રાજકોટ આગકાંડમાં મૃત્યુઆંક વધ્યો, વધુ એક દર્દીએ સારવારમાં દમ તોડ્યો
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમા લાગેલી આગમાં આજે સારવાર દરમિયાન વધુ એક દર્દીએ અંતિમ શ્વાસ લીધા છે. ગાંધીધામના 66 વર્ષના થાવરભાઈ મહેશ્વરી નામના વ્યક્તિએ ખાનગી હોસ્પિટલમાં જીવન સામેની જંગ હારી ગયા છે. ત્યારે અગ્નિકાંડનો કુલ મૃત્યુ આંક 6 થયો છે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમા લાગેલી આગમાં આજે સારવાર દરમિયાન વધુ એક દર્દીએ અંતિમ શ્વાસ લીધા છે. ગાંધીધામના 66 વર્ષના થાવરભાઈ મહેશ્વરી નામના વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં જીવન સામેની જંગ હારી ગયા છે. ત્યારે અગ્નિકાંડનો કુલ મૃત્યુ આંક 6 થયો છે.
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડમાં મોટો ખુલાસો થયો હતો. આગની ઘટનામાં તે દિવસે 5 દર્દીઓના મોત થયા હતા. રાજકોટ પોલીસે 5 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં ગોકુળ હોસ્પિટલના ચેરમેન ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા, ડો. તેજસ કરમટા, ડો. તેજસ મોતીવારસ અને ડો. દિગ્વિજયસિંહ જાડેજા સામે ગુનો દાખલ કરાયો હતો. સાથે જ ગોકુળ હોસ્પિટલના ચેરમેન ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા, ડો. તેજસ કરમટાની અટકાયત કરાઈ હતી.
આ પણ વાંચો : કોરોના શરીરમાં પ્રવેશતા સૌથી પહેલા શું થાય છે? અંગો વચ્ચે કેવી રીતે ફરે છે વાયરસ? આ રહ્યાં બધા જવાબ
પોલીસ તપાસમાં હોસ્પિટલના ICU વોર્ડનો ઇમરજન્સી એક્ઝિટ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. ICU વોર્ડના ફાયર એક્ઝિટ ગેટ આડે મશીનો ખડકી દેવાથી ખૂલ્યા ન હતા, જેથી ગૂંગળામણથી 1 દર્દીનું મોત નિપજ્યું હતું. કર્મચારીઓને ફાયર સાધનોની ટ્રેનિંગ ન હોવાથી તેમનો ઉપયોગ ન થઈ શક્યો હતો. તેમજ ફાયર અને ઇમરજનસી રેસ્ક્યુની ટ્રેનિંગ સ્ટાફને આપવામાં આવેલ ન હોવાનું નિવેદનોમાં સામે આવ્યુ હતું. તેમજ હોસ્પિટલમાં સ્પ્રિંકલર સિસ્ટમ લગાવવામાં નહોતી આવી. 57 બેડની હોસ્પિટલમાં આવવા-જવા માટે એક જ નાનો દરવાજો હતો. હોસ્પિટલનો ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ફ્લોર ભાડે લીધો હતો.
આ પણ વાંચો : માંડ ક્રિકેટ રમવાનું સપનુ પૂરુ થતુ દેખાયું, ત્યાં લોકડાઉન આવ્યું... બેકારીમાં વ્હીલચેર ખરીદવા પણ રૂપિયા નથી
12:22:14 કલાકે હોસ્પિટલમાં આગ લાગી હતી, અને 12:35 કલાકે ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું. 10 મિનિટમાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો, પણ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી ન હતી. સીસીટીવીના ડીવીઆરમાં પડદા પાછળ આગ લાગેલી દેખાતી હોવાથી આગ કેવી રીતે લાગી તે હજી સ્પષ્ટ દેખાતું નથી. આગ બાદ ધુમાડો હોવાથી સ્પષ્ટ ચિત્ર નથી દેખાતું. એફએસએલમાં ડીવીઆર મોકલાયું છે.