ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટના નાનામવા રોડ પર જીવરાજપાર્કમાં આવેલ બ્લોસમ સીટી એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર ચાલતા બાંધકામનો સ્લેબ ધરશાયી થતા બે શ્રમિકોને મોત નિપજ્યા હતા જ્યારે 1 શ્રમિક ઇજાગ્રસ્ત થયો હતો. આજે સવારે 11 વાગ્યા આસપાસ રીનોવેશન દરમિયાન ગેરકાયદેસર ચણતર કરવામાં આવેલા રવેશના સ્લેબ ધરશાયી થયો હતા.સ્લેબ ધરાશાયી થતા ત્યાં કામ કરતા ત્રણ શ્રમિક શિવાનંદ, રાજુ ખુશાલભાઇ સાગઠિયા અને સુરજકુમાર કાટમાળ નીચે દબાયા હતા. જોકે, શિવાનંદ અને રાજુનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે સુરજકુમારને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પાંચ દિવસ પહેલા જ મનપાએ ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોટિસ આપીને ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવ્યું હતું. આજે ફરી બાંધકામ શરૂ કરાતા દુર્ઘટના થઇ હતી. જોકે દુર્ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. મૃતકના પરિવારજનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃતક રાજુ સાગઠિયાના પરિવારજને જણાવ્યું હતું કે, રાજુ છૂટક મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હતા. જીવરાજપાર્કમાં અંબિકાટાઉનશીપમાં બિલ્ડિંગનું રિનોવેશન ચાલી રહ્યું છે. ચોથા માળે સ્લેબ ખોલતા હતા અને સ્લેબ માથે પડ્યો હતો. આથી તેનું મોત નીપજ્યું છે.


આ પણ વાંચોઃ પૈસા ડબલ કરવાની લાલચ આપી કરી પિતરાઈ ભાઈની હત્યા, ત્રણ મહિના બાદ થયો ખુલાસો  


સ્થાનિકોનું કહેવું છે કે, આજે સવારે 11 વાગ્યા આસપાસ ઇમારત તૂટી પડતા અફરા-તફરીનો માહોલ હતો. અચાનક જ દુર્ઘટના સર્જાતા સ્થાનિક લોકો બચાવવા દોડ્યા હતા. 108ને જાણ કરતા દોડી આવી હતી. જમનભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું બહાર થી બાઇક લઈને અંદર આવ્યો અને ધડાકો થયો. બહાર નીકળી જોયું તો બ્લોસમ સીટી એપાર્ટમેન્ટના નવા બનેલા રવેશ તૂટી નીચે પડ્યા હતા. કાટમાળ હટાવતા બે લોકોના મોત થયા હતા જ્યારે 1 ઇજાગ્રસ્ત હતો. મહત્વનું છે કે, એપાર્ટમેન્ટના પ્રમુખને ગેરકાયદેસર બાંધકામ રોકવા માટે RMC દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં આજે બાંધકામ શરૂ કરાવતા દુર્ઘટના ઘટી હતી. 


રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી હોવા છતાં પણ બાંધકામ ચાલુ રાખતા દુર્ઘટના સર્જાઇ હતી. અને બે શ્રમિકોના મોત નિપજયા હતા. ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube