અમદાવાદ : PM મોદી દ્વારા આજે કોરોનાની રસી શોધાઇ ગઇ હોવાની અને માત્ર એક અઠવાડીયા જેટલા સમયમાં જ તે ઉપલબ્ધ થવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો કે રસી આવે તો કઇ રીતે નાગરિકો સુધી પહોંચાડવી તેની તૈયારી ગત્ત ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. વડાપ્રધાન કાર્યાલય અને સ્વાસ્થય મંત્રાલય દ્વારા દરેક રાજ્યોને ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કોરોનાનાં વધારે અસરગ્રસ્ત લોકોની યાદી તૈયારી કરીને મોકલવા માટે જણાવી દેવામાં આવ્યું છે. આ લોકોને સૌપ્રથમ તબક્કાવાર રસી આપવામાં આવશે. આ અંગેની યાદી ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર પણ કરી લેવામાં આવી છે. 
આ અંગે કોર્પોરેશનનાં ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું કે, રસીને પ્રથમ તબક્કામાં તમામ હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ વર્કર્સમાં પણ ઉંમરલાયક અને કોરોનાનું વધારે જોખમ હોય તેવા કર્મચારીઓની અલગથી યાદી તૈયાર કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્પોરેશન દ્વારા તબક્કાવાર ફ્રન્ટલાઇન વોરિયર્સને રસી અપાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ડોક્ટર્સ, હેલ્થ વર્કર્સ અને સફાઇ કર્મચારીઓ સહિતનાં તમામ ગ્રાઉન્ડ સ્ટાફની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ થઇ ચુકી છે. પ્રથમ ડોઝમાં 8500 જેટલા ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. વેક્સિન જેમને જેમને આપવામાં આવશે તેમની એન્ટ્રી કો-વીન નામના ખાસ બનાવાયેલા એપમાં પણ કરવામાં આવશે. આગામી અઠવાડીયે જ્યારે વેક્સિન આપશે ત્યારે કોરોના વોરિયર્સને અગ્રતા ક્રમ આપવામાં આવશે. કોરોનાની રસી આપતા સમયે કોરોના ગાઇડલાઇનનું સંપુર્ણ પાલન કરવામાં આવશે. 


કોઇ કર્મચારી છુટી ન જાય તે માટે કોર્પોરેશનની સજ્જડ કામગીરી
અધિકારીઓએ જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ અને ડોક્ટર્સ બાદ સહાયક સ્ટાફ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, સફાઇ કર્મચારીઓ, AMTS અને બીઆરટીએસમાં ફરજ બજાવતા કર્મચારીઓને આવરી લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા તમામ શહેરો પાસે રસી આવે તેવી સ્થિતીમાં કઇ રીતે તબક્કાવાર રસી આપી શકાય તે માટેની યાદીની માંગ કરી છે. 


નાગરિકો પણ કરાવી શકશે પોતાનું રજીસ્ટ્રેશન
આ ઉપરાંત સરકાર દ્વારા આ માટે એક એપ તૈયાર કરવામાં આવી છે. આ એપમાં નાગરિક દ્વારા પોતાની તમામ માહિતી આપવાની રહેશે. જેથી એપમાં ઉંમર, વ્યવસાય વગેરેનાં આધારે યાદી ઓટોમેટિક તૈયાર થશે. જેનું નોટિફિકેશન નાગરિકને મળશે અને તે તારીખે અને સમયે તે હાજર રહેશે ત્યારે તેને રસી આપવામાં આવશે. આવી ધારણા હાલ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube