નવસારી: સમગ્ર ગુજરાતમાં પાર્લામેન્ટ્રી બોર્ડ માટે નવસારી વિધાનસભાના મુરતિયાની પસંદગી ભારતીય જનતાપાર્ટી માટે માથાના દુખાવા સમાન બની હતી. આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવા છતાં ઉમેદવારની પસંદગીની જાહેરાત બાબતે ખુબ જ મનોમંથન થયું હતું. જાહેરાત ખુબ મોડી કરાતા અનેક તર્ક-વિતર્કો ઉભા થયા હતા.જો કે આખરે ગતટર્મમાં ધારાસભ્ય તરીકે રહી ચુકેલા પીયુષભાઈ દેસાઈ પર જ હાઇકમાન્ડ દ્વારા પસંદગીની મહોર મારી હતી. જેનાં પગલે સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી હતી. નામની જાહેરાત થતાની સાથે જ સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજાણી ચાલુ કરી દીધી હતી.


ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ ઠેર-ઠેર વાગવા લાગ્યા છે ત્યારે ગુજરાતના સત્તાધારી પક્ષ સહીત તમામ પક્ષો હરકતમાં આવી ગયા છે  અને પોત -પોતાના ઉમેદવારોની પસંદગી કરીને રાજકીય સોગઠાં ગોઠવી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ માટે માથાંના દુખાવા સમાન નવસારીની બેઠક પર છેલ્લે ગત મોડી રાત સુધી ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરી શકી નહોતી. ખુબ મોડી રાત સુધી રાજકીય ડ્રામા ચાલ્યા બાદ અંતે બહુ મોડી રાતે નવસારી  ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા પિયુષ દેસાઈ પર મહોર લાગી હતી.