Pirotan Tapu: રંગબેરંગી દરિયાઈ જીવોને જોવા છે? તો ગુજરાતના આ સ્થળે ચોક્કસ પહોંચી જજો
ગુજરાતમાં ફરવા માટેની અનેક જગ્યાઓ આવેલી છે. રાજ્યમાં અનેક ઐતિહાસિક સ્થળો, ધાર્મિક સ્થળો તો આવેલા છે, સાથે દરિયાકાંઠો પણ આવેલો છે. ગુજરાતમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત લેતા હોય છે. જો તમને પણ દરિયાઈ જીવસૃષ્ટિ જોવાની ઈચ્છા હોય તો તમે પિરોટન ટાપુની મુલાકાત લઈ શકો છો.
જામનગરઃ ગુજરાતને કોઈ મોટી કુદરતી ભેટ મળી હોય તો તે રાજ્યનો દરિયા કિનારો છે. ગુજરાતમાં 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો છે. દરિયા કિનારાને કારણે ગુજરાતમાં પ્રવાસન સ્થળોજનો પણ ખુબ વિકાસ થયો છે. લોકો ફરવા માટે દરિયા કિનારે જતા હોય છે. આવી એક સુંદર જગ્યા ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલી છે. જો તમને દરિયાઈ જીવો સાથે સમય પસાર કરવો ગમતો હોય અને જળચર જીવો વિશે જાણવું હોય તો તમારે એકવાર જરૂર પિરોટન ટાપુની મુલાકાત લેવી જોઈએ.
દરિયાઈ જીવસૃષ્ટિ
તમે ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારામાં સ્કૂબા ડાઇવિંગ દ્વારા દરિયાઈ જીવસૃષ્ટિને નિહાળી હશે, પરંતુ જો તમારે વાસ્તવિક જિંદગીમાં દરિયાઈ જીવોનો નજીકથી દર્શન કરવા હોય અને એક અલગ વિશ્વ જોવું હોય તો તમારે દૂર જવાની જરૂર નથી. ગુજરાતમાં એક સુંદર જગ્યા આવેલી છે. જ્યાં તમે ખુબ દરિયાઈ જીવો સાથે મિત્રતા કરી શકશો. આ જગ્યા એટલે જામનગર નજીક આવેલ પિરોટન ટાપુ.
આ પણ વાંચોઃ રાજકોટમાં આવેલો છે ભૂતિયો મહેલ, સાંજ પડતા આવવા લાગે છે રહસ્યમયી અવાજો
પિરોટન ટાપુ
પિરોટન ટાપુનું નામ પુરાતન શબ્દ પરથી અપભ્રંશ થઈને પડ્યું છે. એક અન્ય મત પ્રમાણે અહીં એક પીરની દરગાહ આવેલી છે, જેના પરથી આ ટાપુનું નામ પિરોટન ટાપુ પડ્યું હોવાનું કહેવાય છે. જામનગર નજીક મરીન નેશનલ પાર્કમાં આવેલ પિરોટન ટાપુમાં અદ્ભુત દરિયાઈ જીવોના સામ્રાજ્ય અને મેન્ગ્રોવના જંગલો તથા દીવાડાંડી જોવા લાયલ છે. અહીં તમે કરચલાની વિવિધ જાતો, દરિયાઈ વીંછી, દરિયાઈ સાપ, દરિયાઈ અળસિયા, ખૂંધવાળી ભારતીય ડોલ્ફિન, જીંગા, ઓક્ટોપસ જોવા મળશે.
કેવી રીતે પહોંચશો
જો તમારે પિરોટન ટાપુ જવું હોય તો સૌથી પહેલા તમારે જામનગર પહોંચવું પડશે. જામનગરથી બેડીબંદરથી અંદાજે 22 નોટિકલ માઇકના અંતરે પિરોટન ટાપુ આવેલો છે. અહીં જવા માટે સિક્કા, રોઝીબંદર, નવાબંદર, બેડીબંદરથી યાત્રિક બોટ ભાડે લેવી પડે છે. અહીં જવા માટે જળમાર્ગ વધુ સુગમ રહે છે. જો દરિયામાં ભરતી હોય તો તમે બોટની મજા પણ માણી શકો છો.
આ પણ વાંચોઃ ખોડલ માતાજીના મંદિરના કૂવાનું પાણી છે ચમત્કારિક, દૂર થાય છે પેટના રોગો
આ વસ્તુ જોવા મળશે
પિરોટન ટાપુ દરિયાઈ અજાયબીઓથી ભરપૂર છે. અહીં તમને ક્રિકની બંને તરફ ચેરના જંગલો જોવા મળશે. આ સિવાય જાતજાતની દરિયાઈ શેવાળ, 80થી વધુ જાતની દરિયાઈ વાદળીઓ, દરિયાઈ પરવાળાઓ, 27 જાતના જીંગા, 200થી વધુ જાતના મૃદુકાય પ્રાણીઓ, અનેક પ્રકારની માછલીઓ, દરિયાઈ કાચબા, દરિયાઈ સાપ, આ સિવાય અન્ય દરિયાઈ જીવો તમને જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube