એસટીની હડતાળથી મુસાફરોને પડ્યા પર પાટુ : ખાનગી ગાડીવાળા વસૂલે છે બમણુ ભાડું
રાજ્યભરમાં એસટી કર્મચારીઓ હડતાળ પર ઉતરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ખાનગી વાહન ચાલકોએ એસટી કર્મચારીઓની હડતાળનો ગેરલાભ લઈ લોકો પાસેથી ઉંઘાડી લૂંટ કરવાની શરૂઆત કરતા મુસાફરોની મુશ્કેલી હજી વધી છે.
રવિ અગ્રવાલ/વડોદરા : રાજ્યભરમાં એસટી કર્મચારીઓ હડતાળ પર ઉતરતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે ખાનગી વાહન ચાલકોએ એસટી કર્મચારીઓની હડતાળનો ગેરલાભ લઈ લોકો પાસેથી ઉંઘાડી લૂંટ કરવાની શરૂઆત કરતા મુસાફરોની મુશ્કેલી હજી વધી છે.
એસટી બસો બંધ હોવાના કારણે મુસાફરો ખાનગી વાહનોમાં બેસી પ્રવાસ કરી રહ્યા છે. એક તરફ રેલવેમાં પણ ભીડ વધતા ટ્રેનોમાં જગ્યા માટે પડાપડી થઈ રહી છે. તો બીજી તરફ અનેક લોકો ખાનગી વાહનો તરફ વળ્યા છે. પરંતુ ખાનગી વાહનચાલકો મુસાફરોની આ મજબૂરીનો લાભ લઈને તેમને લૂંટી રહ્યા છે. મુસાફરો પાસેથી આજે બમણું ભાડુ વસૂલાઈ રહ્યું છે.
વડોદરાથી અમદાવાદ જતા મુસાફરો વડોદરાના અમિત નગર સર્કલ, સમા તળાવ પાસેથી ખાનગી વાનમાં બેસીને જઈ રહ્યા છે. આજે એસટી બસો બંધ હોવાથી મુસાફરોની સંખ્યામાં એકાએક વધારો થયો છે. જેના કારણે વાનચાલકો મુસાફરો પાસે રીતસરની ઉંઘાડી લૂંટ કરી રહ્યા છે. વાન ચાલકો મુસાફરો પાસે વડોદરાથી અમદાવાદના 100થી 150 રૂપિયા વસૂલી રહ્યા છે. એટલું જ નહી જે મુસાફર વધુ રૂપિયા આપવા તૈયાર ન હોય તેવા લોકોને વાનમાં બેસાડી જ નથી રહ્યા, જેથી મુસાફરોની હાલત વધુ કફોડી બની છે. આમ વાનચાલકો રીતસરની દાદાગીરી કરી રહ્યાં છે. વાન ચાલક કે ખાનગી વાહનો સામાન્ય દિવસોમાં મુસાફરો પાસેથી 80 રૂપિયા ભાડું લે છે. પરંતુ આજે ભાડામાં અધધ વધારો કરતા મુસાફરોને બેવડો માર પડી રહ્યો છે. તેમ છતાં તંત્ર આંખે પાટા બાંધ્યા હોય તેમ ખાનગી વાન ચાલકો સામે કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યું.
ખાનગી વાહનો પણ લટકીને જોખમી મુસાફરી કરતા મુસાફરો
એસટીની હડતાલના પગલે ખાનગી વાહનોને એક તરફ ઘી કેળા છે. તો બીજી તરફ, ભીડ વધતા ખાનગી વાહનચાલકો ગાડીમાં વધુ લોકો ભરીને જઈ રહ્યા છે. આવામાં અરવલ્લીમાં મોતની સવારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભાડું બમણું આપીને પણ જિલ્લાવાસીઓ જોખમી સવારી કરી રહ્યા છે. મોડાસા, મેઘરજ, માલપુર રોડ પર સવારથી જ જોખમી સવારીના અને મુસાફરોથી ખીચોખીચ ગાડીઓના દ્રશ્યો જોવા ણળી રહ્યા છે. ખાનગી બસો, જીપ, રીક્ષાઓમાં મુસાફરો ઉભરાયા છે.