અમદાવાદ : સમગ્ર રાજ્યમાં ગઇ કાલે લોકરક્ષક દળની પરીક્ષા યોજાઇ હતી. અમદાવાદ સોલા બ્રિજ પાસે આવેલી યુટોપિયા સ્કુલમાં ચાલુ પરીક્ષામાં પેપરનો ફોટો પાડી જવાબ માંગી રહેલા ઉમેદવારની સોલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કડક સુરક્ષા વચ્ચે ઉમેદવાર ક્લાસરૂમમાં મોબાઇલ લઇને પહોંચી ગયો હતો. તેનાં હાથમાં પેપર આવતાની સાથે જ તેણે ફોટા પાડીને તે કોઇ વ્યક્તિને વ્હોટ્સએપ કરી દીધા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે હાજરી પુરવા માટે આવેલા કર્મચારીઓએ તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલ તો તે તપાસ આદરી છે કે તેણે આ પેપર લીક કરવા માટે વ્હોટ્સએપ કર્યું હતું કે, પછી તેણે પોતાનાં માટે જ પેપરનાં ફોટા પાડીને જવાબ મેળવવા ફોટા મોકલ્યા હતા. તેણે કોને ફોટા મોકલ્યા હતા તે અંગે પણ હાલ તપાસ ચાલી રહી છે. તેનું પેપર પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. અને આ અંગે ગુનો નોંધીને સોલા પોલીસે વિસ્તૃત તપાસ આદરી છે. 

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મહેસાણા રહેવાસી જયેશ ચૌધરી નામનાં યુવાનનો સોલાબ્રીજ પાસેની યુટોપિયા સ્કુલમાં નંબર આવ્યો હતો. જયેશે પેપરનાં જવાબ મંગાવવા માટે તેનાં જેકેટમાં મોબાઇલ છુપાવ્ય હતો. જે મોબાઇલ તે પરિક્ષા ખંડની અંદર પણ લઇ ગયો હતો. જો કે પોલીસનાં ચુસ્ત બંદોબસ્તનાં દાવા વચ્ચે તે યુવાનો મોબાઇલ કઇ રીતે અંદર લઇને પહોંચ્યો તે એક મોટો સવાલ છે. સાથે સાથે પોલીસની નિષ્કાળજી પણ સામે આવી છે. 

જો કે સૌથી ચોંકાવનારી બાબત છે કે તે યુવાન ન માત્ર મોબાઇલ અંદર લઇ જવામાં સફળ રહ્યો પરંતુ પેપર આવ્યું તેનાં ફોટા પાડીને વ્હોટ્સએપ કરવામાં પણ સફળ રહ્યો હતો. જો કે પોલીસે જ્યારે તેને ઝડપી પાડ્યો ત્યારે તેણે જેને પેપર મોકલ્યા હતા તેનાં તે કોન્ટેક્ટ ડીલીટ કરી દીધો હતો. જેથી હાલ તો પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે. જો કે પ્રાથમિક તપાસમાં તેણે પેપર તેનાં ભાઇને વ્હોટ્સએપ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.