લોકરક્ષક દળના પેપરલિક કૌભાંડમાં ભાજપી નેતાઓનું કનેક્શન ખૂલ્યું છે. ગઈકાલે જે પાંચ લોકોનું નામ ખૂલ્યું હતું, તેમાંથી બે ભાજપના નેતા હતા. ભાજપ દ્વારા આ બંને નેતાઓને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે હવે આ કૌભાંડમાં વધુ એક ભાજપી નેતાનું નામ ખૂલ્યું છે. પેપરલીક કેસમાં વધુ એક ભાજપના નેતા જયેન્દ્ર રાવલની અટકાયત કરવામાં આવી છે. જયેન્દ્ર રાવલ મનહરના ખાસ મિત્ર છે અને ભાજપના પૂર્વ મહામંત્રી હતાં. ગાંધીનગર ક્રાઈમબ્રાંચે જયેન્દ્ર રાવલની બાયડના સાઠંબા ગામથી ધરપકડ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પેપરલીક કેસમાં હજુ મોટા નેતાઓના નામ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયેન્દ્રના ઘરે દીકરાના લગ્ન
જયેન્દ્ર રાવલના ઘરે હાલ તેના પુત્રના લગ્નની તૈયારીઓ ચાલતી હતી. લગ્નના માહોલ વચ્ચે એકતરફ ખુશી છવાયેલી છે, તો બીજી તરફ જયેન્દ્ર રાવલની અટકાયતથી પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.  


જયેન્દ્ર રાવલને પણ સસ્પેન્ડ કરાયો
પેપરલીક કૌભાંડમાં ત્રીજા નેતાનું નામ ખૂલતા ભાજપમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. ત્યારે ગઈકાલે મનહર પટેલ અને મુકેશ ચૌધરીને સસ્પેન્ડ કરાયા બાદ આજે જયેન્દ્ર રાવલને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કુલ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ કરાઈ છે. જેમાં પી.વી.પટેલ, રૂપલ શર્મા, મનહર પટેલ અને મુકેશ ચૌધરી છે. આ ઉપરાંત વડોદરાનો અન્ય એક સૂુત્રધાર યશપાલસિંહ સોલંકી ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ ચાલી રહી છે.  


જવાબવહીને હેન્ડરાઈટિંગ એક્સપર્ટ પાસે મોકલાશે
લોકરક્ષક પેપર લીક મામલે હાથથી લખેલી જવાબવહી મહત્વનો પુરાવો બની શકે છે. સમગ્ર મામલામાં મહત્વનો પુરાવો બનેલી આન્સર કી હાથથી લખેલી હોવાથી ગાંધીનગરમાં એફ.એસ.એલ.માં હેન્ડરાઇટિંગ એક્સપર્ટને મોકલવામાં આવશે.  તેમજ પકડાયેલા આરોપીઓના હેન્ડરાઈટીંગની કોપી પણ મોકલાશે. તેથી જ આ  કેસમાં જવાબવહી સૌથી મોટો પુરાવો બની શકે છે. જવાબવહી લખનાર વ્યક્તિના તાર સમગ્ર કેસમાં મુખ્ય આરોપી સાથે જોડાયેલા હોઈ શકે છે. 


ગુજરાતના બહુચર્ચિત પેપર લીક કૌભાંડની તમામ વિગત જાણો