ભરૂચ: સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગે ગ્રામજનોએ ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો, જાણો સમગ્ર મામલો
ભરૂચના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે અજાણ્યા વાહનની અડફેટે ગામના જ એક નવયુવાનનું મોત નિપજતા ગ્રામજનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર યુવકનો મૃતદેહ રોડ ઉપર જ મૂકી ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો.
ભરત ચુડાસમા, ભરૂચ: ભરૂચના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે અજાણ્યા વાહનની અડફેટે ગામના જ એક નવયુવાનનું મોત નિપજતા ગ્રામજનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર યુવકનો મૃતદેહ રોડ ઉપર જ મૂકી ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. ઝઘડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગામના મુખ્ય માર્ગ ઉપર આવી અને ગ્રામજનોને સમજાવવા કામે લાગ્યો હતો. જીદે ચડેલા ગ્રામજનોની માંગણી ફક્ત મુખ્ય માર્ગ ઉપર સ્પીડ બ્રેકર ફરી આપવાની હતી. જેની ગ્રામજનો દ્વારા ઝઘડિયા પોલીસ પોલીસ ઇન્સ્પેકટર પાસે લેખિતમાં બાહેધરી લેવામાં આવી કે જો રવિવાર સાંજ સુધીમાં સ્પીડબ્રેકર નહીં મુકાય તો પોલીસ ઇસ્પેક્ટર રાજીનામું આપશે.
ભરૂચ થી કેવડીયા જતા મુખ્ય માર્ગનું વિસ્તરણ કાર્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે ચાલુ છે. જે દરમ્યાન ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીક આવેલા સ્પીડ બ્રેકર તંત્ર દ્વારા કાઢી નાખવામાં આવ્યા હતા. જે બાદ સમયાંતરે થયેલા અકસ્માતોમાં ગામના બે થી ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ગતરોજ મોડી રાત્રે વધુ એક યુવાનનું અજાણ્યા વાહનની અડફેટે મોત થતા ગોવાલી ગામના સ્થાનિકો રોષે ભરાયા હતા. યુવાનનો મૃતદેહ પણ રોડ ઉપર મૂકી દીધો અને રસ્તાઓ પર આવી જઈ ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો.
ઘટનાની જાણ થતા ઝઘડિયા પોલીસ મથકનો સમગ્ર પોલીસ કાફલો અંકલેશ્વર પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. ગ્રામજનોએ મુખ્ય માર્ગો પર ટાયરો સળગાવી અને ચક્કાજામ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી જઇ ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સ્થાનિકોની એક જ માંગણી હતી કે મૃતક યુવાનને ન્યાય મળે. અજાણ્યા વાહનની તપાસ હાથ ધરી અને તેને ઝડપી પાડવામાં આવે.
જ્યાં પણ રોડ પર સ્પીડ બ્રેકર હતા તે બધા ફરી મૂકવામાં આવે જેની રજૂઆત પોલીસ અધિકારીઓ દ્વારા પી.ડબલ્યુ.ડી વિભાગને કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. જેથી ગ્રામજનોનો રોષ શાંત પડે અને મૃતદેહને તેઓ પોતાના ઘરે લઈ જાય અને અંતિમ ક્રિયા કરે જો આમ ન થાય તો પોલીસ અધિકારી પોતાનું રાજીનામું આપશે તેવી લેખિતમાં બાહેધરી આપી અને લોકોનો રોષ શાંત પાડવામાં ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ એ મહત્વનો ભાગ ભજવ્યો હતો.