ઝી મીડિયા/બ્યૂરો :સરકારી હોસ્પિટલોમાં અંદર શું થાય છે તો ભગવાન જાણે, પણ અંદર ભારે અફરાતરફી મચેલી હોય છે. વહીવટી સ્ટાફમાં અંદરોઅંદર કોઈ પ્રકારનું સંચાલન હોતુ નથી. બહાર દર્દીના સ્વજનો ચિંતા કરતા બેસે છે, પણ અંદર દર્દીના શુ હાલચાલ છે તે ખબર પડતી નથી. વારંવાર સ્વજનોના પૂછવા છતા પણ તેમના દર્દી અંદર કેવી હાલતમાં છે તે ખબર પડતી નથી. આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. એક પુત્ર સમરસ હોસ્ટેલમાં દાખલ પોતાના પિતા સાથે વાત કરવા લાઈનમાં  ઉભો હતો. પિતા મળશે તો જ્યુશ આપીશ તેવા હેતુ સાથે તે જ્યુશનો બોટલ લઈને આવ્યો હતો. પરંતુ તેને ખબર જ હતી કે, તેના પિતાનું કલાકો પહેલા અવસાન થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના ગોકુલ પાર્કમાં રહેતા હિમાંશુ અગ્રાવતના પિતા બાબુલાલ અગ્રાવતને શનિવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પિતાને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પુત્ર ઘરે આવી ગયા હતા. બીજા દિવસે હિમાંશુ અગ્રાવત અને તેમના પત્ની પિતાને મળવા સિવિલ હોસ્પિટલ ગયા હતા. તેમના ખબર અંતર પૂછવા અને તેમને જ્યુસ આપવા તેઓ હોસ્પિટલના પાછળના ગ્રાઉન્ડમાં વીડિયો કોન્ફરન્સ માટે કરાયેલા કંટ્રોલ રૂમ પાસે લાઈનમાં ઉભા રહ્યા હતા. ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા પતી તેમનો વારો આવ્યો હતો અને તેમણે પોતાનું નામ રજિસ્ટર્ડ કરાવ્યું હતું. દોઢ કલાક વિત્યા બાદ પણ તેમનો પરિવારના મોભી સાથે કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. થોડી જ વારમાં કાઉન્ટર ઉપરથી પણ કહી દેવાયું હતું કે બાબુલાલ અગ્રાવત નામનું દર્દી સિવિલ હોસ્પિટલમાં મળી રહ્યું નથી એટલા માટે તમે થોડી વાર રાહ જુઓ.


લાંબી રાહ જોયા બાદ પણ પિતા સાથે સંપર્ક ન થઈ શકતા પુત્રને શંકા ગઈ હતી. પરંતુ આ વચ્ચે પુત્રના હાથમાં એક વીડિયો આવ્યો હતો. જેમાં તેણે જોયુ કે, સમરસ હોસ્ટેલમાં મારા પિતાના શરીરને એમ્બ્યુલન્સ ડ્રાઈવર દ્વારા પમ્પીંગ કરવામાં આવી રહ્યું છે. જેથી તેઓ તરત સમરસ હોસ્પિટલમાં દોડી ગયા હતા. જ્યાં તેમના પિતા બાબુલાલ અગ્રાવત મૃત પામ્યા હતા. આ જાણીને અગ્રાવત પરિવાર આઘાતમાં ડૂબી ગયો હતો.


બાબુલાલ અગ્રાવતે એમ્બ્યુલન્સની અંદર જ દમ તોડ્યો હતો. આ મામલે તપાસ કરતાં પુત્રને જાણવા મળ્યું કે, શનિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ અમારી જાણ બહાર પિતાને બીજી હોસ્પિટલ એટલે કે સમરસ હોસ્પિટલમાં ઑક્સિજન વગરની એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા અને સમરસના કમ્પાઉન્ડમાં જ મારા પિતાનું અવસાન થયું હતું. પુત્રએ વ્યથા ઠાલવતા કહ્યું કે, અમને હોસ્પિટલ તરફથી કે સમરસ દ્વારા કોઈ જ જાણ કરવામાં આવી નહોતી. આટલું ઓછું હોય તેવી રીતે સિવિલ દ્વારા પણ મારા પિતાને સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવી રહ્યાની તસ્દી લેવાઈ નહોતી. 


ગુજરાતમાં ખૂણેખાંચરે હાલ આવા અનેક કિસ્સા બની રહ્યાં છે. સ્વજનોને ખબર જ નથી હોતી કે, તેમના દર્દીઓ ક્યાં અને કેવી હાલતમાં સારવાર લઈ રહ્યાં છે. અનેક કિસ્સાઓમાં દર્દીઓ મૃત પામે છે.