ધોરણ-12માં ફેલ થયા હતા ઓલપાડના પીઆઈ બીકે ખાચર, માર્કશીટ શેર કરી નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું
હમણાં થોડા દિવસો પહેલા જ ધોરણ-૧૦ અને ૧૨ નું પરિણામ જાહેર થયું છે, જેમાં સારા માર્કે પાસ થયેલા વિદ્યાર્થીઓને તો લોકો દ્વારા સારું પોત્સાહન મળ્યું જ હશે પરંતુ જે વિદ્યાર્થીઓના માર્ક ઓછા તેમજ નાપાસ થયાં હશે તેવા વિદ્યાર્થીઓની હાલત શુ હશે?
સુરતઃ સુરતના ઓલપાડ પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ બી.કે ખાચરે પોતાની ધોરણ-૧૨ ની માર્કશીટ સોશિયલ મીડિયામાં જાહેર કરી છે. તેઓ પોતે ધોરણ-૧૨ ની પરીક્ષામાં નાપાસ થયાં હતા. ત્યારે પી.આઈ બી.કે ખાચરે પોતાની માર્કશીટ સોશિયલ મીડિયામાં જાહેર કરીને પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું છે.
હમણાં થોડા દિવસો પહેલા જ ધોરણ-૧૦ અને ૧૨ નું પરિણામ જાહેર થયું છે, જેમાં સારા માર્કે પાસ થયેલા વિદ્યાર્થીઓને તો લોકો દ્વારા સારું પોત્સાહન મળ્યું જ હશે પરંતુ જે વિદ્યાર્થીઓના માર્ક ઓછા તેમજ નાપાસ થયાં હશે તેવા વિદ્યાર્થીઓની હાલત શુ હશે? આ જ મુંજવણને દૂર કરવા માટે સુરત જિલ્લાના ઓલપાડ પોલિસ મથકમાં પોલીસ ઇસ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બી.કે ખાચરે પોતાનો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ઓલપાડ પોલીસ મથકના પી.આઈ બી.કે ખાચરે વર્ષ ૨૦૦૨માં ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી. તેઓ પણ ધોરણ ૧૨ની પરીક્ષામાં નાપાસ થયાં હતા. પરીક્ષામાં નાપાસ થયાં બાદ પણ બી.કે ખાચર હિંમત હાર્યા નહોતા, કારણકે તેમણે જીવનમાં સફળ થવું હતું. આ જ મનસા રાખી બી.કે ખાચર જીવનના પડાવો પાર કરતાં રહ્યા અને આખરે તેમણે જીત હાંસલ કરી લીધી હતી. આજે પોતાના આ જ અનુભવો જણાવતા ઓલપાડ પોલીસ મથકના પી.આઈ બી.કે ખાચર કહે છે કે "કોશિષ કરને વાલો કી કભી હાર નહીં હોતી"
વર્ષ ૨૦૦૨માં ધોરણ- ૧૨ની પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી આજે ગુજરાત પોલીસમાં ઉચ્ચ અધિકારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. પી.આઈ બી.કે ખાચરે પોતાના ફેસબુક આઈડી ઉપર પોતાની ધોરણ-૧૨ની નાપાસની માર્કશીટ જાહેર કરી વિદ્યાર્થીઓનું મનોબળ વધારી રહ્યા છે. પી.આઈ બી.કે ખાચરનો સોશિયલ મીડિયામાં પોતાની માર્કશીટ જાહેર કરવાનો હેતુ એ જ છે કે પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ હતાશ થવાની જરૂર નથી. આ તેમનું આખરી પરિણામ નથી. તમે ધારો તો કઈ પણ કરી શકો. ધોરણ-૧૦ અને ૧૨માં નાપાસ થયેલો વ્યક્તિ પણ જીવનમાં સફળ થઈ શકે છે. ત્યારે માતા-પિતાએ પણ આવા વિદ્યાર્થીઓને ઠપકો આપવાને બદલે હિંમત અને પોત્સાહન આપવું જોઈએ. જેથી વિદ્યાર્થીઓ કોઈ ખરાબ પગલું પણ ન ભરે.
આ પણ વાંચો- ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય, હવે આ કોર્ષમાં વિદ્યાર્થીઓ મેળવી શકશે ઓનલાઇન ડિગ્રી
ઓલપાડ પોલીસ મથકના પી.આઈ બી.કે ખાચરે સોશિયલ મીડિયામાં જાહેર કરેલી પોતાની માર્કશીટ વિદ્યાર્થીઓને પોત્સાહન પૂરું પાડી રહી છે. પી.આઈ બી.કે ખાચરનો વિદ્યાર્થીઓને એક જ મેસજ છે કે હિંમત ન હારવી. તમે કોશિશ કરતાં રહો જીવનમાં એક દિવસ ચોક્કસ સફળતા મળશે. બી.કે ખાચરે પોતાના ફેસબુક ઉપર તેમની આ માર્કશીટ મૂકીને ૨૦ વર્ષ પહેલાંની યાદો તાજી કરી હતી. ત્યારે આ જ યાદો કેટલાક વિદ્યાર્થીઓ માટે ઉદાહરણરૂપ પણ સાબિત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube