તેજશ મોદી, સુરત: વાઇબ્રન્ટ ગુજરાત સહિતના કાર્યક્રમો ઉપરાંત  K 9 વજ્ર ટી ગન બનાવતી ફેક્ટરીનું લોકાર્પણ અને ગનને સેનાને સમર્પિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી રવાના થયા હતા, ત્યારે ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. આગામી 30મી જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સુરત અને નવસારી ખાતે તેઓ અલગ અલગ ચાર કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જેમાં ઇન્ટરનેશનલ ફ્લાઈટ, ખાનગી હોસ્પીટલનું લોકાર્પણ, દાંડી યાત્રા અંગે બનાવાયેલા ગાંધી મ્યુઝીયમ અને પ્રોફેશનલો સાથે સંવાદ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી 24 કલાકને મળેલી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં પીએમ મોદી દિલ્હીથી બપોરે દોઢ વાગ્યે સુરત એરપોર્ટ પર આવશે, જ્યાં તેઓ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલનું ઉદ્દઘાટન કરશે. આ સાથે જ શાહજહાં સુરત શાહજહાં ફ્લાઈટની શરૂઆત કરાવશે. વડાપ્રધાનનું અલગ અલગ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરી તેમનું અભિવાદન પણ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ફલાઈટનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી એરપોર્ટથી રામપુરા જશે. પીએમ મોદી રામપુરા ખાતે નવી બનેલી વિનસ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે. આ કાર્યક્રમ પૂર્ણ કરી બપોરે રામપુરાથી સુરત એરપોર્ટ આવશે, અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા નવસારીના દાંડી જવા રવાના થશે. 


દાંડીમાં 150 કરોડના ખર્ચે મહાત્મા ગાંધીના મ્યુઝિયમનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે. મહત્વનું છે કે મીઠાના સત્યાગ્રહ ઉપર આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જેમાં દાંડી યાત્રા સમયે બાપુ સાથે જે લોકો હાજર રહ્યા હતા, તેમની મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે. સાંજે દાંડીથી પરત ફરી સુરત એરપોર્ટ ખાતે આવશે તેઓ આવશે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રોફેશન્લ્સ સાથે તેઓ ખુલી ચર્ચા કરશે. આ કાર્યક્રમ પૂર્ણ કરી રાત્રે સાડા સાત કલાકે સુરતથી દિલ્હી જવા રવાના થશે. આમ દિવસભર પીએમ સુરત અને નવસારીમાં ભરચક કાર્યક્રમોમાં હાજરી આપશે.


 ઇન્ટરનેશનલ ટર્મિનલ અને ફ્લાઈટનું લોકાર્પણ
સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલમાં જ કસ્ટમ વિભાગના આઠ અધિકારીઓની નિમણુંક પણ કરી દેવામાં આવી છે. એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઈટને લગતા બદલાવો પણ કરવામાં આવી રહ્યા છે, જે 30 જાન્યુઆરી પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે. પીએમ મોદી 30 મી જાન્યુઆરીએ એર ઇન્ડિયા એક્સપ્રેસની શાહજહાં - સુરત - શાહજહાં ફલાઇટને લીલી ઝંડી આપશે. હાલમાં તેનું બુકિંગ શરૂ કરાયું અને અને ફ્લાઈટની ટીકીટના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે. 16મી ફેબ્રુઆરીથી ફ્લાઈટનું ઓપરેશન શરુ કરવામાં આવશે. અઠવાડિયામાં બે વખત ફ્લાઈટનું શિડયુલ ગોઠવવા આવ્યું છે. 


એર ઇન્ડિયા એક્સપ્રેસની ફલાઈટ સોમવારે અને શનિવારે રાત્રે 07:35 વાગ્યે શાહજહાંથી ઉપડશે અને સુરત એરપોર્ટ પર રાત્રે 11:45 વાગ્યે આવશે. તેજ રીતે મંગળવારે અને રવિવારે મોડી રાત્રે સુરતથી 00:30 (રાત્રે 12:30) વાગ્યે શાહજહાં જવા રવાના થશે. ફ્લાઈટ ફલાઇટ 02:15 કલાકે સુરતથી શાહજહાં પહોંચશે. એર ઇન્ડિયા એક્સપ્રેસની વેબસાઈ પર શાહજહાં થી સુરત ની ફ્લાઈટની ટીકીટનો ભાવ રૂ. 9669. 04 રાખવમાં આવ્યો છે. તો સુરત થી શાહજહાંની ટીકીટનો ભાવ રૂ. 8138.27 રાખવામાં આવ્યો છે.


દાંડી યાત્રા પર બન્યું છે મ્યુઝિયમ
નવસારીના દાંડી ખાતે મ્યુઝિયમ બનવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીના જીવન અંગે માહિતી આપતું મ્યુઝીયમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશથી શરૂ કરાયું હતું. તેમના દ્વારા મુંબઈની આઇઆઇડી સંસ્થા પાસે મ્યુઝિયમની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. આ મ્યુઝિયમની ખાસ વાત એ છે કે સાબરમતી આશ્રમથી જ્યારે મહાત્મા ગાંધી દાંડી યાત્રાએ નીકળ્યા હતાં ત્યારે તેમની સાથે 80 જેટલા પદયાત્રીઓ હતાં, આ તમામના સ્ટેચ્યુ અહીં બનાવવામાં આવ્યા છે, તો સાથે જ 100 ફૂટ ઊંચી જ્યોત બનાવવામાં આવી છે, જે હંમેશા પ્રજ્વલિત રહેશે. અહીં 5 લાખ લીટર પાણી રહી શકે તેવું તળાવ પણ બનાવવામાં આવ્યું છે. સાથે જ 4 લાખ લીટર પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકી પણ બનાવવામાં આવી છે.



પ્રોફેશનલ સાથે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે શહેર અને દક્ષીણ ગુજરાતના પ્રોફેશન્લ્સ સાથે ચર્ચા કરશે. એક કલાક સુધીનો આ કાર્યક્રમ રહેશે. જોકે કોણ કોણ હાજર રહેશે, કેવી રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે, તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી.


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...