રાજકોટમાં ફરી એકવાર નેતાઓ જ સરકારની કોવિડ ગાઇડલાઈન ભૂલ્યા
- રાજકોટ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીઓનો અભિવાદન સમારોહ યોજાયો
- સ્ટેજ પર જ ઢગલાબંધ નેતાઓ ભીડ કરીને બેસ્યા, તો કેટલાક માસ્ક પહેર્યા વગરના જોવા મળ્યાં
રક્ષિત પંડ્યા/રાજકોટ :કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરનારાઓ પર કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ છે. આ નિયમો જાહેર જનતા માટે બનાવવામાં આવ્યો છે, જેથી તેઓ સંયમમાં રહીને ઉજવણી કરે. પણ નેતાઓને આવો કોઈ નિયમ લાગુ પડતો નથી. નેતાઓ માટે કોરોનાની કોઈ ગાઈડલાઈન લાગુ પડતી નથી. તેથી જ તેઓ બિન્દાસ્તપણે કાર્યક્રમો યોજે છે. ભીડ ભેગી કરે છે. ત્યારે રાજકોટમાં ફરી એક વખત નેતાઓ જ સરકારે આપેલ કોવિડ ગાઇડલાઈન ભૂલ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે.
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામે નેતાઓ કોવિડ ગાઇડલાઈન ભૂલીને ભીડ ભેગી કરતા દેખાયા. લગ્ન પ્રસંગ અને માઠા પ્રસંગે મર્યાદિત લોકો એકઠા થઇ શકે છે. જ્યારે ભાજપના અભિવાદન કાર્યક્રમમાં કોઇ મર્યાદા હોતી નથી. રાજકોટ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો. અભિવાદન સમારોહમાં 200 થી વધુ લોકો એકઠા થયા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ તો જવા દો, અહી તો નેતાઓએ માસ્ક પહેરવાની પણ તકેદારી રાખી ન હતી. મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા ન હતા.
અભિવાદન સમારોહમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠીયા અને નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા, મહામંત્રી નાગદાન ચાવડા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, રાલો સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો સ્ટેજ પર ઉપસ્થિત હતા. સ્ટેજ પર પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાયું ન હતું. આ તમામ કાર્યક્રમો ગાંધીનગરની સૂચના મુજબ થાય છે, છતાં સરકાર કેવી રીતે આની મંજૂરી આપી શકે છે. જો સરકારને કાર્યવાહી કરવાનો હક છે, તો નાગરિકોને પણ સવાલ કરવાનો અધિકાર છે. અમરેલીમાં જો કાયદાનુ પાલન કરાવીને લીલા તોરણે જાન પરત મોકલાવી શકાય છે, તો પછી આવા નેતાઓ પર કેમ લગામ મૂકાતી નથી.