ચૂંટણીનો માહોલ જામતો નથી, નેતાઓની સભામાં ખુરશીઓ ખાલી... અમે શોધી કાઢ્યું આ પાછળનું ખરુ કારણ

Gujarat Elections 2022 : આ વિધાનસભાની ચૂંટણીમાં માહોલ જામતો નથી, મતદારો નિરસ દેખાઈ રહ્યા છે... આ પાછળ શું કારણ હોઈ શકે તે ઝી 24 કલાકે જાણવાનો પ્રયાસ કર્યો
 

ચૂંટણીનો માહોલ જામતો નથી, નેતાઓની સભામાં ખુરશીઓ ખાલી... અમે શોધી કાઢ્યું આ પાછળનું ખરુ કારણ

Gujarat Elections 2022 ગૌરવ દવે/રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષોનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. પરંતુ આ ચૂંટણીમાં રાજકીય માહોલ જામી રહ્યો નથી. નેતાઓની સભાઓમાં ખુરશીઓ ખાલી રહે છે, તો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી મોટી સભાઓ કરવાનું જ ટાળી રહ્યા છે. ત્યારે સવાલ એ વાતનો થઇ રહ્યો છે કે મતદારોની ખામોશી શું દર્શાવી રહી છે. 

  • લોક મુખે એક જ ચર્ચા છે કે, ચૂંટણી માહોલ જામતો નથી..
  • તાવા અને ભજીયા પાર્ટીઓમાં મતદારો નિરાશ છે
  • સભાઓમાં નથી હવે કોઇને રસ.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જોરશોરથી જામી રહ્યો છે. પરંતુ આ ચૂંટણીમાં મતદારોને કંઇ મજા ન હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને, સૌરાષ્ટ્રની વિધાનસભાની 48 જેટલી બેઠકોમાં ગ્રામ્ય વિસ્તારોને બાદ કરતા ચૂંટણીનો માહોલ જામતો નથી, છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવ્યું છે કે દિગ્ગજ નેતાઓની સભાઓમાં પણ ખુરશીઓ ખાલી રહે છે. લોકો સભામાં આવવાનું ટાળી રહ્યા છે જેના કારણે રાજકીય પક્ષોની ચિંતામાં ખુબ જ વધારો થયો છે. 

રાજકીય વિશ્લેષકોનું માનીએ તો ચૂંટણી નિરસ થવાના કેટલાક કારણો છે. આ વિશે રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાએ જે કારણો જણાવ્યા તે આ મુજબ છે.

કારણ નંબર 1
લોકોએ પોતાનું મન બનાવી લીધું - આ ચૂંટણીમાં કોને મત આપવો છે તેનું મન લોકોએ બનાવી લીધું છે, જેથી હવે તેઓ સભા રેલી, રોડ શો થી દૂર થઇ રહ્યા છે. 

કારણ નંબર 2
એક સાથે અનેક સભાઓ - પહેલા કોઇ રાષ્ટ્રીય નેતાઓ બે ત્રણ જિલ્લા વચ્ચે એક સભા કરતા હતા. જેના કારણે સભાઓમાં માણસો જોવા મળતા હતા. પરંતુ આ વખતે ભાજપે કાર્પેટ કોમ્બિંગ પ્રચાર કરતા દરેક વિધાનસભામાં મોટા નેતાઓની સભા થઇ રહી છે, જેથી લોકો મર્યાદિત સંખ્યામાં એકઠા થઇ રહ્યા છે.

કારણ નંબર 3
એન્ટી ઇન્કમબન્સી - રાજકીય વિશ્લેષકોનું માનીએ તો જ્યારે સરકાર સામે એન્ટિ ઇન્કમબન્સી હોય ત્યારે પણ લોકો મૌન થઇ જતા હોય છે અને પોતાનો મત આપીને પોતાની નારાજગી વ્યક્ત કરતા હોય છે. 

કારણ નંબર 4
કોંગ્રેસ-આપનો ધીમો પ્રચાર - ભાજપ દ્વારા પ્રચારનો અતિરેક કરવામાં આવ્યો છે, જેની સામે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણી પ્રચારથી દુર છે. રાહુલ ગાંધી એક દિવસ આવીને બે ચૂંટણી પ્રચાર કર્યા, પરંતુ હવે ક્યારે આવશે તે નક્કી નથી, બીજી તરફ ચૂંટણી જાહેર થયા પહેલા આમ આદમી પાર્ટી જે રીતે સક્રિય જોવા મળી હતી, તે ચૂંટણી પછી ગુમ થઇ ગઇ છે અને તેની સભાઓ મર્યાદિત થઇ ગઇ છે.

કારણ નંબર 5
સોશિયલ મીડિયાની અસર - રાજકારણમાં સોશિયલ મીડિયા પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે, પરંતુ તેની સાથે લોકોને જાગૃતતાનું પણ મુખ્ય કારણ છે. લોકો જાગૃત થયા છે જેથી સાચું, ખોટું તેનાથી બરોબર વાકેફ છે. જેથી સભાઓમાં જવાનું ટાળતા હોય અને ઘર બેઠા માહિતી લેતા હોય તેવું લાગી રહ્યું છે. 

ઝી 24 કલાકે રાજકોટના યુવા મતદારોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે યુવા મતદારોએ શું કહ્યું આવો સાંભળો. યુવા મતદારોએ કહ્યું કે, સામાન્ય રીતે ચૂંટણી જાહેર થયા બાદ ગલીએ ગલીએ ચૂંટણીની જ ચર્ચા હોય છે. પરંતુ આ વખતની સ્થિતિ અલગ છે. પહેલી વખત ભાજપ કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ સક્રિય રીતે પ્રચાર કરી રહી છે. જેથી લોકોના મૌને રાજકીય પાર્ટીઓની ચિંતામાં વધારો કર્યો છે.

વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપ-કોંગ્રેસના નેતાઓના વિરોધ, હલ્લાબોલને કારણે માહોલ જામ્યો હતો. આંદોલનકારીઓ દરેક સભા-સરધસમાં પોતાનો વિરોધ કરતા હતા. જેના કારણે આ ચૂંટણી ખૂબ જ હાઇપ્રોફાઇલ બની હતી. જો કે આ વખતે એવી સ્થિતિ નથી. પરંતુ સમય જતા રાજકીય ફેરફારો જરૂર આવ્યા છે. કેટલીક સીટો પર ભાજપે નવા ચહેરોઓને જુના જોગીઓના સ્થાને મૂક્યા છે, જેથી કેટલીક બેઠકો પર પીઢ નેતાઓ શાંત બેસી ગયા છે. નવા ચહેરાઓની કાર્યકર્તાઓમાં પકડ ઓછી છે, જેથી આ ચૂંટણી જરૂર રસપ્રદ બની છે જોવાનું રહેશે મતદારોનું મૌન કોને કેટલો ફાયદો કરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news