રાજ્યમાં અમુક જગ્યાએ કમોસમી વરસાદ, રાજકોટ યાર્ડમાં મગફળી પલળી ગઈ
આજે સાંજના સમયે રાજકોટ તથા આસપાસના વિસ્તાર, અમરેલી જિલ્લાના બાબરા અને બનાસકાંઠાના થરાદમાં કમોસમી વરસાદ આવ્યો હતો. ફરી વરસાદ આપવાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદનો સિલસિલો બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. પહેલા ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ત્યારબાદ વાવાઝોડાની અસરને લીધે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ કારણે ખેડૂતોએ મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે રાજકોટ, અમરેલી અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં અચાનક સાંજ વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર લોધિકા તાલુકામાં પવન સાથે વરસાદ પડ્યો હતો. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસ માટે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજકોટમાં અચાનક આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મગફળી પલળી ગઈ હતી. માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં આવેલી મગફળીની આશરે 20 હજાર જેટલી ગુણી પલળી ગઈ હતી. યાર્ડની અંદર ખેડૂતોની મગફળી સાચવવા માટે સેડની વ્યવસ્થા નથી.
તો બીજીતરફ અમરેલી જિલ્લાના બાબરામાં પણ કમોસમી વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એકબાજુ ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં નુકસાની ભોગવી રહ્યાં છે તો ફરી કમોસમી વરસાદ થતાં ખેડૂતોએ વધુ નુકસાન સહન કરવું પડશે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ અને લાખણી પંથકમાં પણ કમોસમી વરસાદનું ઝાપટુ આવ્યું હતું. થરાદના જેતડાની આજુબાજુના વિસ્તારમાં સાંજે વરસાદ શરૂ થયો હતો. તો સતત આવી રહેલા વરસાદને કારણો લોકોમાં રોગચાળાની ભીતી પણ જોવા મળી રહી છે. બીજીતરફ ખેડૂતોની મુશ્કેલી દૂર થવાનું નામ લઈ રહી નથી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube