અમદાવાદઃ રાજ્યમાં આજે શનિવારે અનેક શહેરોમાં ક્યાંક તોફાની તો ક્યાંક મધ્યમ વરસાદ પડ્યો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ અને ઉકળાટનો માહોલ રહ્યા બાદ સાંજે અનેક વિસ્તારોમાં વરસાદ તુટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યના છોટા ઉદેપુર, દાહોદ, અરવલ્લી, પંચમહાલ, અંબાજી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ગોધરા સહિતના અનેક શહેરોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં સરેરાશ અડધોથી એક ઈંચ જેટલો વરસાદ વિવિધ વિસ્તારોમાં પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિશા રાજ્યના સમુદ્રી કિનારે શુક્રવારે 'દાય' નામનું એક વાવાઝોડું ત્રાટક્યું હતું. તેના કારણે દેશના અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. શનિવારે ગુજરાતમાં પણ આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દિવસભર ઉકળાટભર્યા માહોલ બાદ સાંજ પડતાં જ રાજ્યના અનેક શહેરોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. કેટલાક વિસ્તારોમાં તો સવારથી જ ધીમી-ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. 


રાજ્યની રાજધાની ગાંધીનગર અને દહેગામમાં સાંજે 5 કલાકે મેઘરાજાનું આગમન થયું હતું. તોફાની પવન અને ગાજવીજ સાથે ધીમી-ધારે શરૂ થયેલા વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગાંધીનગરમાં દોઢ કલાકમાં લગભગ એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. 


[[{"fid":"183364","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


અમદાવાદ શહેરમાં મોડી સાંજે ઓફિસ છુટવાના સમયે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. શહેરના ઘાટલોડીયા, મેમનગર, એસજી હાઈવે, પ્રહલાદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, સોલા, બોપલ, ઘુમા, થલતેજ, પાલડી, વાસણા, બાપુનગર, ઓઢવ, શાહીબાગ, દરિયાપુર, નારણપુરા, સરખેજ, લાલ દરવાજા, ચાંદખેડા, વૈષ્ણોદેવી, વસ્ત્રાપુર, ઈસનપુર, વટવા, જશોદાનગર સહિતના લગભગ તમામ વિસ્તારમાં વરસાદ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડ્યો હતો. દિવસ દરમિયાન રહેલા ઉકળાટભર્યા વાતાવરણ બાદ વરસાદ પડતાં શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.


અમદાવાદમાં અચાનક પડેલા ધોધમાર વરસાદને કારણે 10થી વધુ જગ્યાએ ઝાડ પડવાના બનાવ પણ નોંધાયા હતા. શહેરના અમરાઈવાડીમાં એએમટીએસ બસ નંબર-77 પર વાવાઝોડા સાથે ઝાડ પડતાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે મણિનગરની એલજી હોસ્પિટલની જુનિ બિલ્ડિંગના ગેસ પાસે વિશાળ ઝાડ પડતાં સરકારી નર્સિંગ સ્ટાફની બસ સહિત વાહનો દબાઈ ગયા હતા. 


ઓફિસ છુટવાના સમયે જ અચાનક શરૂ થયેલા વરસાદને કારણે અમદાવાદમાં અનેક સ્થળે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે પણ લોકોને ઘરે જતા સમયે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 


અંબાજીમાં પણ મોડી સાંજે અચાનક શરૂ થઈ ગયેલા વરસાદને કારણે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ વરસાદમાં ભીંજાઈ ગયા હતા. પદયાત્રીઓ પ્લાસ્ટિક ઢાંકીને પણ પોતાની પગપાળા યાત્રા ચાલુ રાખી હતી. અંબાજી મંદિર પરિસરમાં પણ વરસાદને કારણે શ્રદ્ધાળુઓએ દોડાદોડ કરી મુકી હતી.