અમદાવાદ રેલવે સ્ટેશન પરથી 12 કિલો ગાંજા સાથે પકડાયો દિલ્હીનો શખ્સ
- પોલીસને મળેલી બાતમી આધારે વોચ ગોઠવવામાં આવી હતી
- અમદાવાદ રેલવે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી
મૌલિક ધામેચા/અમદાવાદ :કોરોના કાળ બાદ ધીરે ધીરે રેલવે તંત્ર દ્વારા અનેક ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી છે. જોકે યુવાધનને નશીલા પદાર્થોના રવાડે ચઢાવનાર શખ્સોએ પોતાનો રસ્તો નથી બદલ્યો. હજી પણ ટ્રેન, બસ કે ખાનગી વાહનોમાં નશાકારક પદાર્થની હેરાફેરી કરવામાં આવી રહી છે. આવા જ એક શખ્સને અમદાવાદ રેલવે સ્ટેશન પરથી રેલવે SOG પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે. જેના પાસેથી 12 કિલો 374 ગ્રામ જેટલો ગાંજો કબજે કર્યો છે.
આ પણ વાંચો : કોણ છે આ સુરેન્દ્ર કાકા, જેમને મહિલાએ ફોન પર કહ્યું, ‘હું કંઈ પથારી ગરમ કરવાવાળી નથી...’
પોલીસને મળેલી બાતમી આધારે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6-7 પરથી કાલુપુર યાર્ડ તરફ એક શખ્સ પોતાની સાથેના થેલામાં શંકાસ્પદ ચીજવસ્તુ લઈ જતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે પૂછપરછ કરી હતી. આ દરમિયાન યુવકના થેલામાંથી ગાંજાના અલગ-અલગ પેકેટ મળી આવ્યા હતા. રેલવે એસઓજીની ટીમે આરોપી રાજા સોની નામના શખ્સની ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૂળ દિલ્હીનો રહેવાસી રાજા સોની હોવાનું સામે આવ્યું. અને હાલમાં અમદાવાદમાં રહેતો હતો. જોકે આ ગાંજો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે બાબતે હવે પોલીસ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો : PAAS ના નેતાઓએ કોંગ્રેસ સામે બંડ પોકાર્યો, પણ હાર્દિક પટેલ કેમ ચૂપ છે?
હાલ તો અમદાવાદ રેલવે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે ગુજરાતને નશાના રવાડે ચડાવી આર્થિક રીતે બરબાદ કરવાના ઈરાદે પ્રતિબંધિત નશાનો વેપલો ચલાવાઈ રહ્યો છે. જો કે પોલીસની સતર્કતાને પગલે અનેક આવા આરોપીઓને પોલીસ ઝડપી કાયદેસર કાર્યવાહી કરે છે. હાલ પકડાયેલા આરોપી રાજા સોની પાસેથી 1.23 લાખનો ગાંજો, મોબાઈલ, રોકડ રકમ સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : કોંગ્રેસ vs પાટીદારની લડાઈ આરપારની બની, સુરતમાં મોડી રાત્રે PAASની બેઠકમાં કંઈક મોટું રંધાયું