જાહેરમાં ઝઘડનાર ભાજપના ધારસભ્ય અને સાંસદ કોણ? દિલ્લી સુધી પહોંચેલાં છે બન્નેના તાર
ભાજપના બે દિગ્ગજ મહિલા નેતાઓ આજે જાહેરમાં જે રીતે બાખડ્યાં એ જોઈને ફરી એકવાર આંતરિક કલેશ સપાટી પર આવી ગયો. આ ઝઘડનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાણો કોણ છે આ નેતાઓ....
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે ફરી એકવાર ભાજપના નેતાઓ વચ્ચે ચાલતો આંતરિક કલેશ સપાટી પર આવી ગયો. વાત જાણે એમ છેકે, જામનગર શહેરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે 'મેરી મીટ્ટી, મેરા દેશ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ જોતજોતામાં આ કાર્યક્રમ મોટી બાબાલમાં ફેરવાઈ ગયો. આ બબાલ શહેરના પ્રથમ નાગરિક ગણાતા મેયર, ધારાસભ્ય અને સાંસદ સભ્ય સહિત ભાજપના 3 દિગ્ગજ મહિલા નેતાઓનો ચેહેરો સામે આવ્યો.
જેમાં ભાજપના 3 દિગ્ગજ મહિલા નેતાઓ ખુબ જ બાખડ્યા હતાં. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે જોઈએ કે, આખરે આ વિવાદમાં સપડાયેલાં પૂનમ માડમ, રિવાબા જાડેજા અને બીનાબેન કોઠારી કોણ છે તેમનો પરિચય પણ મેળવી લઈએ. બીનાબેન કોઠારી જામનગર મનપાના મેયર છે. બીનાબેન જામનગર શહેરના વોર્ડ નંબર 5માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. તેઓની કોર્પોરેટર તરીકેની આ બીજી ટર્મ છે. એ પણ સમજીએ કે કેમ એવું કહેવાય છેકે, રિવાબા અને પૂનમ માડમ બન્નેના તાર દિલ્લી સુધી જોડાયેલાં છે.
કોણ છે પૂનમબહેન માડમ?
પૂનમ માડમ હાલ જામનગરથી ભાજપના સાંસદ છે. તેઓ છેલ્લી બે ટર્મથી અહીંથી સાંસદ તરીકે ચૂંટાતા આવે છે. જામનગર જિલ્લાના રાજકારણમાં વર્ષોથી માડમ પરિવારનું વર્ચસ્વ રહેલું છે. પૂનમબહેન માડમ પણ આ જ પરિવારમાંથી આવે છે. વર્ષ 2012 વિધાનસભા ચૂંટણી પહેલા જ પૂનમબહેન માડમ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ તેમને જામખંભાળીયા બેઠક પરથી ભાજપે ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં પૂનમબહેને કૉંગ્રેસના ઉમેદવાર સામે 38 હજાર કરતા વધુ મતે જીત મેળવી હતી.
ધારાસભ્યમાંથી કઈ રીતે સાંસદ બન્યા પૂનમ માડમ?
પૂનમ માડમ એક યુવા ચહેરા તરીકે ભાજપમાં જોડાયા હતાં. ભાજપમાં જોડાતાની સાથે જ પાર્ટીએ તેમને ધારાસભ્ય તરીકેની ટીકીટ આપી દીધી હતી. 2012માં જામ ખંભાળીયા બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં પૂનમબહેનને જામનગર બેઠક પરથી ટિકિટ આપી હતી. અહીં તેમની સીધી ટક્કર તેમના કૌટુંબિક કાકા અને તત્કાલીન સીટીંગ MP વિક્રમ માડમ સાથે થઈ હતી. જેમાં પૂનમબહેને પોણા બે લાખ કરતા વધુ મતની લીડથી જીત મેળવી હતી. 2019માં પણ પૂનમબહેનનો જામનગર લોકસભા બેઠક પર વિજય થયો હતો.
પૂનમ માડમનો પરિવારઃ
પૂનમબહેનના પિતા સ્વ, હેમંતભાઈ માડમ પણ જામખંભાળીયા બેઠક ચાર ટર્મ સુધી અપક્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે. પૂનમબહેન માડમ તેમના પિતા સ્વ.હેમંતભાઈ રામભાઈ માડમના નામે ચાલતા ટ્રસ્ટના માધ્યમથી સેવાકીય પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે. જેને કારણે તેઓ ભાજપના મોવળી મંડળની ખુબ નજીક માનવામાં આવે છે. આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમ પણ પૂનમ માડમના કુટુંબિંક કાકા થાય છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છેકે, કે પૂનમ માડવના તાર છેક દિલ્લી સુધી જોડાયેલાં છે. જેને કારણે જામનગરમાં કોઈ તેમની સામે માથુ ઉંચકી શકે તેમ નથી. વર્ષ 2014માં પૂનમ માડમ પોતાના કાકાને હરાવીને દિલ્હી પહોંચ્યા હતાં.
કોણ છે રિવાબા જાડેજા?
રિવાબા જાડેજા મૂળ રાજકોટના રહેવાસી છે. ક્રિકેટ રવીન્દ્રસિંહ જાડેજા સાથે લગ્ન કર્યા બાદ તેઓ જામનગરમાં વસવાટ કરી રહ્યા છે. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જામનગર ઉત્તર બેઠક પરના સીટીંગ MLA હકુભા જાડેજાની જગ્યાએ રિવાબાને ટિકિટ આપી હતી. મજબૂત નેતાની જગ્યાએ ટિકિટ મેળવી ધારાસભ્ય બન્યા હતા રિવાબા જાડેજા. જામનગર ઉત્તર બેઠક પર ખેલાયેલા ત્રિપાંખિયા જંગમાં રિવાબાએ 50 હજાર કરતા વધુ મતની લીડથી વિજય મેળવ્યો હતો. જામનગરમાં માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી રિવાબા સામાજિક પ્રવૃતિઓ પણ કરી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છેકે, ફેમસ ક્રિકેટ રવિન્દ્ર જાડેજાના પત્ની હોવાના લીધે ભાજપે રિવાબાને આટલી મોટી તક આપી. રિવાબાના તાર પણ છેક દિલ્લી સુધી જોડાયેલાં છે.