અમદાવાદઃ હિંમતનગરમાં 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિયો ઉપર લોકોનો રોષ ઠલવાયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓ વધી છે અને તેમને રાજ્યમાંથી હાંકી કાઢવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. આ જોઈને રાજ્ય પોલીસ તંત્ર દ્વારા પરપ્રાંતિયોની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના DGP શિવાનંદ જ્હાએ આ અંગે જણાવ્યું કે, પરપ્રાંતિયોની સુરક્ષા માટે રાજ્યમાં SRPની 17 કંપનીઓ તૈનાત કરી દેવાઈ છે. આ પ્રકારના હુમલા સંદર્ભે અત્યાર સુધી 342 લોકોની અટકાયત કરાઈ છે. પોલીસ તંત્ર દ્વારા એક એકશન પ્લાન બનાવાયો છે, જેમાં SP કક્ષાના સુધીના અધિકારીઓ હાજર રહ્યા હતા. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. 



અમદાવાદમાં પણ ગોઠવાયો બંદોબસ્ત
પરપ્રાંતિયો પર રાજ્યમાં થઈ રહેલા હુમલાની ઘટનાઓને પગલે અમદાવાદમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદની નજીકમાં ચાંગોદર જીઆઈડીસી અને સાણંદ મુખ્ય ઔદ્યોગિક મથકો છે. આથી, પોલીસે સાણંદ અને ચાંગોદર જીઆઈડીસીમાં SRPની ટુકડીઓ અને પોલીસની કુમક ઉતારવામાં આવી છે. 


અમદાવાદમાં હુમલાની ઘટનાઓ
અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ પરપ્રાંતિયો પર હુમલાની ઘટના જોવા મળી છે. જેમાં શનિવારે સાંજે ચાંગોદરમાં ફેક્ટરીનું કન્સ્ટ્રક્શન કરતાં ત્રણ પરપ્રાંતીય પર અને રાંચરડા ફાર્મ હાઉસ ખાતે સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા પરપ્રાંતીય પર હુમલો કરવામાં આવ્યો હતો. 


ગુજરાત બંધનું એલાન
હિંમ્મતનગરમાં 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટના અંગે સોમવારે ગુજરાત બંધ હોવાનાં મેસેજ વાયરલ થયા હતાં. જોકે, ગુજરાત બંધનું એલાન કોઈ પણ રાજકીય પક્ષ કે કોઈ પણ સંસ્થા દ્વારા આપવામાં ન આવ્યું હોવાની વાત જાણવા મળી છે. સોશિયલ મીડિયા પર ફરી રહેલા મેસેજ ખોટા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.


અમદાવાદમાં તમામ પોલીસ કર્મીની રજા રદ્દ
પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાઓની ઘટનાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. શહેર તેમજ શહેરની બહારના ભાગમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારો, પરપ્રાંતિયોની વસાહતોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં SRPનાં જવાનોની ત્રણ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. પોલીસ તંત્રને એલર્ટ રહેવા સુચના અપાઈ છે. 


અલ્પેશ ઠાકોરે કર્યો ખુલાસો 
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એક નિવેદનમાં પરપ્રાંતિયો પર થઈ રહેલી હુમલાની ઘટનાને વખોડી કાઢી છે. તેમણે જણાવ્યું કે, આ ઠાકોર સમાજને બદનામ કરવાનું એક કાવતરું છે. અમારા કાર્યકરોને ફસાવવા માટે ગુંડાતત્વો જાણી જોઈને હુમલા કરે છે. પરપ્રાંતિયો પર કોઈ પણ પ્રકારના હુમલા ન થવા જોઈએ. ઠાકોર સમાજ દ્વારા ભાઈચારો જળવાઈ રહે તેના માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 



આ સાથે જ અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ગુજરાત બંધના એલાન સાથે ઠાકોર સમાજને કોઈ લેવાદેવા નથી. આ બંધને અમારું સમર્થન નથી. તેમણે પરપ્રાંતિય પર થયેલા હુમલામાં ઠાકોર સમાજના યુવાનો પર દાખલ કરવામાં આવેલા ખોટા કેસો પાછા ખેંચી લેવા પણ માગણી કરી છે.