અમદાવાદઃ આખરે ગુજરાતમાં મેઘરાજાએ ધીમા પગલે પધરામણી કરી દીધી છે. આજે રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સુરત, વડોદરા, રાજકોટ, નર્મદા, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોટાદના રાણપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. એક કલાકમાં એક ઈંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના આગમનથી રાણપુરમાં ઠંડક પ્રસરી અને ઠંડકનો અહેસાસ થતા લોકો ખુશ ખુસાલ થઈ ગયા હતા.


અમરેલીના સાવરકુંડલામાં પણ મેઘરાજાએ દેખા દીધી હતી. સમગ્ર પંથકમાં ધીરી ધારે વરસાદના આગમથી લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. 


વડોદરામાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. જેમાં શહેરના આજવા, વાઘોડિયા રોડ, કારેલીબાગ, ફતેહગંજ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. તો ભાવનગર જિલ્લાના ગારિયાધરમાં ધોધમાર વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી તો ખેડૂતોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના જસદણ પંથકમાં પણ ઝરમર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી....


નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની અને ગરુડેશ્વર વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી. અસહ્ય ગરમી અનુભવતા લોકોએ વરસાદના કારણે ગરમીમાંથી રાહત મેળવી છે. ત્યારે વરસાદના કારણે ખેડૂતપુત્રોમાં પણ ખુશી ફેલાઈ છે.


સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ડાંગ જિલ્લામાં વઘઈ, આહવા અને સુબીરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. વલસાડમાં શહેરના મોગરાવાડી, પારડી, વાપીમાં અઢી ઈંચ વરસાદ પડતાં ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે.