રાજકોટની જનતા માટે આધાર કેન્દ્ર પીડાં આપવાનું કેન્દ્ર બન્યું! મિસમેચને કારણે 18 ઓપરેટરો સસ્પેન્ડ
RMCના ત્રણ ઝોનમાંથી માત્ર સેન્ટ્રલ ઝોનમાં જ આધારકાર્ડ કેન્દ્ર કાર્યરત હોવાથી અરજદારોની લાંબી કતારો લાગે છે. મુંબઈની રિઝનલ કચેરી દ્વારા આધારકાર્ડ કેન્દ્રના તમામ 18 ઓપરેટરોને એક સાથે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં આધારકાર્ડ કઢાવવા અરજદારોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. RMCના ત્રણ ઝોનમાંથી માત્ર સેન્ટ્રલ ઝોનમાં જ આધારકાર્ડ કેન્દ્ર કાર્યરત હોવાથી અરજદારોની લાંબી કતારો લાગે છે. મુંબઈની રિઝનલ કચેરી દ્વારા આધારકાર્ડ કેન્દ્રના તમામ 18 ઓપરેટરોને એક સાથે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેના મનપાની ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ થઈ છે. હાલ માત્ર સેન્ટ્રલ ઝોન કચેરીમાં આધાર કાર્ડની કામગીરી 4 નવા ઓપરેટરો દ્વારા કરવામાં આવી રહી છે. જેને કારણે લાંબી લાઈનો થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
- રાજકોટમાં અધરકાર્ડની કામગીરી ઠપ્પ..
- મિસમેચને કારણે તમામ 18 ઓપરેટરો સસ્પેન્ડ..
- છેલ્લા 20 દિવસ થી અરજદારોને પડતી હલકી, તંત્રના પેટનું નથી હલતું પાણી..
- લાંબી કતારોમાં અરજદારો, સસ્પેન્ડ કર્યા પછી કેમ નથી મુક્યા ઓપરેટરો ?
આ લાંબી કતારો છે રાજકોટ મહાનગરપાલિકાના અધરકાર્ડ કેન્દ્રોની...રાજકોટ સિટીનો ભલે સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો હોય. પરંતુ તંત્ર સ્માર્ટ નથી તેને કારણે કચેરીઓમાં લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. મુંબઈની રિઝનલ કચેરીના ધ્યાને આવ્યું હતું કે, બે મહિના પહેલા નાના બાળકો અને તેના પિતાની કરવામાં આવેલ એન્ટ્રીઓમાં અનેક અરજી મીસમેચ થઈ. ગત મહિને આવી અરજીનો આંકડો મહાપાલિકા વિસ્તારનો 4129 હોવાનું સામે આવ્યું. જેને કારણે મુંબઈની રિઝનલ કચેરીએ આધારકાર્ડ કેન્દ્રના એક સાથે 18 ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એટલું જ નહીં જૂની કલેક્ટર કચેરીમાં આવેલ તાલુકા મામલતદાર કચેરીમાં છ મહિના પહેલા આધારકાર્ડની એક કીટ મુકવામાં આવી હતી.
શહેરી વિસ્તારના લોકો માટે આ સવલત ઉભી કરવામાં આવી હતી. પરતું આ ઓપરેટર અને તેની કિટને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવતા શહેર વિસ્તારમાં કુલ 19 ઓપરેટરો સસ્પેન્ડ થયા છે. જેને લઈને આધારકાર્ડની કામગીરી બંધ થતા લોકોને પોસ્ટ ઓફિસ, સરકારી બેંકોના ધક્કા ખાવાની ફરજ પડી છે. આધારકાર્ડનાં કામ માટે આવેલા આર્યન સંચાણીયાએ જણાવ્યું હતું કે, મારા આધારકાર્ડમાં ફોટો ચેન્જ કરવો જરૂરી હોવાથી હું બે દિવસથી ધક્કા ખાવ છું. ફોટો જૂનો હોવાથી આધારકાર્ડ લિંક કરવામાં મુશ્કેલી આવે છે. આ કારણે મારે ફોટો બદલવો જરૂરી છે. હાલ શિષ્યવૃત્તિનાં ફોર્મ ભરવા સહિતની કામગીરી અટકી ગઈ છે. અન્ય એક નાગરિક ધીરૂભાઇ ટાંકનાં જણાવ્યા મુજબ તેઓને આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાનો છે. આ માટે તેઓ બે ત્રણ દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. પણ લાંબી લાઈનો હોવાને કારણે કામ થતું નથી. હાલ આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોવાથી રાશન કાર્ડ સહિતની વસ્તુઓમાં મુશ્કેલી પડી રહી છે.
મહાપાલિકામાં આધારકાર્ડની જવાબદારી સંભાળતા ચૂંટણી શાખાનાં મેનેજર નરેન્દ્ર આરદેશણાએ આ અંગે જણાવ્યું હતું કે, UIDની મુંબઈ રિઝનલ ઓફિસ દ્વારા રાજકોટ મનપાનાં આધારકાર્ડ સેન્ટરના તમામ 18 ઓપરેટરોને એકવર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી ત્રણેય ઝોનમાં 6-6 ઓપરેટરો દ્વારા કામ કરવામાં આવતું હતું. પરંતુ તેઓ સસ્પેન્ડ થતા હવે ચાર નવા ઓપરેટરો માત્ર સેન્ટ્રલ ઝોન કચેરીએ કામગીરી કરી રહ્યા છે. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. જોકે જે કારણે ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમાં તેની નહીં પણ જન્મ-મરણનાં સોફ્ટવેરની ભૂલ હતી. જે હવે દૂર કરવામાં આવી છે. તેમજ મનપામાં આધારકાર્ડની કામગીરી એક વર્ષ માટે બંધ થાય નહીં તે માટે ગાંધીનગર UID કચેરીમાં રિકવેસ્ટ મેઈલ મોકલીને આ સસ્પેન્શન રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. તેમજ આ રજૂઆતમાં વાજબી કારણો પણ આપવામાં આવ્યા હોવાથી એકાદ સપ્તાહમાં સસ્પેન્શન રદ થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડના સર્વરમાં ટેકનિકલ ક્ષતિ છે. આ માટે કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા ગાંધીનગર અને મુંબઈમાં રજૂઆત કરવામાં આવી હતી. આધારકાર્ડ માટે આવતી અરજી સબમીટ થવાના બદલે સીધી જ એરર આવી જતી હોય અને અરજી રિજેક્ટ થાય છે. આવી ઢગલાબંધ ફરિયાદો હતી. જેના કારણે અમુક આધાર કેન્દ્રો ખાતે તો રોજ અરજદારોની લાંબી લાઈનો લાગે છે.