અમદાવાદમાં મેઘો ભુક્કા કાઢશે! આ વિસ્તારોમાં સમીસાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન
શિવરંજની, વસ્ત્રાપુર, સેટેલાઈટ, વેજલપુર, જીવરાજપાર્ક, વાસણા, ઘાટલોડિયા, રાણીપ, શાસ્ત્રીનગર, વાડજ, કૃષ્ણનગર, ઈસનપુર, મણિનગરમાં વરસાદ પડ્યો હતો. એકાએક વરસાદ પડવાનો શરૂ થતા વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી.
Gujarat Rains: ગુજરાતની સાથે અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. એકાએક અંધારપટ છવાયો છે. અમદાવાદમાં આકાશમાં ચારેતરફ કાળાડિંબાગ વાદળોએ જમાવટ કરી છે. ત્યારે સવાર બાદ બપોરે થોડો સમય ખૈમેયા કર્યા બાદ સમીસાંજે ફરી વરસાદી માહોલ છવાયો હતો. અમદાવાદનાં અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેધાનું આગમન થયું હતું. જેમાં શિવરંજની, વસ્ત્રાપુર, સેટેલાઈટ, વેજલપુર, જીવરાજપાર્ક, વાસણા, ઘાટલોડિયા, રાણીપ, શાસ્ત્રીનગર, વાડજ, કૃષ્ણનગર, ઈસનપુર, મણિનગરમાં વરસાદ પડ્યો હતો. એકાએક વરસાદ પડવાનો શરૂ થતા વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી.
લગ્ન પ્રસંગમાં વરસાદ વિઘ્ન બન્યો
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે અમદાવાદ અને રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. લગ્ન પ્રસંગમાં વરસાદ વિઘ્ન બન્યો છે. હાલ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદના કારણે લગ્ન વિધિ ખોરવાઈ ગઈ છે. તો ક્યાંક ઝડપી વિધિ પતાવવામાં આવી છે. તો ક્યાંક કેટલીક વિધિઓને છોડવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. અમદાવાદમાં સુભાષ બ્રિજમાં કેશવ નગર ખાતે એક લગ્ન પ્રસંગમાં હાલાકી સર્જાઈ છે. ભટ્ટ પરિવાર માટે વરસાદ વિઘ્ન બન્યો છે. કેશવ નગર સહિત અમદાવાદમાં અનેક જગ્યા પર ઇવેન્ટ મેનેજર વરસાદના કારણે પરેશાન થયા હોવાના સમાચાર છે. જેના કારણે ચાલુ વરસાદે લગ્ન વિધિ કરવી પડી છે. વરસાદ વિઘ્ન બનતા ઇવેન્ટ ધારકો તેમજ પ્રસંગ કરનાર લોકો પરેશાન થઈ ચૂક્યા છે. વરસાદના કારણે લોકોએ વિધિ માટે સ્થળ પણ બદલવા પડ્યા છે. સમૂહલગ્નમાં પણ વરસાદ વિલન બન્યો છે.
દરિયાકાંઠે માછીમારોની ચેતવણી
દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોની ચેતવણી આપવામાં આવી છે. પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે વ્યાપક વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ છે. તેથી માછીમારોને હાલ દરિયાકાંઠે ન જવા અપીલ કરાઈ છે. સમગ્ર ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે વરસાદને લઈ લોકો ચિંતામાં મુકાયા છે કે સ્વેટર પહેરવુ કે રેઈનકોટ કારણ કે વરસાદ પડે ત્યારે વરસાદથી બચવા લોકો રેઈનકોટ પહેરે છે. તો જ્યારે વરસાદ બંધ થયા તો ઠંડા પવનથી બચવા લોકો સ્વેટર પહેરે છે. ત્યારે ડબલ ઋતુને લઈ લોકો વિમાસણમાં મુકાયા છે.
કયા કયા જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ આપ્યા છે. કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ સહીત તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં પણ યેલો અલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, બોટાદ, ભાવનગરમાં પણ યેલો અલર્ટ અપાયું છે.