રાજ્યમાંથી ચોમાસું 15 સપ્ટેમ્બરે વિદાય લેશે, રાજ્યમાં 20 ટકા તો અમદાવાદમાં 50 ટકા વરસાદની ઘટ
સિઝનનો 468.2 મીમી વરસાદ નોંધાયો, સામાન્ય રીતે રાજ્યમાં 586.2 મીમી જેટલો વરસાદ નોંધાય છે, અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, કચ્છ જિલ્લાઓમાં 50 ટકાથી વધુ વરસાદની ઘટ
અમદાવાદઃ હાલમાં વરસાદ લાવે એવી કોઈ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે રાજ્યમાંથી 15 સપ્ટેમ્બરે ચોમાસું વિધિવત વિદાય લે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આઠ વર્ષ બાદ રાજ્યમાં સિઝનનો સૌથી ઓછો 468.2 મીમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં સામાન્ય રીતે 586.2 જેટલો વરસાદ પડતો હોવાથી આ વર્ષે 20 ટકા ઓછો વરસાદ પડ્યો છે. આ અગાઉ વર્ષ 2009માં 649.4 મીમી અને 2012માં રાજ્યમાં 652 મીમી ઓછો વરસાદ પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સક્રિય થતું હોય છે. હવામાન ખાતાની વેબસાઈટ પ્રમાણે રાજ્યમાં 1 જુલાઈ, 2018થી 5 સપ્ટેમ્બર, 2018 સુધીમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ જિલ્લાવાર વરસાદની સ્થિતીનો ચિતાર અહીં રજૂ કર્યો છે.
60 ટકાથી વધુ વરસાદ ધરાવતા જિલ્લા
રાજ્યમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. આણંદ 84, ભરૂચ 91, ડાંગ 75, નવસારી 77, સુરત 83, અમરેલી 89, ગીર-સોમનાથ 75, જૂનાગઢ 85, વલસાડ 80 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
50 ટકાથી વધુ ઘટ ધરાવતા જિલ્લા
અમદાવાદ સહિત રાજ્યના 6 જિલ્લાઓમાં 50 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં 50 ટકા, મહેસાણા, ગાંધીનગર 53, બનાસકાંઠા 57, પાટણ 60 અને કચ્છ 59 ટકા સાથે સૌથી વધુ ઘટ ધરાવતા જિલ્લા છે.
માં 49 ટકા વરસાદની ઘટ છે.
20થી 50 ટકા ઘટ ધરાવતા જિલ્લા
રાજ્યના 14થી વધુ જિલ્લામાં 20થી 50 ટકા જેટલી વરસાદની ઘટ નોંધાઈ છે. ટકામાં જોઈએ તો અરવલ્લી 17, છોટા ઉદેપુર 18, દાહોદ 31, દમણ 11, ખેડા 21, મહિસાગર 22, નર્મદા 31, પંચમહાલ 12, સાબરકાંઠા 34, તાપી 15, વડોદરા 35, ભાવનગર 10, બોટાદ 10, દેવભૂમી દ્વારકા 39, જામનગર 25, મોરબી 48, પોરબંદર 25, રાજકોટ 27 અને સુરેન્દ્રનગરમાં 44 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી દિવસો દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો કયાંક હળવો વરસાદ પડી શકે છે. હવે વરસાદ લાવે તેવી કોઇ લો-પ્રેશરની સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 15 સપ્ટેમ્બર બાદ ચોમાસું રાજ્યમાંથી વિદાય લે તેવી શક્યતા છે.