ભરૂચમાં JDU દ્વારા સ્ટેસ્યૂ ઓફ યુનિટીનો વિરોધ, પોલીસે કરી કાર્યકરોની અટકાયત
દક્ષીણ ગુજરાતના ટ્રાયબલ પટ્ટીના કેટલાક વિસ્તારોમાં આદિવાસી સંગઠનો, બીટીએસ, જનતાદળ-યુના કાર્યકરો દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ભરૂચ: નર્મદા કેવડીયા ખાતે સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે પ્રધાનમંત્રીના હસ્તે વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારે દક્ષીણ ગુજરાતના ટ્રાયબલ પટ્ટીના કેટલાક વિસ્તારોમાં આદિવાસી સંગઠનો, બીટીએસ, જનતાદળ-યુના કાર્યકરો દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે દાહોદ, સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, વાંકલ, ઝંખવાવ, નેત્રંગ સહીતના વિસ્તારોમાં સજ્જડ બંધ પાડ્યો હતો. બંધના પગલે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.
જોકે ભિલીસ્તાન ટાયગર સેનાના 200 જેટલા કાર્યકરો નેશનલ હાઇવે 48 પર કોસંબા નજીક રોડ પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. હાઇવ પર ચક્કાજામ કરાયા બાદ ટાયગર સેના દ્વારા વાહનોની હવા કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે ચક્કાજામના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રદર્શન કરતા અને પોલીસ વચ્ચે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કોંસબા પોલીસે મોટી સંખ્યામાં પ્રદર્શનકર્તાની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.