તેજશ મોદી/સુરત: 2019ની તૈયારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી દીધી છે. ત્યારે સુરતથી તેઓ એક રીતે જોઈએ તો ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરશે તેવું કહી શકાય છે. આગામી 30મી જાન્યુઆરીના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 10000થી વધુ પ્રોફેશનલો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાતચીત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના મેડિસન સ્ક્વેરની થીમ પર ઇન્ડોર સ્ટેડિયમમાં રીવોલીંગ સ્ટેજ બનાવવામાં આવશે. શહેરના ડોકટરો, વકીલો, ટેક્સ કન્સલ્ટન્ટ, ટેકનોક્રેટ વગેરે આ કાર્યક્રમમાં હાજર રહેશે, જોકે કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કાર્યક્રમને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સુરતના કલેકટરે ઇન્ડોર સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.


નયા ભારત મુદ્દે ચર્ચા
નવસારીના સાંસદ સી.આર પાટીલ અને ઉમરા-મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ઝી 24 કલાકને જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક ક્ષણ હશે. શહેરના મોટી સંખ્યાના પ્રોફેશનલ આ કાર્યક્રમમાં આવશે, કાર્યક્રમની થીમ "નયા ભારત" છે. પીએમ મોદીનો કાર્યક્રમ એક કલાકનો છે. જોકે તેઓ સ્પીચ આપશે કે પછી લોકોના સવાલોના જવાબ આપશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે આ પ્રકારનો કાર્યક્રમ ગુજરાતમાં પહેલી વખત યોજાય રહ્યો છે.


પીએમ મોદીના દિવસભરના કાર્યક્રમ
નરેન્દ્ર મોદી આગામી 30 જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં પીએમ મોદી દિલ્હીથી બપોરે દોઢ વાગ્યે સુરત એરપોર્ટ પર આવશે, જ્યાં તેઓ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલનું ઉદ્દઘાટન કરશે તો સાથે જ શારજહાં સુરત શારજહાં ફ્લાઈટની શરૂઆત કરાવશે. પ્રધાનમંત્રીનું અલગ અલગ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરી તેમનું અભિવાદન પણ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ફલાઈટનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી એરપોર્ટથી રામપુરા જશે. પ્રધાનમંત્રી મોદી રામપુરા ખાતે નવી બનેલી વિનસ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે. 


આ કાર્યક્રમ પૂર્ણ કરી બપોરે રામપુરાથી સુરત એરપોર્ટ આવશે, અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા નવસારીના દાંડી જવા રવાના થશે. દાંડીમાં 150 કરોડના ખર્ચે મહાત્મા ગાંધીના મ્યુઝિયમનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે. મહત્વનું છે કે, મીઠાના સત્યાગ્રહ પર આધારિત આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જેમાં દાંડી યાત્રા સમયે બાપુ સાથે જે લોકો હાજર રહ્યા હતા, તેમની મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે. સાંજે દાંડીથી ફરી પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ ખાતે આવશે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રોફેશનલો સાથે તેઓ ખુલી ચર્ચા કરશે. આ કાર્યક્રમ પૂર્ણ કરી રાત્રે સાડા સાત કલાકે સુરતથી દિલ્હી જવા રવાના થશે. આમ દિવસભર પીએમ સુરત અને નવસારીમાં ભરચક કાર્યક્રમોમાં હાજરી આપશે.