ચૂંટણીની તડામાર તૈયારી વચ્ચે રાજકોટમાં મતદાન મથકોએ પહોંચી રહ્યાં છે EVM
- અત્યાર સુધી સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલા EVM ને તમામ મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યાં છે
- રાજકોટ જિલ્લાના 1146 મતદાન બુથ પૈકી 396 જેટલા સંવેદનશીલ મતદાન કેન્દ્રો જાહેર કરાયા
જયેશ ભોજાની/રાજકોટ :6 મહાનગર પાલિકાની ચૂંટણી બાદ આવતીકાલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે મતદાનના એક દિવસ પૂર્વે EVM ડિસ્પેચ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવતીકાલે એટલે કે 28 ફેબ્રુઆરીને રવિવારના રોજ યોજાનાર છે. તેને લઈ વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે. શાંતિ પૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે તમામ મતદાન બૂથ પર EVM ની ફાળવણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદ : પતિને અલવિદાનો વીડિયો મોકલીને મહિલા સાબરમતી નદીમાં કૂદી
અત્યાર સુધી સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલા EVM ને તમામ મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યાં છે. રાજકોટ જિલ્લાના 1146 મતદાન બુથ પૈકી 396 જેટલા સંવેદનશીલ મતદાન કેન્દ્રો જાહેર કરાયા છે. ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CRPF અને પેરમિલટરીની ફોર્સના જવાનો પણ તૈનાત કરાયા છે.
રાજકોટ જિલ્લા પંચાયતની 36 અને 11 તાલુકા પંચાયતોની 202 બેઠક માટે 28 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. વ્યવસ્થાના ભાગ રૂપે ચૂંટણી માટે આવતીકાલે 8000થી વધુનો ચૂંટણી સ્ટાફ મતદાન મથકનો હવાલો સાંભળશે. 658 જેટલી બિલ્ડીંગમાં મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં ચૂંટણી માટે 3000 સુરક્ષા જવાનોને બંદોબસ્તમાં તૈનાત કરાયા છે. રાજકોટ જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા 9, 41,457 છે. જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે કે, 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે 586 ઉમેદવારો મેદાને છે.