હતો. દરમિયાન રિટ્ઝ કાર સ્કૂલ બસમાં ધડાકા સાથે ઘૂસી ગઈ હતી. જેથી સ્કૂલ બસ પલટી મારી ગઈ હતી. જોકે, સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જ્યારે કાર ચાલક અને અન્ય એક કાર સવાર કારમાં ફસાઈ ગયા હતા. અને ત્યારબાદ 108ને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમાં કાર ચાલક બંસીલાલ બીસનોઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય કાર સવારને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.


કાર હતી દારૂથી છલોછલ 
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. અકસ્માતના પગલે દારૂની બોટલ તૂટી ગઈ હતી. જેથી પોલીસે દારૂ કબજે કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જ્યારે સ્કૂલ બસના ચાલકને નાની-મોટી ઈજા પહોંચી હતી.