`રાહુલ ગાંધી શરમ કરો, ખેડૂતોની જમીન પરત કરો : અમેઠીમાં ખેડૂતોનું પ્રદર્શન
પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન રાજીવ ગાંધી ફાઉન્ડેશનને દેવામાં આવી હતી અને બદલામાં રોજગાર દેવાનો વાયદો કરાયો હતો. જોકે વાયદો પુરો નથી કરાયો
અમેઠી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીમાં ખેડૂતોએ તેમના વિરૂદ્ધ પ્રદર્શન કર્યુ છે. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન રાજીવ ગાંધી ફાઉન્ડેશનને દેવામાં આવી હતી અને બદલામાં રોજગાર દેવાનો વાયદો કરાયો હતો. જોકે વાયદો પુરો નથી કરાયો. હવે ખેડૂતો ધરણા પર બેઠા છે અને માગણી કરી રહ્યા છે કે તેમની જમીન પરત કરવામાં આવે અથવા તો રોજગાર આપવામાં આવે. આ ખેડૂતોએ ધમકી આપતા કહ્યું છે કે જો એવું નહીં થાય તો તેઓ આ જગ્યા પર નિર્માણ પામેલા પ્રોજેક્ટને નષ્ટ કરી દેશે અને પ્રદર્શન ચાલુ જ રાખશે.
મહિલા કોંગ્રેસની કાર્યશાળામાં રાહુલ ગાંધી
16 ડિસેમ્બરે વિધીવત રીતે કોંગ્રેસ અધ્યક્ષનો કાર્યભાર સંભાળવાની તૈયારી કરી રહેલા રાહુલ ગાંધી બુધવારે દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસની મહિલા અધિકારો વિશે યોજાઈ રહેલી એક દિવસીય કાર્યશાળામાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ લોકસભા તેમજ રાજ્યસભામાં મહિલાઓના એક તૃતિયાંશ આરક્ષણ વિશેના ખરડાને સંસદમાં પસાર કરવા માટે સરકાર પર દબાણ કરવાના મુદ્દાની પણ ચર્ચા કરશે.
મહિલા અનામત બિલ
તત્કાલિન કોંગ્રેસ અ્ધ્યક્ષ સોનિયા ગાંધીએ કેટલાક મહિના પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના આગામી શિયાળુ સત્રમાં મહિલા આરક્ષણ બિલને પસાર કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે વડાપ્રધાનને લખેલા પત્રમાં આશ્વાસન આપ્યું હતું કે જો સરકાર મહિલા આરક્ષણ બિલને સંસદમાં પસાર કરવા માટે લાવશે તો કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ સહયોગ આપશે.
(ઇનપુટ : ભાષામાંથી પણ)