Rajkot News : રાજકોટ... રંગીલું શહેર.. ખંતીલુ અને ઉદ્યમી શહેર. આઝાદી પછી એક સમયે રાજકોટ સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર હતું. આજે ગુજરાત રાજ્યનું ચોથા ક્રમનું સૌથી મોટું શહેર છે. વ્યાપાર-ઉદ્યોગ-રાજકીય-સેવાકીય-ઈનોવેશનના ક્ષેત્રે અગ્રેસર છે. દેશના સ્માર્ટ સિટીઝમાં રાજકોટનો સમાવેશ થયેલો છે. દેશના બીજા ક્રમના સૌથી સ્વચ્છ શહેર (વર્ષ ૨૦૨૧) તેમજ વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસતા સાતમા શહેર (વર્ષ ૨૦૨૧) તરીકેનું બિરુદ પણ રાજકોટને મળી ચૂક્યું છે. ગુજરાત રાજ્ય ૧ મે ૨૦૨૩ના રોજ પોતાનો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આ નિમિત્તે રાજ્યની સ્થાપના સાથે રાજકોટ શહેર-જિલ્લાએ કરેલી અભૂતપૂર્વ વિકાસયાત્રાની ઝાંખી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની આઝાદીની ચળવળથી માંડીને ઔદ્યોગિક, આર્થિક અને સર્વાંગી વિકાસમાં રાજકોટનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. ૧ મે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. એ સમયે રાજકોટની ઓળખ પાણીની કાયમ અછત ધરાવતા પ્રદેશ તરીકેની હતી. ઘણીવાર દુષ્કાળ, અર્ધદુષ્કાળ પડતા. પીવાના પાણી માટે ટેન્કરો ચાલતા, લોકોને ભારે રઝળપાટ કરવી પડતી. જો કે હવે એ દ્રશ્યો ભૂતકાળ છે. વર્તમાન સમયમાં રાજકોટ જિલ્લાના આશરે ૬૦૦ ગામોના ૩.૧૦ લાખથી વધુ ઘરોમાં આજે નળ ચાલુ કરતાં જળ આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ અને અથાગ પ્રયત્નો તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારના પ્રજાલક્ષી પ્રશાસનના પરિણામે રાજકોટ આજે જળસમૃદ્ધ બન્યું છે. હવે તો રાજકોટ સિટીમાં મીટરથી પાણી આપવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. 


ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દુષ્કર્મ પીડિતાને મળશે મોટી રાહત


સન ૧૯૮૫-૮૭માં આકરા દુષ્કાળ પછી ૧૯૮૮માં વરસાદ વરસ્યો, ત્યારે કુવામાં વરસાદનું પાણી ભરીને, કુવા રિચાર્જની અને જળસંચયની પદ્ધતિની શરૂઆત પણ રાજકોટ જિલ્લાના ધોરાજીના ખેડૂતોએ જ કરી હતી. જેને જોવા માટે અન્ય રાજ્યોમાંથી અધિકારીઓ આવ્યા હતા. વર્ષ ૨૦૦૧માં રાજકોટમાંથી ચૂંટણી લડીને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી જળસંચયની પ્રવૃત્તિને સુજલામ સુફલામ અભિયાન થકી રાજ્યવ્યાપી બનાવી હતી અને વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ અમૃત સરોવરના નિર્માણ થકી જળસંચય અભિયાનને દેશવ્યાપી બનાવ્યું છે.


દેશની આઝાદીના સમયગાળામાં રાજકોટ શહેર પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાયેલું હતું અને શહેરમાં બે સુધરાઈ હતી. સન ૧૯૭૩માં બંને સુધરાઈને ભેળવીને રાજકોટ મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવી હતી. એ સમયે રાજકોટની વસતી ૩.૨૫ લાખ હતી. ક્ષેત્રફળ ૬૯.૫૪ કિલોમીટર હતું. પીવાના પાણીનો સ્રોત એકમાત્ર આજીડેમ હતો. એ સમયે ટેન્કરો ચાલતા હતા. સન ૧૯૭૭માં ન્યારી ડેમ બન્યો હતો. એ પછી રાજકોટ સતત વિકસતું રહ્યું છે.


બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : ધોરણ-12 ના પરિણામની તારીખ જાહેર


આજે રાજકોટ મહાનગરનું ક્ષેત્રફળ આશરે ૧૬૧. ૮૬ ચોરસ કિલોમીટર છે. શહેરની વસતી ૨૦૧૧માં ૧૩,૪૬,૧૯૨ હતી. આજે આ વસતી આશરે ૧૮ લાખથી વધુ થવા જઈ રહી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં બજેટનું કદ રૂપિયા ૨૬૩૭.૮૦ કરોડ થયું છે. આજે રાજકોટ મહાનગરનું રોડ નેટવર્ક ૨૨૮૧ કિલોમીટર જેટલું છે. શહેરમાં ૮૦ જેટલી પ્રાથમિક શાળાઓ છે, મ.ન.પા. હસ્તક ૦૬ હાઇસ્કૂલ છે, ૧૫૮ જેટલા બગીચાઓ છે, નવ સ્પોર્ટસ્ ગ્રાઉન્ડ છે, ૦૬ જીમ્નેશિયમ છે, ૧૧ ઓવરબ્રિજ અને ૩ અન્ડરબ્રિજ શહેરના ગતિશીલ વિકાસની સાક્ષી પૂરે છે. શહેરમાં પીવાના પાણીના સ્રોત માટે આજી-૧, ન્યારી-૧, ભાદર-૧ ડેમ તેમજ નર્મદાના જળ ઉપલબ્ધ છે.   


રાજકોટમાં ૧૩૭ એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલું પ્રદ્યુમન પાર્ક ઝૂ છે. ૪૭ એકરમાં ફેલાયેલું રામ વન અર્બન ફોરેસ્ટ છે. જેમાં ૬૦ હજાર વૃક્ષોનું વાવેતર કરાયું છે. મહાત્મા ગાંધીજીએ જ્યાં અભ્યાસ કર્યો હતો કે, એ આલ્ફ્રેડ હાઉસ્કૂલ આજે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તરીકે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.


ગુજરાતના ઘણા નેતાઓને હિન્દીના ફાંફા પણ કન્નડ ભાષામાં ઘડાધડ કરી રહ્યાં છે Tweet


ઔદ્યોગિક વિકાસમાં રાજકોટ પંથકની કામગીરી માર્ગદર્શકરૂપ રહી છે. ગુજરાત રાજ્ય બૃહદ મુંબઈ રાજ્યથી અલગ અસ્તિત્સવમાં આવ્યું, એ પહેલાંના સમયમાં રાજકોટ પંથકમાં મોટાભાગે કારીગર વર્ગ પરચૂરણ કામ કરતો હતો. સન ૧૯૪૧માં રાજકોટમાં પ્રથમ લંડન લેથ મશીન હંસરાજ વાલંભિયાએ વસાવ્યું હતું. એ પછી રાજકોટમાં ખીલીઓ બનવાનું શરૂ થયું. બાદ નેશનલ વાયરે ખીલીઓના મશીન બનાવવાનું શરૂ કર્યું અને તેની વિદેશમાં નિકાસ પણ શરૂ કરી. આજે પણ ખીલીઓના મશીનની નિકાસ થાય છે. સન ૧૯૫૨ના સમયગાળામાં એ સમયના સૌરાષ્ટ્ર રાજ્યમાં એશિયાનું પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (ઔદ્યોગિક વસાહત-ઉદ્યોગનગર) ભક્તિનગરમાં સ્થપાયું હતું. ૧૯૫૪માં રાજકોટના ઉદ્યોગકારોએ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સમક્ષ સ્વયંભૂ બિઝનેસ એક્ઝિબિશન ગોઠવ્યું હતું. એ પછી ઉમાકાંત પંડિતના સૂચનથી રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનની સ્થાપના થઈ હતી. સન ૧૯૭૮માં રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સ્થાપના થઈ હતી. ડિઝલ એન્જિન, છકડો રિક્ષા સહિત અનેક મશીનરીઝ રાજકોટની ભેટ છે.


આજે રાજકોટ જિલ્લામાં ૧૪ જેટલી જીઆઈડીસી છે. નાગલપરમાં રૂ. ૪૪૬ કરોડના રોકાણ સાથે નવો મેડિકલ ડિવાઈસ પાર્ક બનવા જઈ રહ્યો છે. ખીરસરા-૨ જીઆઈડીસી રૂ. ૧૩૧ કરોડના રોકાણ અને પીપરડીમાં પણ રૂ. ૯૫ કરોડના રોકાણ સાથે નવી જીઆઈડીસી બનશે. આ જી.આઈ.ડી.સી.ના ખાતમુહૂર્ત થઈ ચૂક્યા છે. છાપરામાં એક નવી ઔદ્યોગિક વસાહત આકાર લેશે. 


ચૂપચાપ મૂંગા રહેજો : રાહુલ ગાંધી પછી કેજરીવાલ અને તેજસ્વીની મુશ્કેલીઓ વધશે?


ઉપરાંત ગોંડલ પાસે ૨૦૦ કરોડના ખર્ચે ટેક્નોલોજી હબ સેન્ટર બનાવવામાં આવશે.  જિલ્લાના ગઢકા ગામમાં ૫૦૦ કરોડના ખર્ચે અમૂલ ડેરીનો પ્લાન્ટ સ્થાપવાનું ખાતમુહૂર્ત કરાયું છે. રાજકોટ પાસે હિરાસરમાં આંતર રાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટ બની રહ્યું છે. જ્યાં દુનિયાભરના પ્લેન ઉતરાણ કરશે. 


રાજકોટ જિલ્લાના વિકાસમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો ફાળો મહત્ત્વનો છે. સન ૨૦૦૫-૦૬માં રાજકોટમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના ૩૨,૪૬૧ યુનિટ હતા. જ્યારે ૨૦૧૦માં મધ્યમ અને મોટા ઉદ્યોગોના આશરે ૧૪૮૦ યુનિટ હતા. વર્તમાન સમયમાં રાજકોટ જિલ્લામાં ૧,૦૯,૦૨૯ સુક્ષ્મ (માઇક્રો) ઉદ્યોગો, ૪,૩૨૫ લઘુ (સ્મોલ સ્કેલ) ઉદ્યોગો અને ૪૧૬ મધ્યમ (મીડિયમ સ્કેલ) ઉદ્યોગો છે. આ બધા ઉદ્યોગોમાં આશરે સાત લાખથી પણ વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી મળતી હોવાનો અંદાજ ઔદ્યોગિક એસોસિએશનના જાણકારોએ વ્યક્ત કર્યો છે. 
આજે રાજકોટની વિવિધ જી.આઈ.ડી.સી.માં આવેલા કારખાનાઓમાં સામાન્ય સ્ક્રૂથી લઈને વિવિધ ઓટોપાર્ટસ, મશીન ટુલ્સ, વૈભવી કારના લાઇનર્સ, એરોપ્લેન, ટેન્ક, ગન્સ, ફાઇટર પ્લેન વગેરે ડિફેન્સ ઇક્વિપમેન્ટસ તેમજ સ્પેસમાં જતા રોકેટ્સના પાર્ટસનું ઉત્પાદન થઈ રહ્યું છે. 


ગુજરાતમાં ખેત મજૂરી કરવી નર્ક સમાન : આખો દી માટીમાં કામ કરવાના મળે છે આટલા રૂપિયા


શિક્ષણ ક્ષેત્રમાં રાજકોટની આગેકૂચ અવિરત રહી છે. રાજવીઓના સંતાનો જ્યાં અભ્યાસ કરતા એ રાજકુમાર કોલેજથી લઈને જિલ્લામાં ૧૦૦ વર્ષ જૂની હોય તેવી આઠ હાઈસ્કૂલ આજે પણ કાર્યરત છે. ગુજરાત રાજ્યની સ્થાપના પછી રાજકોટ જિલ્લામાં (સન ૧૯૬૧થી ૧૯૭૦) ૬૩ હાઈસ્કૂલ હતી. આજે જિલ્લામાં ૯૨૮ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. જ્યારે ૨૦૭૪થી વધુ પ્રાથમિક શાળાઓ છે. 


રાજકોટના સોના-ચાંદીના દાગીના વર્ષોથી વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે. અહીં નાની બાળકીના નાક-કાનની ચૂંક(વાળી)થી લઈને બોલીવૂડની ખ્યાતનામ હસ્તિઓ તેમજ-રજવાડી-વીઆઈપીઓના દાગીનાથી લઈને મંદિરોમાં બિરાજમાન ભગવાનના મુગુટ સહિતના આભૂષણોનું ઉત્પાદન થાય છે. રાજકોટના સોનીબજારના વેપારી સૂત્રોના મતે, શહેરમાં રોજના સરેરાશ ૮૦થી ૧૨૫ કિલો જેટલા સોના તેમજ સરેરાશ ૩થી ૬ હજાર કિલો ચાંદી (સિઝન અને જરૂરિયાત મુજબ)નું કામ થાય છે. સોનાના દાગીનાની ઘડામણ, રિપેરિંગ વગેરેમાં ગુજરાતી-બંગાળીઓ મળીને દોઢ લાખ કારીગરો તેમજ ચાંદી કામમાં પણ સવાથી દોઢ લાખ કારીગરો રોજગારી મેળવે છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં સૌ પ્રથમ જ્વેલરી કોમન ફેસેલિટી સેન્ટરનું, ૧૩ મે ૨૦૨૨ના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 


ગુજરાતના સ્થાપના દિન કાર્યક્રમમાં મુખ્યમંત્રી નહિ રહે હાજર, આ છે કારણ


ઈમિટેશન ક્ષેત્રે રાજકોટ માત્ર દેશનું જ નહીં, એશિયાનું સૌથી મોટું ઇમિટેશન જ્વેલરી ઉત્પાદક મનાય છે. અહીં ઇમિટેશન જ્વેલરીના આશરે ૧૫ હજાર જેટલા નાના-મોટા જથ્થાબંધ ઉત્પાદન એકમો આવેલા છે. જે આશરે ચારથી પાંચ લાખ લોકોને રોજગારી આપે છે. જેમાંથી મોટાભાગની મહિલા કારીગરો છે. ઇમિટેશન જ્વેલરી ઉત્પાદકોના મતે, રાજકોટનું ઇમિટેશન માર્કેટ વર્ષે  આશરે પાંચ હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવે છે, આશરે રૂપિયા ૪૦૦ કરોડની નિકાસ થાય છે. બોલિવૂડની સિરિયલોમાં જોવા મળતી ઇમિટેશન જ્વેલરીમાં ૭૦ ટકા જ્વેલરી રાજકોટ પૂરી પાડે છે.


રાજકોટની વાત હોય અને ખાણીપીણી ના આવે એવું તો કેમ બને? રંગીલા રાજકોટવાસીઓ સ્વાદપ્રેમી છે. અહીં લોકોની ગુડ મોર્નિંગ વણેલા ગાંઠિયાથી થાય છે અને ગુડનાઈટ બરફના ગોલાથી. રાજકોટમાં રૂપિયા ૧૫થી લઈને રૂ.૧૨૦૦ સુધીની કિંમતના ગોલાઓ વેચાય છે. રાજકોટ દૂધના પેંડા માટે જગવિખ્યાત છે અને અહીંની ચીક્કી પણ પ્રખ્યાત છે. ચિક્કી ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે, સિઝન દરમિયાન રાજકોટમાં આશરે ૭૦થી ૮૦ લાખ કિલો ચિક્કી (આશરે રૂપિયા ૭૦થી ૮૦ કરોડ)નું ઉત્પાદન થાય છે. રાજકોટમાં આશરે ૭૦થી ૮૦ યુનિટ છે, જે ચિક્કીનું ઉત્પાદન કરે છે અને પ્રત્યક્ષ ૮૦૦થી ૧૦૦૦ લોકો અને પરોક્ષ ૮થી ૧૦ હજાર લોકોને આ ક્ષેત્રે રોજગારી મળે છે. આ ઉપરાંત રાજકોટની બટેટાની વેફર-ચટણી પણ જાણીતા છે.  


પાટીદાર સમાજે લગ્નનો જૂનો રિવાજ બદલ્યો, હવે કુંડળીને બદલે નવુ મેચ મેકિંગ કરશે  
   
ગુજરાતની સ્થાપના ૧-મે-૧૯૬૦થી લઈને આજ સુધીના ૬૩ વર્ષના સમયગાળામાં રાજકોટે વિવિધ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે અને હજુ પણ આ વિકાસયાત્રા અવિરત ચાલુ છે. હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ખંઢેરી નજીક નિર્માણ પામી રહેલી એઈમ્સ તેમજ આગામી સમયમાં શરૂ થનારી ઔદ્યોગિક વસાહતો, વિવિધ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક્સ રાજકોટને દુનિયાના ટોચના શહેરોની હરોળમાં મુકી દેશે.