ગુજરાતમાં ભાજપ અગ્રણીના ઘરે લૂંટારુ ગેંગ ત્રાટકી; AAP નેતાઓ સાથે આરોપીઓનું ખુલ્યું મોટું કનેક્શન
વાપીના કરવડ ગામના સરપંચ તથા વાપી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને ભાજપ અગ્રણીને ત્યાં તાજેતરમાં જ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જોકે, સરપંચની ચપળતાથી તેઓ ચોરી કરી શક્યા નહોતા. પરંતુ પોલીસે તેમાંના કેટલાકની ધરપકડ કરી લીધી હતી. હવે આ મામલે વલસાડ પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
નિલેશ જોશી/વાપી: વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં કરવડ ગ્રામ પંચાયતના સરપંચના ઘરે લૂંટારુ ગેંગ ત્રાટકી હતી. મધ રાત્રીએ ત્રાટકેલા ધાડપાડુઓને બંગલાની બહાર રાખવામાં આવેલ સીસીટીવી કેમેરામાં જોતા જ સરપંચે પોલીસ અને પાડોશીને ફોન કરી મદદ માટે બોલાવ્યા હતા. ત્યારે કરવડ ગામે મધરાત્રીએ થયેલ પોલીસ અને ધાડપાડુઓના ધીંગાણાં માં 3 પોલીસ અને 4 ચોર ઘાયલ થયા છે. તો 5 લોકોની ડુંગરા પોલીસે ધરપકડ કરી છે. આ ધાડના ગુન્હામાં ઝડપાયેલા 2 આરોપી આપ પાર્ટી સાથે સંળાયેલા છે. ત્યારે વલસાડના આપ પાર્ટીના અગ્રણીઓ ભાજપના અગ્રણીના ઘરે ધાડ પડાવી રહ્યા છે ત્યારે કોણ છે આ ધાડપાડુ ગેંગ અને કોણ છે આ આપ પક્ષના અગ્રણીઓ?
3 પોલીસ સહીત 4 ચોર ઘાયલ થયા
વાપીના કરવડ ગામમાં દેવેન્દ્રભાઈ પટેલનો પરિવાર રહે છે. દેવેન્દ્રભાઈ ભાજપના અગ્રણીની સાથે વાપી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને કરવડ ગામના સરપંચ છે. જેમના ત્યાં મોડી રાત્રે ધાડપાડું ટોળકી ત્રાટકી હતી. અડધી રાત બાદ ઘરની બહારથી અવાજ આવતા સરપંચે સીસીટીવી ચેક કરતા ઘરની બહાર ત્રણથી ચાર લોકો હથિયારો સાથે દેખાયા હતા. આથી પરિસ્થિતિ પારખી ગયેલા સરપંચ દેવેન્દ્ર પટેલે ગામજનોને અને પોલીસને પણ જાણ કરી હતી અને ગણતરીના સમયમાં જ મોટી સંખ્યામાં લોકો સરપંચના ઘરની આજુબાજુ એકઠા થઈ ગયા હતા. અડધી રાત્રી એ કરવડ ગામમાં ચોર પોલીસ અને ગામ લોકો વચ્ચે ધીંગાણું થયું હતું અને 3 પોલીસ સહીત 4 ચોર ઘાયલ થયા હતા.
આરોપીઓએ થ્થર મારો અને લાકડાના ઘા કર્યો
ડુંગરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કરવડ ગામમાં મધરાત્રીએ લૂંટારુ ત્રાટકતા પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ તમામ બાજુથી લોકો અને પોલીસે ધાડપાડુઓનો ઘેરો કરી તેમને પકડવાના પ્રયાસ કર્યા હતા. આથી દોડધામ મચી ગઈ હતી. ભાગતા આરોપીઓએ પોલીસ ટીમ અને ગામ લોકો પર પથ્થર મારો અને લાકડાના ઘા કર્યો હતા. જોકે ગણતરીના સમયમાં જ પોલીસ અને સ્થાનિક લોકોએ 6માંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો આ ધાડના અન્ય 3 માસ્ટર સહીત કુલ 9 લોકોની ધરપકડ કરી લીધી હતી.
આરોપીઓનો મોટો ગુનાહિત ભૂતકાળ
મહત્વપૂર્ણ છે કે ત્રણ મહિના અગાઉ પણ દેવેન્દ્ર પટેલના ત્યાં અડધી રાત્રે ધાડપાડુ ત્રાટક્યા હતા. એ વખતે પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ત્રણ મહિના અગાઉ આરોપીઓ સરપંચના ઘરથી 1 કિલો ચાંદી ચોરી અને ફરાર થઈ ગયા હતા. જોકે આ વખતે આરોપીઓ ને ઝડપી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. વલસાડના જ ગુનાહિત ભૂતકાળ ધરાવતા બાબુ વજીરભાઈ પટેલનું નામ ખુલ્યું હતું. બાબુએ વલસાડ પોલીસ સમક્ષ કબૂલ કર્યું કે તેઓએ દાહોદની ધાડપાડુ ગેંગના સભ્યોને આ ધાડ માટે બોલાવ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલા તમામ આરોપીઓનો મોટો ગુનાહિત ભૂતકાળ છે. વલસાડ જિલ્લા ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અનેક ગુનાઓમાં પોલીસના ચોપડે તેમના કારનામા નોંધાઈ ચૂક્યા હોવાનું પણ બહાર આવ્યું છે.
AAP નેતાઓએ રચ્યું કાવતરું
દાહોદની આ ધાડપાડુ ગેંગને લૂંટ અને ધાડમાં મોટી રકમ મળશે તેવી લાલચ આપી વલસાડના જ 2 રાજકીય અગ્રણીઓએ તેમને અહીં ધાડ પાડવા માટે બોલાવ્યા હતા. ભાજપના અગ્રણીના ઘરે ધાડપાડુ ગેંગને અન્ય કોઈ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ હોવાનો ખુલાસો થયો છે. આ ધાડના માસ્ટરમાઈન્ડ કેતન પટેલ આપ પાર્ટીના પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી અને વર્ષ 2022માં વલસાડની પારડી વિધાનસભા બેઠક પર ધારાસભ્યની ચૂંટણી લડી ચુક્યો છે. તો પ્રદીપ રાઠોડ પણ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી ના પદ ધરાવે છે.
સરપંચના ત્યાંથી એક કિલો ચાંદીની લૂંટ કરી
આમ આદમી પાર્ટીના અગ્રણીઓની ભાજપના અગ્રણીના ત્યાં ધાડ પાડવાના ષડયંત્રમાં નામ બહાર આવતા જ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કરવડ ગ્રામ ના સરપંચ અને ભાજપના અગ્રણી દેવેન્દ્ર પટેલના ઘરે ફેબ્રુઆરી માસમાં પણ રાત્રે ધાર પાડુ ટોળકી ત્રાટકી હતી. તે વખતે સરપંચના ત્યાંથી એક કિલો ચાંદીની લૂંટ કરી અને ફરાર થઈ ગયા હતા. આ વખતે પણ ધાડ પાડવા આવેલા આ ગેંગ ને ગામ લોકો ના પ્રતિકાર ને કારણે મોટી ધાડનો ગુન્હો બનતા અટકી ગયો છે.
રાજકારણમાં ખળભળાટ મચી ગયો
એ જાણવું પણ મહત્વ નું છે કે કેતન પટેલ અગાઉ ભાજપ ના અગ્રણી હતા અને સરપંચના પરમ મિત્ર હતા. ત્યારે ભાજપ છોડી આપ પાર્ટીમાં જોડાયેલ કેતન પટેલ દ્વારા જ મિત્રના ઘરે લૂંટનું કાવતરું ઘડી મિત્ર વિરુદ્ધ ષડયંત્ર કરી મિત્રતાને લજવી છે. ત્યારે ભાજપના આગ્રણીના ઘરે ધાડના ષડયંત્રમાં વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને આપના અગ્રણીઓનું નામ બહાર આવતા જ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.