મતદાનમાં મોંઘવારી ઝળકી, પરેશ ધાનાણી, આપના ઉમેદવાર સાયકલ પર ગેસ સિલિન્ડર બાંધીને પહોંચતા વાયરલ થયા
Gujarat Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો સળગતો મુદ્દો રહ્યો હતો, ત્યારે મતદાન દિવસે પણ આ મુદ્દો ચર્ચામાં રહ્યો
Gujarat Elections 2022 : ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી હંમેશાથી કંઈક અવનવુ કરતા રહે છે. જેને કારણે તેઓ લોકોના દિલ જીતી લે છે અને સતત લોકોમાં ચર્ચાના કેન્દ્રમાં રહે છે. ગુજરાતમાં પ્રથમ ચરણની ચૂંટણીનું આજે મતદાન છે. જેમાં સૌરાષ્ટ્રમાં પણ મતદાન થઈ રહ્યું છે. લોકશાહી મહાપર્વ ચૂંટણીની સવારનું મતદાન શરુ થઈ ચૂક્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીની મતદાન બૂથ પર અનોખી એન્ટ્રીથી તેઓ વાયરલ થયા હતા. મોંઘવારીનો મુદ્દો આજે મતદાનના દિવસે પણ જોવા મળ્યો
પરેશ ધાનાણી ગેસનો બોટલ લઈને નીકળ્યા
ધાનાણી સાયકલ પાછળ ગેસ સિલિન્ડર બાંધી વોટિંગ કરવા પહોંચ્યા હતા, જેનાથી રસ્તા પર સૌનુ ધ્યાન ખેંચાયુ હતું. સાથે જ તેમણે ગેસના બોટલ પર લખાણ લખ્યુ હતું કે, 2014 માં ગેસના બોટલના ભાવ 430 રૂપિયા હતા અને હવે 1120 રૂપિયા છે. ગેસના સિલિન્ડર સાથે તેઓએ મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો હતો.
આપના ઉમેદવારનો પણ વિરોધ
પરેશ ધાનાણીની જેમ આમ આદમી પાર્ટીના ઉમેદવારે પણ ગેસના સિલિન્ડર સાથે મતદાન મથકે જોવા મળ્યા હતા. તેઓ સાઈકલ પર ગેસનો બોટલ લઈને નીકળ્યા હતા. જેમાં તેઓએ મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો હતો. રાજકોટ પશ્ચિમ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ જોશી મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ સાયકલ પર ગેસ સિલિન્ડર અને તેલનો ડબ્બો બાંધી મતદાન કરવા પહોંચ્યા હતા. આ કારણે આપના ઉમેદવાર ચર્ચામાં આવ્યા છે.
ગોપાલ ઈટાલિયાએ મતદાન કર્યું
આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પોતાના માદરે વતન ટીંબી ગામે મતદાન કરવા પહોંચ્યા હતા. ગઢડા વિધાનસભાના ઉમરાળા તાલુકાનું ટીંબી ગામ તેમનુ મૂળ વતન છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ શિવજીની પૂજા કરી હતી. જેના બાદ તેમના સમર્થકો સાથે મતદાન મથક પર પહોંચ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ વોટ આપીને કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઇટાલિયા કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ 27 વર્ષથી પાર્ટી નિષ્ફળ રહી છે. ભાજપ ભ્રષ્ટ પાર્ટી છે. જો આપ પાર્ટીની જીત થશે તો પ્રથમ પ્રાયોરિટીમાં શિક્ષણ-વીજળી એક માર્ચથી ગુજરાતના તમામ લોકોને ફ્રી વીજળી આપવામાં આવશે.