PM મોદીએ રોડ શોમાં પહેરેલી કેસરી ટોપીની ખાસિયત શું છે? ખાસ હેતુથી ડિઝાઈન કરાઈ છે આ ટોપી
પીએમ મોદીના રોડ શોમાં સર્વત્ર કેસરિયો છવાયો છે, ત્યારે આ વચ્ચે કેસરી કલરની ટોપી ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. પીએમ મોદીએ કેસરી કલરની જે ટોપી પહેરી છે, તે ભાજપના તમામ નેતાઓને આપવામાં આવી છે, જેને ખાસ હેતુથી ડિઝાઈન કરવામાં આવી છે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો ભવ્ય નજારો હાલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. 10 મહિના બાદ ગુજરાતમાં પધારેલા પીએમ મોદીના સ્વાગતમાં ભવ્ય રોડ શો નીકળ્યો છે. ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદી ગુજરાતની જનતા વચ્ચે નીકળી પડ્યા છે. ત્યારે લાખોની જનમેદની અમદાવાદના રસ્તા પર જોવા મળી રહી છે. યુપી સહિત ચાર રાજ્યોની ચૂંટણીનો જીતનો જશ્ન જાણે ગુજરાતમાં ઉજવાઈ રહ્યો તેવો આ માહોલ છે. રસ્તો આખો ભાજપમય બન્યો છે. રસ્તામાં ભાજપનો ધ્વજ લહેરાઈ રહ્યો છે, તો હવામાં કેસરી કલરના ફુગ્ગા ઉડાવવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં કમળ ખીલ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. દરેક સ્થળે પીએમ મોદીનુ પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી છે. અત્યાર સુધી તમામ કાર્યકર્તાઓ ખેસ પહેરતા જોવા મળતા હતા. પરંતુ પહેલીવાર એક કેસરી ટોપીએ આકર્ષણ જમાવ્યુ. પીએમ મોદીના રોડ શોમાં તેમણે પહેરેલી ટોપી સૌથી વધુ ચર્ચાઈ રહી છે. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે.
આ પણ વાંચો : PM Modi Live : એરપોર્ટથી કમલમ સુધીના ભવ્ય રોડ શોના લાઈવ અપડેટ્સ, સર્વત્ર કેસરિયો છવાયો
ટોપીની ડિઝાઈન ખાસ
જે જે લોકો આ ટોપી પહેરે તે તમામ લોકો ગુજરાતમાં કમળ ખીલવે તેવો હેતુ આ ટાપુની ડિઝાઈન પાછળનો છે. ટોપી પર કમળ લગાવવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રીનો રોડ શો ગુજરાતની આગામી ચૂંટણી માટેનો બુસ્ટર ડોઝ છે. ભાજપના હિરેન કોટકે જણાવ્યુ કે, આ ટોપી ખાસ ડિઝાઈન કરાઈ છે, જે ભારતીયતાની નિશાની છે. ટોપી પર ચિકન એમ્બ્રોઈરી વર્કથી ભાજપ લખવામાં આવ્યુ છે. ટોપી પર લીલો અને સફેદ કલર પણ છે, જે ત્રિરંગાને દર્શાવે છે.
ટોપી વિશે એક કાર્યકર્તાએ કહ્યુ કે, ટોપી દ્વારા ભાજપે લોકોને ભૂતકાળ યાદ કરાવ્યો છે. 80 થી 90 ના દાયકામાં જનસંધના કાર્યક્રમમાં આવી ટોપી પહેરાતી હતી. ત્યારે આવી ટોપી ફરીથી જોઈને ખુશી થાય છે.
સંમેલનમાં તમામ નેતાઓેને આ ટોપી અપાશે
કમલમ ખાતેના કાર્યાલયમાં પ્રદેશ બેઠકમાં તેમજ સાંજે યોજાનારા પંચાયત સંમેલનમાં હાજર રહેનારા તમામ બે લાખ લોકો આ કેસરી કલરની ટોપી પહેરીને હાજર રહેશે.સરપંચ સંમેલનમાં બે લાખ લોકો આજે કેસરી ટોપી પહેરીને હાજર રહેશે. ભાજપની કેસરી કલરની ટોપી આપવામાં આવી છે તે હવે વિધાનસભાની ચૂંટણી સુધીના ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોએ પહેરવાની રહેશે.