અમને પણ ભારતની નાગરિકતા આપો... 20 વર્ષથી સુરતમાં રહેતા પાકિસ્તાની પરિવારની એક જ માંગ
- સુરતમાં છેલ્લા ૨૦ વર્ષથી પાકિસ્તાનથી આવીને રાંદેરમાં વસેલો આશરા પરિવાર દુઃખી છે
- અહી સ્થાયી થઈને 20 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ પરિવારના 10 સભ્યો આજે પણ પાકિસ્તાનના જ નાગરિક છે
ચેતન પટેલ/સુરત :CAA કાયદાને લઈને થોડા દિવસ અગાઉ જ ગૃહમંત્રાલય દ્વારા ત્રણ દેશના લોકોની ભારતીય નાગરિકતા માટેની અરજી મંગાવાઈ હતી. જો કે ત્યારબાદ ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢના જાહેર કરાયેલા 13 જિલ્લાઓમાં સુરતનો સમાવેશ ન કરાતા સુરતમાં ૨૦ વર્ષથી રહેતો આશરા પરિવાર નિરાશ થયો છે. તેઓએ માંગ કરી છે કે સુરતનો સમાવેશ પણ આ જિલ્લાઓમાં કરવામાં આવે.
13 જિલ્લામાં સુરતનો સમાવેશ નહિ
હાલમાં જ ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા લોકોની ભારતીય નાગરિકતા માટે અરજી મંગાવી હતી. જેમાં ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢના માત્ર 13 જિલ્લાનો જ સમાવેશ કરાયો છે. ગુજરાતમાંથી મોરબી, પાટણ, વડોદરા અને રાજકોટ જિલ્લાઓનો જ સમાવેશ કરાયો છે. જેમાંથી સુરતને બાકાત રખાયો છે. છે. જેને લઈને સુરતમાં છેલ્લા ૨૦ વર્ષથી પાકિસ્તાનથી આવીને રાંદેરમાં વસેલો આશરા પરિવાર દુઃખી છે. તેઓએ સુરતને પણ સમાવવાની માંગ કરી છે.
આ પણ વાંચો : પ્રેમ સંબંધોને કારણે પારિવારિક સંબંધોમાં તિરાડ પડી, ભાણિયાએ કરી મામાની હત્યા
સુરતનો આશરા પરિવાર માંગી રહ્યો નાગરિકતા
રાંદેર ઝોનના રામનગર વિસ્તારમાં રહેતો અશારા પરિવાર વર્ષ ૨૦૦૦માં પાકિસ્તાનથી સુરત આવ્યો હતો. જો કે અહી સ્થાયી થઈને 20 વર્ષ થઈ ગયા હોવા છતાં પણ પરિવારના 10 સભ્યો આજે પણ પાકિસ્તાનના જ નાગરિક છે. ભારતના નાગરિક બનવા માટે તેઓ છેલ્લા 20 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં CAA કાયદો પસાર કરવામાં આવ્યો ત્યારે તેમને આશા હતી કે, હવે તમને સરકારી કચેરીના ધક્કા ખાવા પડશે નહિ. જો કે એ સમયે પણ નાગરિકતા મળી શકી ન હતી.
આ પણ વાંચો : સુરત સહિત ભારતના વેપારીઓને કારણે અમેરિકાને બદલવો પડ્યો પોતાનો નિર્ણય
સરકાર કોઈ જવાબ આપતી નથી
પરિવારના આનંદભાઈએ કહ્યું કે, અનેકવાર ઓનલાઇન અને મેન્યુઅલ દસ્તાવેજો સરકારી કાર્યાલયમાં રજૂ કર્યા છે. પરંતુ અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી. 'કાગળ આવ્યા નથી અથવા ડોક્યુમેન્ટ અંદર પ્રોસેસ છે' આવા જ જવાબો મળ્યા કરે છે. અમારુ પાકિસ્તાનમાં કોઈ નથી અને અમે પાકિસ્તાન જવા માંગતા નથી. છેલ્લા ૨૦ વર્ષથી અહીં રહીએ છીએ. નાગરિકતા ન મળવાને કારણે ઘણીવાર હાલાકી ભોગવવી પડી રહી છે. પરિવારના કિશોરચંદભાઈએ કહ્યું કે, દર બીજા વર્ષમાં વીઝા રિન્યુઅલ કરાવવા જવું પડે છે, જેને લઈને અનેક સમસ્યાઓ થાય છે. કેન્દ્ર સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છે કે, આ કાયદા અંતર્ગત તેઓ અમને નાગરિકતા આપે. નાગરિકતા માટે વર્ષોથી અમે વલખાં મારી રહ્યા છે. સરકાર જો સુરત જિલ્લાનો સમાવેશ કરશે તો અમારી જેમ અનેક લોકોને નાગરિકતાનો લાભ મળી શકશે.