માંડ ક્રિકેટ રમવાનું સપનુ પૂરુ થતુ દેખાયું, ત્યાં લોકડાઉન આવ્યું... બેકારીમાં વ્હીલચેર ખરીદવા પણ રૂપિયા નથી

બંન્ને પગે દિવ્યાંગ હોવાથી ક્યારેય ક્રિકેટ રમી ન શક્યો. પરંતુ તેનો આ શોખ યુવાનીકાળમાં પૂરો થયો. વ્હીલચેર ક્રિકેટ અંગે સમજણ મેળવીને આ યુવકે એવી પ્રેક્ટિસ કરી કે, તે આજે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમમાં તેની પસંદગી થઈ છે

સ્નેહલ પટેલ/નવસારી :ક્રિકેટ એક એવી રમત છે જે ભારતીયોના શોખ સાથે જોડાયેલી છે. ભારતનો દરેક બાળક ગલી ક્રિકેટ રમીને મોટો થતો હોય છે. પરંતુ કેટલાક લોકોની આ ઈચ્છા અધૂરી રહેતી હોય છે. આવુ જ એક ઉદાહરણ નવસારીના ખેરગામ તાલુકાના નડગધરી ગામે જોવા મળ્યુ છે. જ્યાં એક યુવકને નાનપણથી ક્રિકેટ રમવાની ઈચ્છા હતી, પરંતુ તે બંન્ને પગે દિવ્યાંગ હોવાથી ક્યારેય ક્રિકેટ રમી ન શક્યો. પરંતુ તેનો આ શોખ યુવાનીકાળમાં પૂરો થયો. વ્હીલચેર ક્રિકેટ અંગે સમજણ મેળવીને આ યુવકે એવી પ્રેક્ટિસ કરી કે, તે આજે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમમાં તેની પસંદગી થઈ છે. 

ગામડાના યુવકો પણ દિગેશને પ્રેક્ટિસમાં મદદ કરે છે

1/4
image

દિગેશની ક્રિકેટ રમવાની લગન જોઈને તેના પરિવારના સભ્યો તેમજ તેના ગામના નાના બાળકો તેમજ યુવાનો પણ દિગેશને પ્રેક્ટિસ કરવામાં હંમેશા મદદ કરતા હોય છે. કોઈ પણ કામ અશક્ય હોતુ નથી માત્ર એ કામ પુર્ણ કરવા માટે મનોબળ મજબૂત હોવુ જોઈએ એ વાતને દિગેશે પુરવાર કરી છે. આજે તે વ્હીલચેર ક્રિકેટ ટીમમાં ગુજરાતમાં સ્થાન મેળવ્યુ છે. જોકે હવે તે પ્રથમ મેચ માટે રમશે.

લોકડાઉનને કારણે બેકાર બન્યો દિવેશ, વ્હીલચેર ખરીદવા પણ રૂપિયા નથી

2/4
image

ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમમાં સ્થાન તો દિગેશે મેળવી લીધુ, પરંતુ વડોદરા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો દિગેશ હાલ કોરોના મહામારીના કારણે થયેલ લોકડાઉનના કારણે બેકાર બન્યો છે. બેકાર હોવાથી તે હાલ ઘરે જ છે. જેથી તેણે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે જે વ્હીલચેરની જરૂર છે તે પણ તે ખરીદી શકે તેવી તેની પરિસ્થિતિ નથી. ગામના અન્ય એક દિવ્યાંગ વ્યક્તિની તૂટેલી વ્હીલચેર લાવી તેના પર હાલ તે પ્રેક્ટિસ કરી રહ્યો છે. ત્યારે ગરીબ પરિસ્થતિમાં ઉછરેલ દિગેશ સરકાર પાસે એટલી માંગ કરી રહ્યો છે કે, સરકાર વ્હીલચેર ક્રિકેટના ખેલાડીઓ તરફ ધ્યાન આપી તેમને પણ આર્થિક મદદ કરે તો આવા તમામ ખેલાડીઓના મનોબળ મક્કમ થાય અને તેઓ પણ આગળ આવી શકે.

દિવ્યાંગ ક્રિકેટ જોઈને પોતાનું સપનુ પૂરુ કરવાની ઈચ્છા જાગી

3/4
image

આ વચ્ચે એકવાર તે નડિયાદ ખાતે આવેલ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટ જોવા ગયો હતો. જ્યાં વ્હીલચેર પર અન્ય દિવ્યાંગોને ક્રિકેટ રમતા જોઈ તેણે પણ તેની નાનપણની ઈચ્છા પૂરી કરવાનુ સ્વપ્ન ફરી જીવંત થયું. એ સમયે તેની મુલાકાત વ્હીલચેર ક્રિકેટ ટીમના ગુજરાતના કેપ્ટન સાથે થઈ હતી. તેણે પોતાની ઈચ્છા રજુ કરી અને તેમણે તેને સુરત ખાતે બોલાવી આ અંગેની પ્રેક્ટિસ કરાવી. યોગ્ય માર્ગદર્શન મળતા દિગેશને આજે ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવામાં સફળતા મળી. હવે તેણે આગામી સમયમાં યોજાનાર ટુર્નામેન્ટની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

ગરીબ પરિવારમાં માતાની છત્રછાયા વગર ઉછર્યો દિગેશ

4/4
image

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાનકડા ગામ એવા નડગધરી ગામે રહેતો યુવાન દિગેશ પટેલ નાનપણથી જ બંન્ને પગે દિવ્યાંગ હતો. મહોલ્લામાં લોકોને ક્રિકેટ રમતા જોઈ તેને પણ નાનપણથી જ ક્રિકેટ રમવાની તીવ્ર ઈચ્છા હતી. પરંતુ બંન્ને પગે દિવ્યાંગ હોવાથી તેમજ ગરીબ નળીયાવાળા ઘરમાં રહેતા તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હતી. પિતા પણ મજુરી કરતા હોવાથી દીકરાની ક્રિકેટ રમવાની આ ઈચ્છા પૂરી કરવી તેના માટે અશક્ય હતુ. આવામાં માતાની છત્રછાયા વચ્ચે ધીરે ધીરે યુવાન થયેલા દિગેશે વડોદરા ખાતે ખાનગી કંપનીમાં નોકરીની શરૂઆત કરી હતી.