દિનેશ ચંદ્રવાડીયા, ઉપલેટા: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઈસરા ગામે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ભાદર - ૧ અને ૨ તથા મોજ ડેમના દરવાજાઓ મોટા પ્રમાણમાં ખોલી નાખવામાં આવેલા જેને લઇને ભાદર નદીના કાંઠા વિસ્તારના ઈસરા ગામે પાણીના પુર ફરી વળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી, કપાસ, એરંડા, સોયાબીન અને તુવેર જેવા પાકોનું સદંતર ધોવાણ થયું હતું. આ બધા પાકોમાં ૭૫ % મગફળીનું વાવેતર થયેલ હતું. ૪૫૦ એકર જેટલા જમીનમાં વાવેતર કરેલ કપાસ, એરંડા, મગફળી વગેરે ઉપર ભાદર નદીના પાણીના પુર ફરી વળતા મગફળી જમીનમાંથી બહાર આવી ગઈ હતી. 


બે બે વખત વાવેતર કર્યા બાદ પણ ખેડૂતની હાલત દયનીય થઈ ગઈ છે. ખેડૂતોને ગયા વર્ષનો પણ પાક વીમો પણ મળેલ ન હોય તેમજ આ વર્ષે પણ સર્વે કરી ગયા બાદ પણ કોઈ પાક વિમાની કામગીરી હાથ ધરવામાં આવી નથી જેને લઇને પણ ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો. દોઢ માસ અગાઉ પણ ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, મગફળી અને એરંડા જેવા પાકોને નુકસાન થઈ ચૂક્યું છે, ખેતરમાં માટી ના ધોવાણ થઈ ગયા છે. 


વાવેતર કરેલા મોલની નુકશાની ને પહોંચી વળાય પરંતુ ખેતરમાં માટીનું ધોવાણ થયેલ છે તેનો ખર્ચનો અંદાજ આંકી શકાય તેમ નથી. જ્યારે હાલ ફરીથી નુકસાન થતા ધરતીપુત્રો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કુદરતના પ્રકોપ સામે લાચાર જગતાત સરકાર પાસે હાથ લંબાવી આશા સેવી રહ્યા છે કે સરકાર તરફથી કોઈ સહાય મળે. 


કારણકે સરકારની ગાઈડ લાઈન મુજબ નુકશાનીના સર્વેની કામગીરી કરતી ટીમો જ્યાં નુકસાન ઓછું છે ત્યાં સરવે કરવા જાય છે. પરંતુ જ્યાં વધારે નુકસાની તેમજ હાલમાં પણ ખેતરોમાં પાણી ભરેલા હોય ત્યાં જતી નથી. જેને લઇને પણ સર્વે કરતી ટીમોની કામગીરી પણ શંકા ઉપજાવે છે અને વીમા કંપનીઓને ફાયદો કરાવવા માટેના પ્રયાસ અને ખેડૂતોને લોલીપોપ આપી રહી હોય એવું ખેડૂતોને લાગી રહ્યું છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube