દૈવી શક્તિ સાથે જોડાયેલી છે આદિવાસીઓની આ પરંપરા, ચુલના મેળામાં બાધા પૂરી કરવા આવે છે લોકો
- પંચમહાલમાં હોળીએ ઉજવાતા ચુલના મેળાની અનોખી પરંપરા, લોકો તેને દૈવી શક્તિ સાથે જોડે છે
- ખાડો ખોદીને તેમાં સળગતા અંગારા પર ચાલીને બાધા પૂરી કરે છે આદિવાસી સમાજ
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :પંચમહાલ જિલ્લામાં ધુળેટીના દિવસથી પરંપરાગત ભાતીગળ ચુલના મેળાનો પ્રારંભ થઇ ગયો છે. સતત બે વર્ષ કોરોનાને લઈ મોકૂફ રહેલો આ મેળો આખરે આ વર્ષે યોજાતા સ્થાનિક આદિવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે આ મેળાઓ પૈકી મહત્તમ મેળા સાથે આજુબાજુના રહીશોની શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલો હોય છે.
ચુલના મેળાની એક પ્રથા દૈવી શક્તિ સાથે જોડાયેલી
મોરવા હડફના ખાબડા ગામમાં વર્ષોથી ચુલનો મેળો યોજાય છે. જેમાં આજુબાજુના 15 ગામોમાંથી મોટી સંખ્યામાં સૌ મેળો માણવા આવે છે. મેળાની વિશેષતા એ છે કે અહીં હોળી પર્વ પૂર્વે હોળિકા દહન સ્થળે દાંડ રોપવામાં આવે છે. આ સ્થળે એક વડનું વૃક્ષ આવેલું છે, જેના ઉપર ભમરા દ્વારા આગમન કરી મધપૂડો બનાવવામાં આવે છે અને હોળી દહન બાદ આ ભમરા પરત જતાં રહે છે. જેને અહીંના રહીશો એક દૈવી શક્તિનું આગમન માને છે. આ ભમરા હોળી દહનની ગરમી દરમિયાન પણ મધપૂડામાં જ બેસી રહે છે અને કોઈને નુકશાન કરતા નથી. સામાન્ય રીતે ભમરા કે મધમાખીને ભગાડવા માટે આગ પ્રગટાવી ધુમાડો કરવામાં આવે છે. જેની અહીં કોઈ અસર થતી નથી.
અમદાવાદી પરિવારે ઘૂળેટીના દિવસે દીકરો ગુમાવ્યો, પણ એક નિર્ણયથી બચી ગઈ 6 લોકોની જિંદગી
ચુલમાં પગ મૂકીને પરિક્રમા કરવાની પ્રથા
આ ઉપરાંત અહીં એક ખાડો (ચુલ) જમીન ઉપર ખોદવામાં આવે છે. જેમાં આસ્થાળુઓ પગ મૂકી પરિક્રમા કરે છે. આસ્થાળુઓ ચર્મ રોગ કે અન્ય તકલીફ માટે અહીંની પરિક્રમા કરી દર્શનની માનતા લેતા હોય છે, જે પરિપૂર્ણ થતાં જ ધુળેટીના દિવસે અહીં આવી માનતા પુરી કરે છે. અહીં એક ઠંડી ચુલ અને એક ગરમ ચુલની એમ બે માનતા આસ્થાળુઓ લેતા હોય છે અને જે મુજબ પૂર્ણ કરે છે. ઠંડી ચુલમાં શ્રીફળ અગરબત્તી લઈ પરિક્રમા કરવાની હોય છે. જ્યારે બપોર બાદ ગરમ ચુલ જેમાં સળગતા કોલસા મૂકી શ્રીફળના છોતરા સળગાવવામાં આવે છે. ત્યારબાદ આસ્થાળુઓ જેના ઉપર પગ મૂકી પરિક્રમા કરે છે. આ પરિક્રમામાં નાના બાળકો, મહિલાઓ, યુવકો સહિત જોડાતા હોય છે. પરંતુ આજ સુધી કોઈ જ આસ્થાળુઓની મનોકામના પૂર્ણ ન થઈ હોય એવું બન્યું નથી અને કોઈ દાઝયું પણ નથી તેવુ ખાબડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિન પટેલે જણાવ્યું.
ગુજરાત કોંગ્રેસ ફરી તૂટશે? રાજસ્થાનના MLA સંયમ લોઢાએ પાર્ટીને કહ્યું-દાલ મેં કુછ કાલા હૈ
ઉલ્લેખનીય છે કે, દાહોજના આદિવાસીઓની હોળી લગભગ એક મહિના સુધી ઉજવાતી હોય છે. પુનમથી ડાંડા રોપણીથી શરૂ થઈને ફાગણી પૂનમ સુધી આદિવાસીઓ હોળી ઉજવે છે. અહીં ચુલના મેળાનું પણ આગવુ આકર્ષણ હોય છે. આ મેળામાં લોકો આવીને પરંપરા મુજબ પોતાની બાધા પૂર્ણ કરતા હોય છે. અહીં હોળીની જેમ અગ્નિ પ્રગટાવીને તેના પર ચાલવામાં આવે છે, જે આદિવાસી લોકોને રોગમુક્ત રાખે છે તેવી માન્યતા છે. આ પાછળ દૈવી શક્તિ હોવાનું તેઓ માને છે. હોળી બાદ જ આદિવાસીઓ શુભ કાર્યોની શરૂઆત કરતા હોય છે. આથી આ મેળો તેમના માટે બહુ જ મહત્વનો હોય છે.