અમદાવાદ: રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય લીધો છે અને તારીખ ૧૫ થી ૨૦ નવેમ્બર સુધીમાં રાજ્યભરમાં ૫,૩૫૨ ખેડૂતો પાસેથી રૂ.૫,૩૭૭ લાખની ૧,૦૭,૫૩૯ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં ગુજરાતમાં પ્રથમ નંબરે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં રજિસ્ટ્રેશનની 20 ટકા જેટલી મગફળીની ખરીદી કરાઈ છે. 5 દિવસમાં 950 ખેડૂતો પાસેથી 19,000 ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં કુલ 17,000થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તો રાજ્યમાં અત્યાર સુધી સરકારે કુલ 95,000 ક્વિન્ટલથી વધુ મગફળીની  ખરીદી કરી છે. આ ખરીદીની પ્રક્રિયા 3 મહિના સુધી ચાલશે.


રાજકોટમાં 11 સેન્ટર પર મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. રાજકોટના જૂના માર્કેટ યાર્ડ ખાતે રાજકોટ તાલુકા, પડધરી અને કોટડાસાંગાણીના ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજકોટમાં 25,000થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલી મગફળી ખરીદ સેન્ટરથી 40 કિમીના અંતરે ગોડાઉનમાં રાખવામાં આવશે. રાજકોટમાં ખરીદી કરેલી મગફળી બામણબોરના રાધેક્રિષ્ના ગોડાઉનમાં રાખવામાં આવી છે તો કોટડાસાંગાણી, પડધરી અને લોધિકાની મગફળી પડવલા અને ગોંડલ ગોડાઉનમાં રાખવામાં આવી છે. જ્યારે પડવલા ગોડાઉનમાં મગફળી ભરાઈ જતાં હવે ગોંડલ એવરેસ્ટ ગોડાઉનમાં રાખવામાં આવશે.


રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજરના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯ માટે લઘુતમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા.૧૫/૧૧/૨૦૧૮થી ખરીદી શરૂ કરાઇ છે. મગફળીના ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરાયેલા રાજ્યભરના કુલ ૧૨૨ એપીએમસી સેન્ટર ખાતે સંબંધિત જિલ્લા કલેકટર દ્વારા તા. ૧લી નવેમ્બર-૨૦૧૮થી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 


આ નોંધણીના ક્રમાનુસાર સરકારના નિયમ મુજબ રોજની ૨,૫૦૦ કિ.ગ્રા.ની મર્યાદામાં મગફળી લાવવા ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવી હતી. જેના કારણે જે તે વિસ્તારના ખેડૂતો જે તે વિસ્તારના એપીએમસી સેન્ટર ખાતે મગફળી વેચાણ માટે પહોંચ્યા હતા. આ પ્રક્રિયા અંતર્ગત તારીખ ૧૫/૧૧/૨૦૧૮ થી તા.૨૦/૧૧/૨૦૧૮ સુધીમાં રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫,૦૦૦ મુજબ રાજ્યભરના ૫,૩૫૨ ખેડૂતો પાસેથી કુલ રૂ.૫,૩૭૭ લાખની કુલ ૧,૦૭,૫૩૯.૭૫ ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી હતી.