અમદાવાદ : રથયાત્રા પહેલા RAFનું સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ
ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાએલી સમીક્ષા બેઠકમાં રાજ્ય પોલીસ વડા સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
જાવેદ સૈયદ/અમદાવાદ :ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની આગેવાનીમાં યોજાએલી સમીક્ષા બેઠકમાં રાજ્ય પોલીસ વડા સહિત તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. બંદોબસ્તમાં 25 હજાર જેટલા પોલીસ કર્મીઓ જોડાશે. અને 28 લાખ લોકો ભગવાનના દર્શન કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રથયાત્રાના રૂટ પર આરએએફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગમાં આરએએફની 15થી વધારે ટુકડીઓ છે, જેમાં 80 થી વધારે જવાનો હાજર રહ્યા હતા. દરિયાપુર જેવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં આ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
રથયાત્રાનાં પ્રસાદની તડામાર તૈયારીઓ થઇ રહી છે. હાલ ભગવાન જગન્નાથનો મહા પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે. જેમાં માલપૂડાની વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે. સ્વયંસેવકો દ્વારા આ પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મહાપ્રસાદીમાં ભજીયા-માલપૂડા-પૂરી સહિતની વાનગીઓ બનાવાઈ રહી છે. ભાવિક ભક્તો માટે ભગવાનનાં મામેરીયાઓ માટે પ્રસાદની તૈયારી કરાવાઈ રહી છે.
મામેરુ મંદિરમાં આવ્યું
ભગવાન જગન્નાથનું મામેરું જગન્નાથ મંદિર ખાતે લાવવામાં આવ્યું છે. મોસાળથી મંદિર ખાતે મામેરુ લાવવામાં આવ્યું. જેને હવે મંદિર ખાતે દર્શન માટે મૂકવામાં આવ્યું છે. ઢોલ નગારા અને ગજરાજ સાથે મામેરું મન્દિર ખાતે લાવવામાં આવ્યું હતું. ભવ્ય મામેરુ જોઈને લોકો દંગ રહી ગયા હતા.