રાજકોટઃ રાજકોટમાં RTE હેઠળ શાળાઓમાં પ્રવેશ માટે વાલીઓ તરફથી કરાતી ગેરરીતિનો પર્દાફાશ થયો છે. ફી બચાવવા માટે વાલીઓ પોતાના બાળકોનું એક વર્ષ બગાડતા પણ નથી ખચકાયા. આવા બે પાંચ નહીં, પણ 400 જેટલા કિસ્સા ફક્ત રાજકોટમાં સામે આવ્યા છે. કેવી રીતે ચાલતી હતી આ સમગ્ર ગેરરીતિ, જોઈએ આ અહેવાલમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણના અધિકાર હેઠળ ગરીબ પરિવારના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાય છે. જો કે આ કાયદાના દુરુપયોગના કિસ્સા પણ સમયાંતરે સામે આવતા હોય છે, જેમાં સંપન્ન પરિવારો પોતાના બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાવીને ગરીબોનો હક ઝૂંટવતા હોય છે.


રાજકોટમાં મોટા પાયા પર આવી જ ગેરરીતિનો પર્દાફાશ થયો છે. કેટલાક વાલીઓએ ખાનગી શાળામાં પહેલા ધોરણમાં ભણી ચૂકેલા પોતાના બાળકોને ફરી RTE હેઠળ પહેલા ધોરણમાં પ્રવેશ અપાવ્યો છે. આ વાલીઓએ પૂરી ફી ભરીને ખાનગી શાળામાં પોતાના બાળકને ભણાવ્યું હતું, પણ બીજા વર્ષે RTE હેઠળ પ્રવેશ મળી જતા ફરી બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ અપાવી દીધો. એટલે કે ફીની રકમ બચાવવા માટે આર્થિક રીતે સંપન્ન વાલીઓ પોતાના બાળકોનું એક વર્ષ બગાડતાં પણ નથી ખચકાયા. ગેરરીતિથી પ્રવેશ મેળવવા વાલીઓએ પોતાના બાળકોના નામ, અટક અને જન્મતારીખ સહિતની વિગતો સાથે ચેડા કર્યા હોવાનું ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમમાં સામે આવ્યું છે. ફક્ત રાજકોટ શહેર અને જિલ્લામાં આવા 400 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. 


આ પણ વાંચોઃ OBC પર ગરમાયું રાજકારણ, ગૃહ મંત્રી અમિત શાહના આક્ષેપ સામે કોંગ્રેસના સવાલ


જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાનગી શાળાઓમાં ખોટી રીતે પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા છે. વિદ્યાર્થીઓને બીજી વખત પ્રવેશ આપનારી ખાનગી શાળાઓ સામે પણ કાર્યવાહી કરાશે. સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ગેરરીતિ સામે તપાસ કરવા શિક્ષણ વિભાગે આદેશ આપ્યા છે. 


વાલીઓ ઓનલાઈન પ્રવેશ માટેની પ્રક્રિયાની મર્યાદાઓનો ખોટો ફાયદો લઈને RTE હેઠળ પ્રવેશ મેળવે છે, ત્યારે ઓનલાઈન વ્યવસ્થામાં રહેલા છીંડા પૂરવા જરૂરી છે. જેથી RTEનો લાભ ખોટી વ્યક્તિ મેળવી ન શકે.


રાઈટ ટુ એજ્યુકેશન ગરીબ અને પછાત વર્ગના બાળકોના અભ્યાસ માટે છે. જો કે સંપન્ન પરિવારો ગરીબોના હક પર તરાપ મારતા ખચકાતા નથી. આ પ્રકારના કિસ્સા અનેક વખત સામે આવી ચૂક્યા છે. જો કે આ પ્રકારની ગેરરીતિને રોકવી જરૂરી છે. જેથી કાયદાનો હેતુ સાર્થક થાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube