વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન યોજનાનો શુભારંભ, મળશે આટલું પેન્શન
વૃધ્ધાશ્રમોના તમામ વરિષ્ઠ નાગરિકો કે જેમને આવકનું કોઈ સાધન નથી તથા પૈસાના ભાવે લાચારી અનુભવે છે અને વૃધ્ધાશ્રમની ફી ભરવામાં પણ મુશ્કેલી અનુભવે છે તેમને દર મહિને રૂ. 500/-પેન્શન આપવામાં આવશે.
અમદાવાદ : પીર પરાઈ ફાઉન્ડેશનના ઉપક્રમે વૃધ્ધાશ્રમમાં નિવાસ કરતા વરિષ્ઠ નાગરિકોને પેન્શનની યોજનાનો શનિવાર તા. 14 જુલાઈના રોજ પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રના નાણાં રાજ્ય પ્રધાન શિવ પ્રતાપ શુક્લ અને સેવા ભારતી રાષ્ટ્રીય સંગઠનના મંત્રી રાકેશ જૈન મુખ્ય અતિથી તરીકે હાજર રહ્યા હતા. પીર પરાઈ ફાઉન્ડેશનના અધ્યક્ષ શરદ અગ્રવાલે જણાવ્યું હતું કે કેન્દ્રના નાણાં રાજ્ય પ્રધાન શિવ પ્રતાપ શુક્લના હસ્તે રથયાત્રા પ્રસંગે અમદાવાદ શહેર સાથે જોડાયેલા વૃધ્ધાશ્રમોના તમામ વરિષ્ઠ નાગરિકો કે જેમને આવકનું કોઈ સાધન નથી તથા પૈસાના ભાવે લાચારી અનુભવે છે અને વૃધ્ધાશ્રમની ફી ભરવામાં પણ મુશ્કેલી અનુભવે છે તેમને દર મહિને રૂ. 500/-પેન્શન આપવામાં આવશે. દર 3 મહિને 1500 રૂપિયાનો ચેક તેમના ખાતામાં જમા કરવામાં આવશે.
પીર પરાઈ ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષોમાં શાંતિ નિકેતન અડાલજ ,ભારતી આશ્રમ સરખેજ ,સ્વર્ણ મંદિર બોપલ આશ્રમ ,વારલ્ય ( રેડ ક્રોસ સોસાયટી )નવા વાડજ, વૃદ્ધ આશ્રમ ઘર ઇન્કમટેક્સ ચાર રસ્તા ,હીરા-મણી વૈષ્ણોદેવી સર્કલ ,નિરમા યુનીવર્સીટીની સામે ,અવ્વલ ફાઉન્ડેશન ઘાટલોડિયા , જીવનધારા વૃદ્ધ આશ્રમ લાંભા વગેરે વૃદ્ધ આશ્રમોમાં રહેતા વૃદ્ધજનોની સેવાના કાર્યો સાથે સંકળાયેલી છે. પીર પરાઈની આગામી યોજના વૃદ્ધજનોને તેમની ક્ષમતા અને યોગ્યતા અનુસાર વૃદ્ધ આશ્રમોમાં નાના –મોટા કાર્યો સાથે જોડીને તેમને સ્વાવલંબી બનાવી આર્થિક રૂપથી મજબુત બનાવવા તથા ધીરે ધીરે દરેક જીલ્લાના વૃદ્ધ આશ્રમોમાં સેવાના કાર્યોને આગળ વધારવાના પ્રયાસ કરી રહી છે.
પીર પરાઈ ફાઉન્ડેશનની સમગ્ર ટીમ આ યોજનાને સફળ બનાવવામાં લાગી ગઈ છે. પીર પરાઈ ફાઉન્ડેશનના મંત્રી પ્રમોદ ગુપ્તા, વી.કે. ગર્ગ, રયેશ જૈન, દેવેન્દ્ર પટેલ, અશોક રાઠૌર ,એચ.કે. અગ્રવાલ, પ્રેમ બંસલ, પ્રવિણ અગ્રવાલ ,વિનીત અગ્રવાલ, સુનીલ ભણસાલી તથા કૌશીક શાહ અને સુશીલ બંસલે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનુરોધ કર્યો છે. પીર પરાઈ ફાઉન્ડેશન, અમદાવાદમાં છેલ્લા ત્રણ વર્ષોથી શહેર અને શહેરથી જોડાયેલા ક્ષેત્રોના વૃદ્ધ આશ્રમોમાં રહેતા વૃદ્ધજનોની સેવામાં કાર્યરત છે.