Rajkot News ગૌરવ દવે/રાજકોટ : રાજકોટમાં આઠ દિવસ પહેલા વ્યાજખોરના ત્રાસથી સોની પરિવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે દિવસ અગાઉ પુત્ર અને માતાનું મોત બાદ આજે  પિતાનું પણ મોત નિપજ્યું છે. પરિવાર દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે વ્યાજખોરોએ પોલીસ ફરિયાદ પાછી ખેંચી લીધી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના મિલાપ નગરમાં રહેતા અને ઝેરોક્ષની દુકાન ચલાવતા કિર્તીભાઇ ધોળકિયાએ આઠ દિવસ પેહલા તેમના પત્ની માધુરીબેન અને પુત્ર ધવલ આમ આખા પરિવારે વ્યાજખોરોના ત્રાસના લીધે ઝેરી દવા પીધી હતી. ત્યારબાદ સારવાર અર્થે ધોળકિયા પરિવારના ત્રણેય સભ્યોને હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન સૌપ્રથમ પુત્ર ધવલનું મોત નિપજ્યું હતું. અને ઘટનાના બે દિવસ બાદ માતાનું મોત નીપજ્યું હતું. તો આજે પિતા કિર્તીભાઇએ પણ દમ તોડ્યો હતો. આમ એક જ પરિવારના 3 લોકોના મોતને કારણે ધોળકિયા પરિવારમાં માતમ છવાયો છે. 


આ પણ વાંચો : ચૂંટણીનો માહોલ જામતો નથી, નેતાઓની સભામાં ખુરશીઓ ખાલી... અમે શોધી કાઢ્યું આનું કારણ


ઉલેખનીય છે કે, સમગ્ર ઘટના અંગે પોલીસે 4 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી બે વ્યાજખોરોની ધરપકડ કરી છે. પરંતુ હજુ પણ બે વ્યાજખોરો ફરાર છે. ત્યારે મૃતક કિર્તીભાઇના નાનાભાઈ તુષાર ધોળકિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પુત્ર ધવલના મોતનું કારણ વ્યાજખોર આરોપી ધવલ મુધવાના પિતા છે. કારણ કે ધોળકિયા પરિવારની સારવાર ચાલી રહી હતી તે દરમ્યાન આરોપી ધવલ મુધવાના પિતા મૃતક પુત્ર ધવલ પાસે આવ્યા હતા અને તેમને પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા ડરાવ્યો હતો. આ ડરના કારણે ધવલનું મોત નિપજ્યા હોવાનો આક્ષેપ પરિવારે કર્યો છે. ત્યારે આ મામલે પોલીસે સીસીટીવી પણ તપાસ્યા હતા. પરંતુ સીસીટીવીમાં મૃતક ધવલનો બેડ ના હોવાનું પોલીસે જણાવ્યું હોવાનું પરિવારે કહ્યું હતું.


સમગ્ર ઘટનામાં પોલીસ પણ આંખ મિચોલી રમતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. કારણ કે પરિવારનાં ત્રણેય સભ્યોમાંથી પુત્ર ધવલની તબિયત સ્વસ્થ હતી અને પોલીસે તેમના જ નિવેદન પરથી ફરિયાદ નોંધી છે. ત્યારે ધોળા દિવસે હોસ્પિટલમાં વ્યાજખોરના પિતા મૃતક ધવલને ડરાવ્યો હતો અને તેમના ગયા બાદ ધવલનું તાવ અને ગભરામણના કારણે મોત થયું હોવાનું પરિવાર આક્ષેપ કર્યો છે. ત્યારે પોલીસે માત્ર હજુ બે વ્યાજખોરોને ઝડપી સંતોષ માન્યો છે. પરંતુ અહી તો ધોળકિયા પરિવારનો આખો માળો જ તૂટી ગયો છે, ત્યારે પોલીસ દ્વારા ક્યારે અન્ય વ્યાજખોરોની ધરપકડ કરશે તે મોટો સવાલ છે.