નર્મદાના પૂરે એકનો ભોગ લીધો, આજથી નર્મદા ડેમની સપાટી વધારવાનું શરૂ કરાશે
આ ચોમાસામાં નર્મદા નદી (Narmada River) એ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. જેની અસર ત્રણ જિલ્લાઓને થઈ રહી છે. જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત ભરૂચ જિલ્લો બન્યો છે
ભરત ચૂડાસમા/જયેશ દોશી/બ્યૂરો :આ ચોમાસામાં નર્મદા નદી (Narmada River) એ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. જેની અસર ત્રણ જિલ્લાઓને થઈ રહી છે. જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત ભરૂચ જિલ્લો બન્યો છે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદી ભયજનક લેવલ પર વહી રહી છે. આજે સવારે ભરૂચ પાસેના ગોલ્ડન બ્રિજની સપાટી 34.77 ફૂટ પર છે. નર્મદા ડેમ (narmada dam) માંથી સતત 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં તંત્ર હજી પણ સ્ટેન્ડ બાય ઉભું છે. લોકોના ઘરોમાં મા રેવાના પાણી ફરી વળ્યાં છે. ત્યારે આવામાં નર્મદા નદીમાં આવેલ પૂરના પાણીમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ફુરજા વિસ્તારમાં 55 વર્ષીય વ્યક્તિનું ડૂબી જતાં મોત નિપજ્યું છે. બી ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
નર્મદા નદી ભયજનક સપાટીથી ઉપર
હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલની ડેમની સપાટી 133 મીટર પર પહોંચી ગઈ છે. નર્મદા ડેમમાં પાણીની આવક 11,27,764 ક્યુસેક જેટલી છે. જેમાં 23 દરવાજામાંથી કુલ નર્મદા નદીમાં અત્યાર સુધી 11,27,374 ક્યુસેક પાણી છોડાયું છે. હાલ 23 દરવાજા 7.66 મીટર સુધી ખોલાયા છે. ભરૂચ નજીક નર્મદા નદી ભયજનક સપાટીથી 8 ફૂટ ઉપર વહી રહી છે. નીચાણવાળા વિસ્તારો પાણીથી લબાલબ થઈ ગયા છે. આકાશી નજારામાં નર્મદા નદીએ સર્જેલી તારાજી સર્જી શકાય છે.
મહેસાણામાં ફેમસ ગુજરાતી સિંગર કાજલ મહેરિયાને ઝીંકાયો લાફો.....
આજે ડેમ વધુ ભરાશે
નર્મદા કંટ્રોલ ઓથોરિટીની ગાઇડલાઇન મુજબ નર્મદા ડેમમાં 31 ઓગસ્ટ સુધી 132 મીટર સુધી પાણી ભરવાની મંજૂરી છે. સોમવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ડેમની સપાટી 132.88 મીટર નોંધાઇ હતી. ડેમમાં 1.25 લાખ ક્યુસેક જેટલા પાણીનો સંગ્રહ કરતા સપાટીમાં દર કલાકે 5 સે.મી. જેટલો વધારો થઇ રહ્યો છે. ડેમનું લેવલ 132 મીટરનું જાળવી રાખવાની મર્યાદા સોમવારે રાત્રે પૂર્ણ થતાં મંગળવારથી ડેમ પૂર્ણકક્ષા સુધી ભરવાની મંજૂરી મળી છે. જેને કારણે સપ્ટેમ્બરમાં ડેમ પૂર્ણ કક્ષા એટલે કે 138 મીટર સુધી ભરાશે.
ગુજરાતના ખેડૂતો હવે મેઘરાજાને ખમૈયા કરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ચોમાસાના 20 દિવસ હજુ બાકી છે અને ગુજરાતમાં સિઝનનો 120 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. નદીનાળાં, જળાશયો અને ડેમ છલકાઈ ગયા છે. કેટલાક જિલ્લા એવા છે જ્યાં અતિવૃષ્ટિથી વાવેતર પાણીમાં છે તો કેટલાક જિલ્લામાં ઉપરવાસમાંથી આવેલા પાણીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. 2 દિવસથી ભાવનગરના શેત્રુંજી ડેમ છલકાતાં 59 દરવાજા ખોલાયા છે. ગુજરાતની જીવાદોરી ગણાતા અને સૌથી મોટા સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. પંચમહાલનો વણાકબોરીનો ડેમ પણ છલકાયો છે. મોરબીનો મચ્છુ ડેમ છલકાયો છે. અમરેલીનો સુરવો ડેમ પણ છલકાંતાં અદભૂત નજારો જોવા મળ્યો છે. દ્વારકાનો ઘી ડેમ પણ છલકાયો છે.