પાલનપુરના પ્રેરણાદાયી ગરબા, નવમા નોરતે ગરબે ઘૂમતા આપ્યો અનોખો સંદેશ
અક્ષતમ વન સોસાયટીના રહીશોએ છેલ્લા 2 વર્ષથી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટેનું બીડું ઉઠાવ્યું છે જેને લઈને સોસાયટીને પ્લાસ્ટિક મુક્ત કરાઈ છે.
અલ્કેશ રાવ, પાલનપુર: નવરાત્રીમાં લોકો અલગ -અલગ પ્રકારના ગરબે ઘૂમીને નવરાત્રી માનવતા હોય છે ત્યારે પાલનપુરની અક્ષતમ વન સોસાયટીના લોકોએ નવરાત્રીના છેલ્લા દિવસે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે પ્રેરણાદાયી ગરબા રમીને લોકોને અનોખો સંદેશ આપ્યો હતો. નવરાત્રીમાં લોકો નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવા માટે અલગ અલગ રીતે વેસ્ટર્ન તેમજ પ્રાચીન ગરબા રમીને માતાજીની આરાધના કરતા હોય છે ત્યારે છેલ્લા 2 વર્ષથી સ્વચ્છતા અભિયાનને અનુસરતી પાલનપુરની અક્ષતમ વન સોસાયટીના રહીશોએ નવરાત્રીના છેલ્લા દિવસે લોકોને સ્વચ્છતા અભિયાન માટે પ્રેરણા મળે તે માટે અનોખી રીતે પ્રેરણાદાયી ગરબે ઘૂમીને લોકોને અનોખો સંદેશ આપ્યો હતો.
જેમાં સોસાયટીના રહીશોએ સમગ્ર સોસાયટીમાં સ્વચ્છતા માટેના બેનરો લગાવ્યા તેમજ સોસાયટીના બાળકો તેમજ યુવતીઓ ભારતમાતા, ગાંધીજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષા ધારણ કરીને ગરબે ઘૂમ્યા તો સાથે સાથે સોસાયટીની મહિલાઓ પુરુષ સહિત બાળકો અને વડીલો પોતાના હાથમાં 'પાણી બચાવો પાણી તમને બચાવશે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા,પ્લાસ્ટિક મુક્ત દેશ,સ્વચ્છતા કો અપનાના હૈ ગંદકી કો દૂર ભગાના હૈ,નમસ્તે કચરો ન ફેંકો રસ્તે, એક કદમ સ્વચ્છતા કી ઓર તેમજ આપણો સંકલ્પ સ્વચ્છ અને તંદુરસ્ત દેશ જેવા વિવિધ બેનરો હાથમાં લઈને ગરબે ઘૂમ્યા હતા.
ભારતમાતાનો વેશ ધારણ કરનાર અને સોસાયટીના રહીશ શિલ્પાબેન જોષીએ જણાવ્યું હતું કે અમે અમારી સોસાયટી સ્વચ્છ રાખીએ છીએ અને લોકો પણ પોતાના શેરી મહોલ્લાને સ્વચ્છ રાખે તે માટે આજે અમે સ્વચ્છતાને લઈને જાગૃતિ આવે તે માટે અનોખા ગરબા રમ્યા છીએ. સ્થાનિક રહેશ દિલીપભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે ગાંધીજી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થાય અને લોકોમાં સ્વચ્છતા પ્રતેય જાગૃતિ આવે તે માટે આજે અહીં ગાંધીજી ,ભારતમાતા અને નરેન્દ્ર મોદીની વેશભૂષા ધારણ કરીને લોકો ગરબે ઘૂમ્યા છે.
અક્ષતમ વન સોસાયટીના રહીશોએ છેલ્લા 2 વર્ષથી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટેનું બીડું ઉઠાવ્યું છે જેને લઈને સોસાયટીને પ્લાસ્ટિક મુક્ત કરાઈ છે. કોઈ પણ વ્યક્તિ સોસાયટીમાં કચરો નાખતું નથી તેમજ પાણી ઢોળીને ગંદકી કરતું નથી. બધા જ લોકો સોસાયટીને ક્લીન અને સાફ સુથરી રાખે છે ત્યારે પાલનપુરની અન્ય સોસાયટીના લોકો પણ સ્વચ્છતાને અનુસરે અને દેશને પ્લાસ્ટિક મુક્ત તેમજ સ્વચ્છ રાખે તે માટે અક્ષતમ વનના રહીશો સ્વચ્છતાનું કેમ્પઈન અનેકવાર કરે છે. ત્યારે આજે નવરાત્રીના છેલ્લા નોરતે લોકોને પ્રેરણા મળે તે માટે આ સોસાયટીના રહીશોએ લોકોને અનોખી રીતે ગરબા રમીને લોકોને જાગૃત કરી રહ્યા છે.
ગાંધીજીના સપનાને પૂરું કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત ભારતનું બીડું ઉઠાવ્યું છે અને લોકોને તેમાં જનભાગીદાર થવા માટેનું આહવાન કર્યું છે ત્યારે નવરાત્રીના પાવન પર્વમાં અક્ષતમ વન સોસાયટીના રહીશોએ લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રેરણાદાયી નવરાત્રી માનવીને લોકોને અનોખો સંદેશ આપ્યો છે.