PM મોદીનો હુંકાર, આ વખતે હું મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું, નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ
PM Modi In Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વલસાડથી ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ... કપરાડાના નાના પોન્ઢા ખાતે પીએમ મોદીએ જાહેર સભા સંબોધી...
અમદાવાદ :વિધાનસભા ચૂંટણી જાહેર થતાં જ ભાજપ ફુલ એક્શન મોડમાં આવી ગયુ છે. હવે ખુદ પ્રધાનમંત્રી મોદીએ પ્રચારની કમાન સંભાળી છે. આજે તેઓ ગુજરાતમાં બે ચૂંટણી સભા સંબોધશે. ત્યારે વલસાડમાં ભવ્ય રોડ શો બાદ તેમણે જનસભાને સંબોધન કર્યું. PMનો વલસાડ પ્રવાસ દક્ષિણ ગુજરાત માટે મહત્વનો ગણાય છે. ભાજપના ગઢ દક્ષિણ ગુજરાતની અહીં 35 વિધાનસભા બેઠકને આ જનસભા દ્વારા ટાર્ગેટ કરવાનો પીએમ મોદીનો પ્લાન છે.
વલસાડમાં જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે, એ ફોર આદિવાસી, મારા માટે આ સૌભાગ્યની પળ છે. મારી ચૂંટણીની પહેલી સભા આદિવાસી ભાઈ-બહેનોના આર્શીવાદ લઈને થઈ રહી છે. દિલ્હીમાં પણ હવે વાવડ આવે કે, ગુજરાતના લોકોએ ફરી એકવાર ભાજપની સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે. જૂના બધા રેકોર્ડ તૂટશે. આ વખતે હું મારા જ રેકોર્ડ તોડવા માંગુ છું. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ જોરદાર હોવા જોઈએ. રાજકારણમાં વર્ષોથી એક પેઢી ચાલ્યા કરે છે. ભાજપ સતત નવા લોકોને આગળ કરી રહી છે. આ વખતે પણ ગુજરાતમાં જનતા ભાજપને વિજય વાવટો લઈને નીકળી પડી છે. આ ચૂંટણી ભાજપ નહિ લડે, આ ચૂંટણી ન ભૂપેન્દ્ર લડે છે, ન નરેન્દ્ર લડે છે. આ ચૂંટણી તો ગુજરાતના લોકો લડે છે.
આ પણ વાંચો : Ranbir Alia Baby Girl: કપૂર પરિવારમાં ગૂંજી કિલકારીઓ, આલિયા ભટ્ટે આપ્યો દીકરીને જન્મ
તેમણે કહ્યું કે, ગુજરાતે વિકાસના દરેક માપદંડમાં પોતાની ભૂમિકા અને સ્થાન ઉભુ કર્યું છે. અસ્થિરતામાંથી ઉભા થયેલા આપણે લોકો છીએ. વાર તહેવારે હુલ્લડ થાય, ભૂકંપમાઁથી આપણે ઉભા થયા છીએ, આ બધા પડકારોને ઝીલ્યા અને બધામાંથી રસ્તો કાઢીને આપણે ગુજરાતીઓએ ભેગા થઈને ગુજરાતને આગળ પહોંચાડ્યુ છે. ગુજરાતીઓ દુનિયામાં પોતાનું નામ રોશન કરી રહ્યાં છે. ગુજરાતના ઉદ્યમીઓ ચારેતરફ ફેલાયેલા છે. અંદરથી અવાજ નીકળે છે કે, આ ગુજરાત મેં બનાવ્યું છે. દરેક ગુજરાતીએ લોહી પરસેવો એક કરી ગુજરાત બનાવ્યું છે.
પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે, એક સમયે અમારી આખી ટીમ ભિક્ષા માંગતી કે, તમારી દીકરીને ભણાવવાનું અમને વચન આપો. અમે આદિવાસી વિસ્તારમાં દીકરીઓને ભણાવવાનું બીડુ ઉપાડ્યું. આજે ગુજરાતની દીકરીઓ નામ રોશન કરી રહી છે. આજે આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલ અને મેડિકલ કોલેજો બની છે. આજે પરિવર્તન આવ્યુ છે. આજે આદિવાસી વિસ્તારોમાં પાણી પહોંચાડાયું છે. ગુજરાતમાં વિશાળ સમુદ્રતટ છે, પરંતુ ગામડાઓ ખાલી થઈ રહ્યાં છે. માછીમારો માટે વ્યવસ્થા ઉભી કરી. હવે આપણે બંદરોનો વિકાસ કર્યો.
સંબોધનના અંતે તેમણે કહ્યું કે, ગુજરાતમાં નફરતા ફેલાવનારા લોકોને ગુજરાત ક્યારેય પસંદ કરતુ નથી. વર્ષોથી ગુજરાત વિરુદ્ધ કામ કરતી ટોળકીને હવે ગુજરાત પારખી ગઈ છે. ગુજરાતના બે બે દાયકા થયા, ગુજરાતીઓ આવા લોકોના વાતમાં ક્યારેય આવતા નથી. તેથી તેમને તકલીફ થઈ રહી છે. ગુજરાતની જનતાને ફરક પડ્યો નથી. આ મારા ગુજરાતના નાગરિકોએ ગુજરાત બનાવ્યું છે.
પીએમ મોદી સભા બાદ જૂના મિત્રોને મળ્યા
આ જાહેર સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. જાહેર સભા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન જ્યારે rss ના કાર્યકર્તા હતા અને ધરમપુર તાલુકા ખાતે રહેતા તે સમયના તેમના સાથીમિત્રો અને શિષ્યોને યાદ કર્યા હતા. સભા પૂર્ણ થયા બાદ 15 જેટલા લોકોને મળી તેમના સાથે વાત કરી હતી. તેઓ તેમના શિષ્ય રાહુલ ઉર્ફે ડોલરને મળ્યા હતા. સભા સંબોધતા સમયે તેમના જુના મિત્ર રમતુંભાઈ પાડવીને પણ યાદ કર્યા હતા અને સભા પૂર્ણ થયા બાદ તેમના સાથે પણ મુલાકાત કરી હતી. આટલા સમય બાદ પણ વડાપ્રધાનને તમામ લોકો યાદ હોવાની વાતને લઈને તમામ સાથી મિત્રોએ ખુશી વ્યક્ત કરી હતી.
વલસાડ બાદ ભાવનગર જશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભાવનગરના પ્રવાસે પણ જશે. તેઓ ભાવનગરમાં પ્રધાનમંત્રી મોદી સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપશે. ભાવનગરમાં પણ રોડ શો કરીને સમુહ લગ્નમાં પહોંચશે. જ્યાં 552 દીકરીઓના PM મોદીની હાજરીમાં લગ્ન ખશે. પાપાની પરીના નામે ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાશે. મહત્વનું છે કે ભાવનગરના હીરા ઉદ્યોગપતિ લખાણી પરિવાર દ્વારા આ વિશેષ આયોજન કરાયુ છે. જેમાં જવાહર મેદાન ખાતે માતાપિતા ગુમાવનાર, તેમજ સમસ્ત હિન્દુ સમાજની 522, ઉપરાંત મુસ્લિમ સમાજની 27 અને ખ્રિસ્તી સમાજની 3 સહિત 552 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે. ત્યારે આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના હોદેદારો પણ હાજર રહેશે.