વર્ગ વિગ્રહ જેવી ઘટનાઓ ન બને તે માટે પોલીસતંત્રને ગામડાઓની મુલાકાત લેવા માટે DGPનો આદેશ
શિવાનંદ ઝાના આદેશ પ્રમાણે રાજ્યમાં કોમી બનાવો અને વર્ગ વિગ્રહો જેવી ઘટનાઓ અટકાવવા માટે તથા કાયદો-વ્યવસ્થા સામાન્ય રહે તે માટે પોલીસની સારી કામગીરી અનિવાર્ય છે.
ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં ગ્રામિણ વિસ્તારમાં વર્ગ વિગ્રહ જેવી ઘટનાઓ બહાર આવી હતી. તેમાં દલિતોનો મૂછો રાખવાનો પ્રશ્ન હોય અથવા તો એક દલિત યુવકને મોજડી પહેરવાના બહાને માર મારવામાં આવ્યો હતો. તો માણસા તાલુકાના એક ગામમાં ઘોડી પર બેસવા બાબતે દલિત વરરાજાને નીચે ઉતારવામાં આવ્યો હતો. આ તમામ ઘટનાઓ બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારે આજે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ એક આદેશ બહાર પાડ્યો છે.
શિવાનંદ ઝાના આદેશ પ્રમાણે રાજ્યમાં કોમી બનાવો અને વર્ગ વિગ્રહો જેવી ઘટનાઓ અટકાવવા માટે તથા કાયદો-વ્યવસ્થા સામાન્ય રહે તે માટે પોલીસની સારી કામગીરી અનિવાર્ય છે. ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ પ્રજાજનો સાથે સંપર્કમાં રહે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિથી વાકેફ રહે તેથી પોલીસને ગ્રામિણ વિસ્તારની મુલાકાત કરવાનું કહેવામાં આવ્યું છે. શિવાનંદ ઝાએ જારી કરેલા પત્ર પ્રમાણે પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓએ એ-વર્ગ, બી-વર્ગ અને સી-વર્ગના ગામડાઓની મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું છે.
રાજ્ય પાલીસ વડાએ ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકોની વસ્તી વધુ હોય તેવા વિસ્તારમાં જઈને તેમના જે પ્રશ્ન હોય તે કાર્યવાહી કરવાની રહેશે. જે પણ ગામડાઓમાં સંવેદનશિલ વિસ્તાર હોઈ તેની આગામી ત્રણ માસમાં તેની મુલાકાત લેવાનું આયોજન કરવાનું કહ્યું છે.
જે વ્યક્તિ વર્ગ વિગ્રહનો પ્રયત્ન કરશે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોના જે પણ પ્રશ્ન હોય તેને સાંભળીને તાત્કાલિક નિકાલ કરવાનું પોલીસ વડાએ કહ્યું છે.