દિવાળી પહેલા PM મોદીએ ગુજરાતીઓને આપી ભેટ, કહ્યું; તમામ માટે આ સોનાની લગડી છે...`
PMJAY-MA Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, `સર્વે સંતુ નિરામયા`, બધા જ લોકો રોગમુક્ત રહે. રાજ્ય સરકાર અને ભારત સરકાર સાથે મળીને મોટામાંમોટું સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે.
બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાતમાં 50 લાખ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-મા કાર્ડ નાગરિકોને અર્પણ કરવાના મહાઅભિયાનનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં મેડિકલ હોલ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સમારોહમાં વર્ચ્યુઅલી જોડાયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેટલાક લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેટલાક લાભાર્થીઓને પીવીસી કાર્ડ અર્પણ કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે કહ્યું હતું કે, પીએમજેએવાય-મા કાર્ડ તમામ પરિવારોને અડધી રાત્રે કામ આવે એવી સોનાની લગડી છે. કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર અડધી રાત્રે કોઈપણ હોસ્પિટલના દરવાજે જઈને ઉભો રહેશે તો એ હોસ્પિટલના દરવાજા ખુલી જશે. પ્રવર્તમાન પરિભાષામાં વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક રીતે આ રૂ. પાંચ લાખનું એટીએમ કાર્ડ છે. સમાજના જરૂરિયાતમંદ લોકો આ યોજનાનો વધુને વધુ લાભ લે એ જરૂરી છે.
તેમને કહ્યું કે આયુષ્માન કાર્ડ પરિવારનું સૌથી મોટું તારણહાર છે, સંકટમોચક છે. ભારતમાં ચાર કરોડ લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને ગુજરાતમાં 50 લાખ જેટલા લોકોને આ યોજનાથી રાહત મળી છે. તેમણે કહ્યું હતું કે, હવે બીમારી આવશે તો કોઈને મજબૂરી નહીં વેઠવી પડે. આ કાર્ડ મજબૂતી આપશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પીએમજેએવાય-જનઆરોગ્ય કાર્ડથી માત્ર ગુજરાતમાં જ નહીં, કોઈપણ રાજ્યની કોઈપણ હોસ્પિટલમાં, કોઈપણ રાજ્યનો નાગરિક સારવાર કરાવી શકે એવી વ્યવસ્થા ભારત સરકારે કરી છે પરિવારના તમામ સભ્યોને આ યોજનાનો લાભ મળે એવું આયોજન પણ સરકારે કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, 'સર્વે સંતુ નિરામયા', બધા જ લોકો રોગમુક્ત રહે. રાજ્ય સરકાર અને ભારત સરકાર સાથે મળીને મોટામાંમોટું સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે. વિશ્વના પ્રગતિશીલ અને સમૃદ્ધ દેશોમાં હેલ્થ ઇન્સ્યોરન્સ-આરોગ્યના વીમાની વાતો આપણે સાંભળી હતી, ભારત એક ડગલું આગળ વધ્યું છે. આપણે માત્ર હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, હેલ્થ એસ્યોરન્સનું સપનું જોયું છે અને એ સાકાર થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતની પ્રધાનમંત્રી જનઆરોગ્ય- મા યોજના સમગ્ર દુનિયામાં ચર્ચાનો વિષય છે. દિવાળીના દિવસોમાં ગુજરાત સરકારે જરૂરિયાતમંદ લોકોને આ કાર્ડ આપવાનું ભગીરથ કામ હાથ ધર્યું છે.
ગુજરાતમાં ધનતેરસ અને દિવાળીના તહેવારોના સપરમા દિવસોમાં ગુજરાતમાં આરોગ્યનો મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તહેવારોના આ દિવસોમાં આરોગ્યના ઇષ્ટદેવ ધન્વંતરીની પૂજાનું મહાત્મ્ય છે. આરોગ્યથી મોટું બીજું કોઈ પુણ્ય નથી, કોઈ સૌભાગ્ય ન હોઈ શકે. દિવાળીના આ દિવસોમાં ગુજરાત સરકારે જરૂરિયાતમંદ લોકોને પી.એમ.જે એ.વાય.- મા કાર્ડનું વિતરણ કરવાનું મહાઅભિયાન હાથ ધર્યું છે, એ ખૂબ પુણ્યનું-પરમ સૌભાગ્યનું કામ છે. આજે સાંજ સુધીમાં ગુજરાતમાં બે લાખ જેટલા લોકો સુધી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના પીવીસી કાર્ડ પહોંચતા કરવાનું મહાઅભિયાન છે. આગામી દિવસોમાં 50 લાખ પી.વી.સી. કાર્ડ લોકોને અર્પણ કરાશે.
તેમણે કહ્યું હતું કે, મારે ભારતની માતાઓ અને બહેનોને એમ્પાવર કરવી છે. ભારત સરકારે ગરીબોને મફત ગેસ કનેક્શન આપ્યા. અત્યાર સુધી બહેનો લાકડા સળગાવીને અનાજ પકવતી હતી, પરિણામે ધુમાડાથી બીમારી આવતી હતી. સરકારે પાકી છતવાળું ઘર આપ્યું છે. નળથી ઘરે ઘરે જળ પહોંચાડ્યું છે. ઘરે ઘરે શૌચાલયો બન્યા છે. આ તમામ યોજનાઓથી બીમારીઓ આવતી જ અટકી છે. કોરોનાના કપરા સમયમાં ભારત સરકારે ચિંતા કરી હતી કે, મહામારીમાં કોઈપણ ઘર એવું ન હોવું જોઈએ જ્યાં ચૂલો ન સળગ્યો હોય. અને એટલે જ ભારત સરકારે કોરોનાના કપરા કાળમાં 80 કરોડ લોકોને મફત અનાજ પૂરું પાડ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,પરિવારમાં કોઈ બીમારી આવે તો માતાઓ-બહેનોએ મંગળસૂત્ર ગીરવે મૂકવું પડતું હતું. આવા દિવસો અનેક પરિવારોએ જોયા હશે. પીએમજેએવાય-મા કાર્ડથી સૌથી વધુ લાભ માતાઓ અને બહેનોને થશે. કારણ કે આપણા સમાજમાં માતાઓ અને બહેનો વધુને વધુ માંદગી સહન કરે છે. પરિવાર ખર્ચના ખાડામાં ન ઉતરી જાય તે માટે બહેનો પોતાની પીડા વ્યક્ત નથી કરતી. પરંતુ હવે આ દીકરા સામે માતા-બહેનોએ પોતાની બીમારી છુપાવવી નહીં પડે. સરકાર પૈસા ખર્ચીને માતાઓ અને બહેનોની સારવાર કરાવશે.
ગુજરાતમાં પોતાના મુખ્યમંત્રીકાળ દરમિયાન ચિરંજીવી યોજના, બાલભોગ યોજના, ખીલખિલાટ યોજના, બાળમિત્ર યોજના જેવી અનેક લોકભોગ્ય યોજનાઓની સ્મૃતિ તાજી કરતાં તેમણે કહ્યું હતું કે, આ યોજનાઓથી નાગરિકોના જીવનમાં મોટા પરિવર્તન આવ્યા છે. તેમણે આવી અનેક યોજનાઓ માટે ગુજરાત સરકારને ધન્યવાદ આપ્યા હતા અને તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.