ગૌરવ પટેલ/અમદાવાદ :નોટબંધી વખતે  એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપશે. બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટ બહાર ચુસ્ત બંદોબસ્ત
મેટ્રો કોર્ટમાં નિવેદન આપવા માટે આજે રાહુલ ગાંધી અમદાવાદ મેટ્રો કોર્ટ આવશે તેના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ, સહિત 6 જેટલા આઈપીએસ અધિકારીઓની ટીમે સુરક્ષા વ્યવસ્થા મુદ્દે મેટ્રો કોર્ટના ચીફ જજ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. સૂત્રો દ્વારા મળતી મહિતી પ્રમાણે, આવતીકાલે ધી-કાંટા મેટ્રો કોર્ટને પોલીસ બંદોબસ્તના ભાગરૂપે કિલ્લાબંધીમાં ફેરવી દેવાઈ છે. 


અગાઉ રાહુલ ગાંધી હાજર રહ્યા ન હતા
અગાઉ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી અને કોગ્રેસી પ્રવક્તા રણદીપ સુરજેવાલાને ગત 27મી  મેના રોજ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું જોકે એ જ દિવસે એટલે કે  27મી મે ના રોજ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની 55મી પુણ્યતિથિ વાથી રાહુલ ગાંધીએ મેટ્રો કોર્ટ પાસેથી હાજર ન થવાની મુક્તિ માંગી હતી. જેને ધી-કાંટા મેટ્રો કોર્ટ મેજિસ્ટ્રેટ એ.કે ગઢવીએ માન્ય રાખતા રાહુલને 12મી જુલાઈના રોજ હાજર થવાનું ફરમાન કરાયું હતું. 


અગાઉ રાહુલ ગાંધી વતી વકીલ પંકજ ચાંપાનેરીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, 27મી મે, 1964ના રોજ મૃત્યુ પામેલા દેશના પહેલાં વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂની 55મી પુણ્યતિથિ હોવાથી રાહુલ ગાંધી સમન્સ પ્રમાણે કોર્ટમાં હાજર રહી શકશે નહિ, જેથી તેમને આજે હાજર થવામાંથી મુક્તિ આપવામાં આવે, જે માંગ કોર્ટે સ્વીકારી લીધી હતી.


745 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કરવામા આવ્યો
એડીસી બેંક મુદ્દે આપેલા વિવાદાસ્પદ નિવેદન કેસમાં સાક્ષીઓની જુબાની અને તથ્યોને આધારે કોર્ટને પ્રથમ દ્રષ્ટિએ બદનકક્ષીનો કેસ સાબિત થતો હોવાનું લાગતા ગત 8મી એપ્રિલના રોજ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાને 27મી મેના રોજ હાજર થવાનો હુકમ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ એડીસી બેંકના ચેરમેન અજય પટેલ દ્વારા 745 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કરવામા આવ્યો હતો.


અગાઉની સુનાવણીમાં જયદીપ શાહ અને શૈલેષ પંચાલ નામના બંને સાક્ષીએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધી અને સુરજેવાલાએ ટ્વિટમાં એડીસી બેંકને કૌભાંડી ગણાવી હતી. જે વાંચીને અમે અમારુ ખાતું ત્યાંથી બંધ કરાવીને અન્ય બેંકમાં ખોલાવ્યું હતું. આ અંગેના સામાચાર પણ ટીવીમાં જોયા હોવાનું સાક્ષીઓએ દાવો કર્યો હતો.


એડીસી બેન્કના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે, નોટબંધી વખતે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ  સુરજેવાલાએ એડીસી બેન્ક પર ખોટી રીતે રૂપિયા 700 કરોડ બદલી આપવાનો આક્ષેપ લગાડ્યો હતો. એટલું જ નહિ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ હોવાનો દાવો બંને દ્વારા કરવામાં આવતા તેમની બેંકની પ્રતિષ્ઠાને ફટકો પહોંચ્યો હતો.


નોટબંધી વખતે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે, એડીસી બેંકે 5 દિવસમાં આશરે 745 કરોડ રૂપિયા બદલી આપ્યા હતા. સુરજેવાલાએ કહ્યું હતું કે, ભાજપના નેતાઓ અને અધ્યક્ષ અમિત શાહ એડીસી બેન્કના નિર્દેશક હોવાથી માત્ર પાંચ દિવસમાં 11 જિલ્લાની એડીસી બેન્કમાં 3118 કરોડ રૂપિયાની જંગી રકમની હેરાફેરી કરવામાં આવી હતી.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :