Gujarat Bandh Alan: બંધના સમર્થનમાં કોંગ્રેસે ચક્કાજામ અને ટાયર સળગાવ્યા, પોલીસે કાર્યકરોની કરી અટકાયત
Gujarat Bandh Alan: રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે લોકોને સવારે 8 થી 12 સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી
Gujarat Bandh Alan: રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે લોકોને સવારે 8 થી 12 સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના બંધના એલાનને ગુજરાતભરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જેને લઇને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો સવારથી જ પોતાના વિસ્તારમાં બંધ પાળવા માટે નીકળ્યા છે. તો બીજી તરફ જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની અટકાયત કરાઈ અને અમદાવાદમાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી કરાઈ હતી. આ ઉપરાંત રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ અને NSUI ના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આજે સવારે કોંગ્રેસના બંધના એલાનને સમર્થન આપતા NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી તેમજ અમદાવાદની તમામ કોલેજો બંધ કરાવાઈ હતી. તો કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવીજયસિંહ ગોહિલ, યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં બંધ કરાવવા રસ્તા પર ઉતર્યા છે. તો બીજી તરફ ગાંધીનગરમાં કોંગી ધારાસભ્ય લાખા ભરવાડ સહિત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. ધારાસભ્ય બંધના સમર્થનમાં દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા.
આ પણ વાંચો:- ગુજરાતભરમાં કોંગ્રેસનું 4 કલાકનું બંધનું એલાન, સાંકેતિક બંધને લોકોનો મિશ્ર પ્રતિસાદ
વડોદરામાં પણ કોંગ્રેસ નેતાઓ સવારથી બજારો અને દુકાન બંધ કરાવવા નીકળ્યા હતા. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં પાલિકા વિપક્ષ નેતા અમીબેન રાવત અને કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત બંધ કરાવવા નીકળ્યા હતા. સંગમ ચાર રસ્તા, માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી બંધ કરાવવા નીકળ્યા હતા. છાણી ગામ સંપૂર્ણ બંધ, લોકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. શહેરમાં કોંગ્રેસના બંધની નહિવત અસર જોવા મળી રહી છે. લોકોએ ધંધા રોજગાર ચાલુ રાખ્યા છે.
પાલનપુરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યા હતા. કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધ મામલે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસન ગુજરાત બંધને બનાસકાંઠામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. તો બીજી તરફ સુરતમાં કોંગ્રેસના નેતા બંધ કરાવવા માટે નીકળ્યા હતા. સુરતના રિંગરોડ વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ બંધ કરાવવા નીકળ્યા હતા. કાપડ માર્કેટમાં વેપારી/શ્રમિકોને પ્રજાહિત માટે સાંકેતિક ગુજરાત બંધમાં સહકાર આપવા વિનંતી કરાઈ હતી. ગુલાબના ફૂલ આપીને બંધની અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:- રાજ્ય સરકારનું વધુ એક મોટું પગલું, બોલીવુડ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાત બનશે સૌથી મોટુ હબ
ઓલપાડમાં કોંગ્રેસનો ગુજરાત સાંકેતિક બંધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોએ ટાઉનની મુખ્ય બજારોની દુકાનોને બંધ કરાવી હતી. ઓલપાડના બજારોમાં બંધની આંશિક અસર જોવા મળી રહી છે. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહા મંત્રી દર્શન નાયક, તા. કોંગ્રેસ પ્રમુખ જયેન્દ્ર દેસાઈ સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસના ગુજરાત બંધના એલાન દરમિયાન વહેલી સવારે ભરૂચ દહેજ રોડ પર ટાયરો સળગાવી વાહન ચક્કાજામનો પ્રયાસ કરાયો હતો. જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય પાસે આગેવાનો અને મહિલાઓ દ્વારા સ્ટેશન રોડ પર ચક્કાજામ કરાયો હતો. ત્યારે સરકાર વિરોધી સૂત્રોચાર કરતા નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.
જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ ગુજરાત બંધના એલાનના પગલે શહેરમાં વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરવા નીકળી હતી. શહેરના લીમડાલાઈન, જીજી હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં વેપારીઓને બંધ રાખવા અપીલ કરી હતી. વિક્રમભાઈ માડમ, દિગુભા જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા અને કાસમભાઇ ખફી સહિતના આગેવાનો જોડાયા હતા. પોલીસ દ્વારા દુકાનો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube