અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું ભાજપ, સભા પહેલા નીતિન પટેલનો વિરોધ, તો બીજી સભામાં ઉમેદવારનો ફોટો ગાયબ
- ‘પક્ષપલ્ટુ પદ્યુમનસિંહ પ્રજાહિત કે સ્વહિત માટે ગયા છે...’ તેવા સવાલો સાથે અનેક મુદ્દે ભાજપ સરકારનો જાગૃત નાગરીકના નામે બેનર લગાવી વિરોધ કરાયો.
- અબડાસા ચૂંટણીમાં સ્થાનિક ભાજપના નેતાઓના કાવાદાવા બહાર આવ્યા છે. મુરતિયા વગરની જાનનો અહેસાસ થઈ રહ્યો છે
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ભાજપ દ્વારા હાલ પેટાચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. પરંતુ પક્ષપલટાની નીતિને કારણે ભાજપે અનેક વિસ્તારોમાં જાકારો મળી રહ્યો છે. લોકો ખૂલીને વિરોધ કરી
રહ્યાં છે. આવામાં ભાજપે ચૂંટણી(byelection) જીતવા સ્ટાર નેતાઓને પ્રચાર માટે મેદાને મોકલ્યા છે. પક્ષના દિગ્ગજ નેતા રોજ અલગ અલગ બેઠકો પર ચૂંટણી યોજે છે. ત્યારે આજે નીતિન પટેલ (nitin patel) કચ્છમાં જ્યાં સભા કરવાના છે ત્યાં ભાજપ વિરોધી બેનર લાગતા ચકચાર મચી ગઈ છે.
પક્ષપલ્ટુ પદ્યુમનસિંહ પ્રજાહિત કે સ્વહિત માટે ગયા છે...
જ્યારથી અબડાસામાં પેટાચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા અને અન્ય રીતે ભાજપના ઉમેદવારનો અનેક પ્રકારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વિથોણ નજીક સભા કરવાના છે. ત્યારે તેમના વિરોધમાં બેનર લાગ્યા છે. ‘પક્ષપલ્ટુ પદ્યુમનસિંહ પ્રજાહિત કે સ્વહિત માટે ગયા છે...’ તેવા સવાલો સાથે અનેક મુદ્દે ભાજપ સરકારનો જાગૃત નાગરીકના નામે બેનર લગાવી વિરોધ કરાયો છે. તાજેતરમાં જ કરજણમાં એક સભા દરમિયાન નીતિન પટેલ પર જૂતુ ફેંકાયું હતુ, ત્યારે હવે આજે તેમના વિરોધમાં બેનર લાગ્યા છે. તેમની સભા પહેલા જ બેનર અને પોસ્ટ વાયરલ થઈ છે. તો બીજી તરફ ભાજપમાં આંતરિક અસંતોષ કારણભૂત બની રહ્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્રબિંદુ પાકિસ્તાન તરફ નીકળ્યું
બેનરમાં ભાજપના ઉમેદવારનો ફોટો જ ગાયબ
અબડાસા ચૂંટણીમાં સ્થાનિક ભાજપના નેતાઓના કાવાદાવા બહાર આવ્યા છે. મુરતિયા વગરની જાનનો અહેસાસ થઈ રહ્યો છે. નખત્રાણા સભામાં સ્ટેજ પરના બેનરમાં ઉમેદવારના ફોટાની બાદબાકીથી ખળભળાટ મચી ગયો છે. કચ્છમા યોજાનાર રૂપાલાની બંને સભામાં ઉમેદવારનો ક્યાંય ફોટો જ જોવા ન મળ્યો. સ્ટેજ પર બેકગ્રાઉન્ડ બેનરમાં પ્રદ્યુમ્નસિંહનો ફોટો જ ન હોવાથી ચકચાર મળી ગઈ છે. આમ સ્ટેજ પરની બેઠકમાં ઉમેદવારને પાછલી હરોળમાં ધકેલાયા હોવાની ચર્ચા ઉઠી છે. તો બીજી તરફ, ભાજપમા અંદરના જ લોકોએ આ વિશે કાવાદાવા કર્યા હોવાની ચર્ચા છે.
આ પણ વાંચો : દૂધ અને દૂધની મીઠાઈ અસલી છે કે નકલી તે તમે ઘરે બેસીને ચેક કરી શકો છો
અબડાસામાં ગદ્દારના નામે વોટ્સએપ ગ્રૂપ બન્યા
અબડાસા પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ‘ગદ્દાર હારશે, મતદાર જીતશે’ વોટ્સ એપ ગ્રૂપ શરૂ થયું છે. પ્રદ્યુમ્નસિંહના હાથમાં નોટોના થપ્પા સાથેનું પ્રોફાઈલ સાથેનું ગ્રૂપ શરૂ કરાતા સનસનાટી મચી ગઈ છે. તો બીજુ એક ગ્રૂપ પણ શરૂ થયું છે. ‘ગદ્દાર તારું તો ગોઠવાયું, મતદારો નું શુ?’ ગ્રૂપમાં વધુ પડતા પાટીદારો સભ્ય હોવાથી કચ્છ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. મીડિયા અને આઈબીના કર્મચારીઓ પણ આ ગ્રૂપમાં મેમ્બર છે.