ઝી ન્યૂઝ/રાજકોટ: શહેરમાં એક નર્સનું રહસ્યમય મોત નિપજ્યું છે. એક ખાનગી હોસ્પિટલની નર્સ બાથરૂમમાંથી બેભાન હાલત અવસ્થામાં મળી આવી છે. જેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેમના વિશે તપાસ કરતા રૂમમાંથી ખાલી ઈન્જેક્શન મળી આવ્યા છે અને નર્સના બન્ને સાથળ પર ચાઠા પડી ગયા હોવાની માહિતી મળી આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે શહેરના માધાપર ચોક પાસે એક ખાનગી હોસ્પિટલ આવેલી છે. જેમાં એક નર્સનું રહસ્યમય રીતે મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. મોત થનાર નર્સનું નામ અલ્પા ભૂપતભાઈ જનકાત (ઉં.વ.26) છે. આ નર્સ માધાપર ચોક પાસે આવેલા વરુણ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતી હતી. તેઓ પોતાના જ ફ્લેટના બાથરૂમમાંથી બેભાન મળી આવ્યા હતા, બાદમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે આ ઘટનામાં તપાસ કરતા અલ્યાના રૂમમાંથી ખાલી ઈન્જેક્શન મળી આવ્યા છે. પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરંતુ કોઝ ઓફ ડેથ પેન્ડિંગ રખાયું છે અને વિસેરા લેવામાં આવ્યા છે. નર્સના શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



આ ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામના PSI સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અલ્પા મૂળ ગીર-સોમનાથની વતની હતી. તેનો એક ભાઇ છે અને તે મવડી તરફ રહે છે અને નોકરી કરે છે. પોલીસને નર્સ યુવતીના શરીર પર ઇન્જેકશનના કોઈ નિશાન મળી આવ્યા નથી. જોકે તેના બંને સાથળ પર ચાંભાં પડી ગયાં હોય એવાં નિશાન મળ્યા છે. આ નિશાન શાનાં હોઈ શકે છે? એ અંગે પણ પોલીસે તપાસ યથાવત્ રાખી છે.


નોંધનીય છે કે હોસ્પિટલ દ્વારા નર્સને રહેવા માટે ભાડે ફ્લેટ આપવામાં આવ્યો છે. નર્સ આ ફ્લેટમાં બીજી બે રૂમ પાર્ટનર સાથે રહેતી હતી. અલ્પાબેન ગઇકાલે નોકરી પરથી આવ્યા બાદ નાહવા ગયા હતા. પરંતુ લાંબો સમય સુધી બહાર ન નીકળતા દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ કોઈએ જવાબ ન આપતા દરવાજો તોડાવીને સમગ્ર ઘટનાની માહિતી સામે આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube